જીપીએસસીની વર્ગ 1,2 અને 3 ની પરીક્ષા તારીખ જાહેર, જુઓ લિસ્ટ

ગાંધીનગર, તા. 1 માર્ચ,2025: રાજ્યમાં સરકારી પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા વર્ગે 1,2 અને 3 સબંધિત વિવિધ જગ્યાઓ પર ભરતી સંબંધિત પરીક્ષાની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1, ગુજરાત વહીવટી સેવા વર્ગ 1-2, મદદનીશ વન સંરક્ષક, પરિક્ષેત્ર વન અધિકારી, હિસાબી અધિકારી, રાજ્ય વેરા નિરીક્ષક, નાયબ સેક્શન ઓફિસર તેમજ નાયબ મામલતદારની જગ્યાઓ પરની પરીક્ષાની તારીખોની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગનાં ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી શેર કરી છે. ઉમેદવારો અગાઉથી તૈયારી કરી શકે, વિવિધ ભરતીમાં ભાગ લઈ શકે, મૂલ્યાંકનમાં વિલંબ ન થાય તે તમામ બાબતો ધ્યાન પર રાખી મુલ્કી સેવા વર્ગ -૧,૨, નાયબ સેક્સન અધિકારી, નાયબ વન સંરક્ષક, આંકડા અધિકારી વર્ગ- 1,2, રાજ્ય વેરા નિરીક્ષક વગેરે પરીક્ષાઓનું વાર્ષિક સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.
ઉમેદવારો અગાઉથી તૈયારી કરી શકે, વિવિધ ભરતીમાં ભાગ લઈ શકે, મૂલ્યાંકનમાં વિલંબ ન થાય તે તમામ બાબતો ધ્યાન પર રાખી મુલ્કી સેવા વર્ગ -૧,૨, નાયબ સેક્સન અધિકારી, નાયબ વન સંરક્ષક, આંકડા અધિકારી વર્ગ- ૧,૨, રાજ્ય વેરા નિરીક્ષક વિગેરે પરીક્ષાઓનું વાર્ષિક સમયપત્રક આજે જાહેર કરવામાં આવ્યું.
— Hasmukh Patel (@Hasmukhpatelips) March 1, 2025
ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ તથા ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧/૨ માટેની પ્રાથમિક પરીક્ષા 20 એપ્રિલનાં રોજ યોજાશે તેમજ તેની મુખ્ય પરીક્ષાની શરૂઆત 20 સપ્ટેમ્બરથી થશે. મદદનીશ વન સંરક્ષક તથા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-2ની પ્રાથમિક પરીક્ષા 6 જૂનનાં રોજ યોજાશે તેમજ તેની મુખ્ય પરીક્ષા 10 ડિસેમ્બરથી શરૂ થશે. હિસાબી અધિકારી વર્ગ-૧/૨ની પ્રાથમિક પરીક્ષા 6 જૂનના રોજ યોજાશે જ્યારે તેની મુખ્ય પરીક્ષા 10 ડિસેમ્બરથી શરૂ થશે. રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પ્રાથમિક પરીક્ષા 12 ડિસેમ્બરથી શરૂ થશે જ્યારે તેની મુખ્ય પરીક્ષા જૂન 2026માં યોજાશે. નાયબ સેક્શન ઓફિસર તેમજ નાયબ મામલતદારની પ્રાથમિક પરીક્ષા 7 સપ્ટેમ્બરથી શરૂ થશે જ્યારે તેની મુખ્ય પરીક્ષા ફેબ્રુઆરી 2026માં યોજાશે.
તે ઉપરાંત આયોગ દ્વારા કરવામાં આવી રહેલ મેડિકલ ઓફિસર તથા ટ્યુટરની ભરતીના નિયમોમાં સામાન્ય ફેરફાર થતા તેની અરજી ફરી ખોલવામાં આવેલ છે. ઉમેદવારો 7 માર્ચ સુધી અરજી કરી શકશે જ્યારે તેની પરીક્ષા 30 માર્ચના રોજ લેવામાં આવશે. તેમજ મુલ્કી સેવા વર્ગ 1-2 ની પરીક્ષા 6 એપ્રિલને બદલે 20 એપ્રિલનાં રોજ જતા સહાયક મોટર વાહન નિરીક્ષકની પરીક્ષા બે અઠવાડિયા જેટલી પાછળ જશે તેમ પણ આયોગનાં ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ ભ્રષ્ટાચારની હદ થઈઃ નાયબ કલેકટર, એએસઆઈ બાદ હવે રાજ્ય વેરા અધિકારી એસીબીની ઝપટે ચડ્યો