ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: ફાયરબ્રિગેડની મોકડ્રીલમાં ભાંડો ફૂટયો, લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો

ફાયરબ્રિગેડની મોકડ્રીલમાં ભાંડો ફૂટયો છે. જેમાં હાઈડ્રોલિક પ્લેટફોર્મના રિપેરીંગનો લાખોનો ખર્ચ પાણીમાં ગયો છે. તેમજ 42 ફૂટનો સ્નોરસ્કેલ બંધ હાલતમાં છે. તથા આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવું પડે તેવી અજીબ સ્થિતી સ્થાયી સમિતી ચેરમેનના ધ્યાને આવી હતી. અમદાવાદની આગજનીની ઘટના બાદ ફાયરબ્રિગેડની ઓચિંતી મુલાકાત લીધી હતી અને ફાયરના તમામ સાધનો કાર્યરત સ્થિતીમાં છે કે નહિ તેની ચકાસણી કરી હતી. તેઓએ મોકડ્રીલનો અદાશ કર્યો તેમાં 42 ફુટનું હાઈડ્રોલિક પ્લેટફોર્મ વાહન કામ કરતું ન હોવાની વિગત સામે આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં ખેડૂતો સરકારને આપી રહ્યાં જમીન, જાણો શું છે કારણ

વધુ સક્ષમ 85 મીટરનું હાઈડ્રોલિક પ્લેટફોર્મ વસાવેલું

અમદાવાદના ગિરધરનગર ખાતે ગ્રીન આર્કેડ ફ્લેટમાં સાતમા માળે લાગેલી આગની ઘટનામાં ફાયરના જવાનો સમયસર પહોંચી નહી શકતા એક દીકરીને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અમદાવાદ ફાયરમાં ગાંધીનગર કરતાં પણ વધુ સક્ષમ 85 મીટરનું હાઈડ્રોલિક પ્લેટફોર્મ વસાવેલું છે, છતાં આ દુર્ઘટના સર્જાઈ. આ ઘટના જાણીને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જશવંત પટેલ દ્વારા તકેદારીના ભાગરૂપે ફાયર સ્ટેશનની સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવી હતી. અમદાવાદ જેવી આગજનીની ઘટના બને તો ફાયરબ્રિગેડની ટીમ કેવી બચાવ કામગીરી કરી શકે છે તેની ઓચીંતી મોકડ્રીલ કરવામાં આવી હતી. આ મોકડ્રીલમાં ભાંડો ફુટયો કે 80 લાખના ખર્ચે 42 એમટીપી હાઈડ્રોલિક પ્લેટફોર્મ મશીન રિપેરીંગ કર્યા પછી પણ તે કામ કરતું નથી.

આ પણ વાંચો: ગુજરાત: 24 કલાકમાં 10 હત્યા, જાણો કયા ખેલાયો ખુની ખેલ

વર્ષ 2016માં અમદાવાદ ખાતે રથયાત્રાના બંદોબસ્તમાં તેને નુકશાન થયું

ગાંધીનગર ફાયરબ્રિગેડ પાસે વર્ષોથી 42 એમટીપી હાઈડ્રોલિક મશીન વર્ષ 2007માં સાડા ચાર કરોડના ખર્ચે ઈટાલીથી ખરીદી કરવામાં આવી હતી. હાઈડ્રોલિક પ્લેટફોર્મની ખરીદી ગુડા અને ઔડાની ગ્રાંટમાંથી કરવામાં આવી હતી. પરંતુ ગાંધીનગરમાં એવી કોઈ દુર્ઘટના નથી બની જેમાં આ હાઈડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરવો પડયો હોય. પરંતુ તેનો અન્ય ઉપયોગ થતો આવ્યો છે. વર્ષ 2016માં અમદાવાદ ખાતે રથયાત્રાના બંદોબસ્તમાં તેને નુકશાન થયું, અને વર્ષો પછી 80 લાખના ખર્ચે રિપેરીંગ કરવામાં આવ્યું. ત્યારપછી પણ તે કાર્યક્ષમ સ્થિતીમાં નથી. જે બાબત ચેરમેનના ધ્યાને આવતાં તેમણે તુરત જ રિપેરીંગ કરાવવા માટે સૂચના આપી હતી.

રિપેર કરાવવા ઝડપથી દરખાસ્ત કરવા પણ સૂચના આપી

ગાંધીનગરમાં કોઈ બહુમાળી બિલ્ડીંગમાં આગ લાગે તો ફાયર તંત્ર નિઃસહાય પુરવાર થાય. આ જાણી ચેરમેન પણ ભડકી ઉઠયા હતા. તેમણે ફાયરતંત્રનો ઉધડો લીધો હતો. તેમણે જણાવ્યું કે, કેપિટલ સિટીનું ફાયરબ્રિગેડનું તંત્ર બિલકુલ સજ્જ હોવું જરૂરી છે. સાધનો ખામીગ્રસ્ત હોવા છતાં મૌન રહેવા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. ઉપરાંત તેને રિપેર કરાવવા ઝડપથી દરખાસ્ત કરવા પણ સૂચના આપી હતી.

Back to top button