ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2024, મુખ્યમંત્રીના બંદરો વિભાગની માંગણીઓ સંદર્ભે વિધાનસભામાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે,બંદરો અને વાહન વ્યવહાર વિભાગ અંતર્ગત આવતા બંદરો વિભાગ માટે વર્ષ 2024-25માં રૂ.92.13 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે.પાછલા બે દાયકામાં દરિયાઈ માર્ગે માલ સમાન ટ્રાન્સપોર્ટનો રાષ્ટ્રીય સંકલિત વૃદ્ધિ વિકાસ દર ૬.૨૫ ટકા જેટલો રહ્યો છે. સરકારના સતત પ્રયાસોથી ગુજરાતના બંદરો થકી માલ સામાનના ટ્રાન્સપોર્ટનો સંકલિત વૃદ્ધિ વિકાસ દર 8.45 ટકા રહ્યો છે.તે ઉપરાંત તેમણે કહ્યં હતું કે, ગુજરાતના બંદરો પરથી 105 કરતા વધુ દેશોમાં 60 કોમોડીટી-જણસની નિકાસ કરવામાં આવે છે.
105 કરતા વધારે દેશોમાં 60 કરતા વધારે કોમોડીટીની નિકાસ
મંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે,ગુજરાતના નોન મેજર પોર્ટ પરથી વર્ષ 2022–23માં 13,800 જેટલા જહાજોની અવર-જવર થઈ હતી. જે વર્ષ 2001-02ની તુલનામાં 2.76 ગણો વધારો થયો છે.તેમણે કહ્યું હતું કે,2022-23માં રાષ્ટ્રીય સ્તરે પોર્ટ થકી માલની હેર ફેર આશરે 1,433 મિલિયન મેટ્રિક ટન જયારે ગુજરાતના નોન મેજર પોર્ટ દ્વારા 416.36 મિલિયન મેટ્રિક ટન માલનું ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યું, જે કુલ રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટનો અંદાજે 29% છે. ગુજરાતના બંદરો પરથી આશરે 105 કરતા વધારે દેશોમાં 60 કરતા વધારે કોમોડીટીની નિકાસ થાય છે. ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 20 ટકાનો ફાળો ધરાવે છે. રાજ્યના દરિયાકાંઠે થતા માલ ટ્રાન્સપોર્ટમાં 164 મિલિયન મેટ્રીક ટન એટલે કે 39 ટકા ફાળો કેપ્ટીવ કાર્ગોનો છે.
દેશની પેટ્રોલીયમ પેદાશની જરૂરીયાતોના 45 ટકા સપ્લાય
મંત્રી વિશ્વકર્માએ ગૃહમાં જણાવ્યું હતું કે,દેશની કુદરતી ગેસની જરૂરીયાતના 50 ટકાની LNG અને LPGની સપ્લાય ગુજરાતના પોર્ટ પર થતાં ઈમ્પોર્ટ દ્વારા થાય છે. દેશની પેટ્રોલીયમ પેદાશની જરૂરીયાતોના 45 ટકા સપ્લાય ગુજરાતના પોર્ટ મારફત થાય છે. દેશના કુલ કન્ટેનર હેન્ડલિંગના 39 ટકા હેન્ડલિંગ ગુજરાતના પોર્ટ મારફત થાય છે. ભાવનગર પોર્ટના ઉત્તર ભાગમાં બ્રાઉનફિલ્ડ પોર્ટ વિકસાવવા માટે અંદાજીત 4,024 કરોડનાં રોકાણના આયોજન માટે કન્સેશન એગ્રીમેન્ટને મંજૂર કરવામાં આવ્યા છે. દહેજ ખાતે પોર્ટની સુવિધાઓનાં વિસ્તૃતિકરણનાં ભાગરૂપે પેટ્રોનેટ એલ.એન.જી. દ્વારા રૂ. 1,700 કરોડનાં ખાનગી મૂડીરોકાણથી ત્રીજી જેટીના વિકાસ માટેની દરખાસ્તને સૈધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
સક્રીય માછીમારો દ્વારા 36,593 મત્સ્યબોટો કાર્યરત
મંત્રી વિશ્વકર્માએ ગૃહમાં જણાવ્યું હતું કે,દહેજ ખાતે આવેલ ગુજરાત કેમિકલ પોર્ટ લીમીટેડ (GCPL) દ્વારા અંદાજીત રૂ.3,322 કરોડના ખર્ચે બીજી જેટી વિકસાવવા માટેનું બાંધકામ પ્રગતિ હેઠળ છે.હજીરા ખાતે ફેઝ-2 અને આઉટર હાર્બરના વિકાસ માટે અંદાજીત રૂ. 5,900 કરોડના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે. મંત્રીએ મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા બાબતે કહ્યું હતું કે,રાજ્યમાં 2.18 લાખ સક્રીય માછીમારો દ્વારા 36,593 મત્સ્યબોટો કાર્યરત છે. હાલમાં રાજ્યમાં 8.97 લાખ મેટ્રીક ટન મત્સ્ય ઉત્પાદન થાય છે જે પૈકી 2.84 લાખ મેટ્રીક ટન એક્સપોર્ટ થાય છે, જેના થકી રૂ.5,865 કરોડનું વિદેશી હુંડીયામણ મળે છે. રાજ્ય સરકાર દ્વારા દરીયાકાંઠે નાના માછીમારોને સુવિધાઓ મળી રહે તે હેતુસર માઢવાડ, સુત્રાપાડા, વેરાવળ અને નવાબંદર ખાતે લગભગ 970 કરોડના ખર્ચે મત્સ્યપોર્ટ વિકસાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃઇન્ટરનેટ વિના તમારી ટ્રેન વિશે જાણકારી કેવી રીતે મળી શકે? આ રહ્યો રસ્તો