
Gujarat Poll Row: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્ય ચૂંટણી આયોગના એક તાજેતરના પરિપત્રને કારણે ભારે ચર્ચા અને વિવાદ ઉભો થયો છે. આ પરિપત્ર મુજબ હવે રાજકીય પક્ષોને મતદાન અને મતગણતરી માટે એવા લોકોને પણ ચૂંટણી એજન્ટ તરીકે નિયુક્ત કરવાની છૂટ આપવામાં આવી છે, જેમના સામે ગુનાહિત કેસો નોંધાયેલા હોય. આ નિર્ણયને કારણે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને નિષ્પક્ષતા અંગે પ્રશ્નો ઊભા થયા છે.
નવા પરિપત્રથી આ શરત દૂર કરવામાં આવી
આ અગાઉના નિયમો મુજબ, ચૂંટણી એજન્ટ તરીકે એવી વ્યક્તિને જ નિયુક્ત કરી શકાતી હતી જેનો કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોય. પરંતુ નવા પરિપત્રથી આ શરત દૂર કરવામાં આવી છે. પરિણામે, રાજકીય વર્તુળો ઉપરાંત સામાજિક અને નાગરિક સંગઠનોમાં પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત થઈ રહી છે.
ચૂંટણી પંચનો પરિપત્ર : – Election Commission Of Gujarat
ચૂંટણી એજન્ટોની મહત્ત્વની ભૂમિકા
વિશેષજ્ઞોના મતે, ચૂંટણી એજન્ટો મતદાન મથકો અને મતગણતરી કેન્દ્રોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ સમગ્ર પ્રક્રિયાની દેખરેખ રાખે છે, જેથી મતદાન યોગ્ય રીતે અને નિયમ મુજબ થાય. આવી સ્થિતિમાં ગુનાહિત પૃષ્ઠભૂમિવાળા લોકોને આ જવાબદારી સોંપવાથી મતદારોમાં ભય અને અસુરક્ષાની લાગણી ઊભી થઈ શકે છે. ખાસ કરીને ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોમાં, જ્યાં સ્થાનિક પ્રભાવશાળી લોકોનો દબદબો વધુ હોય છે, ત્યાં આ નિર્ણયના પ્રભાવને લઈને વધુ ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. મતદારો નિર્ભયતાપૂર્વક મતદાન કરી શકશે કે નહીં તે મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ નિર્ણયને કારણે સવાલો ઊભા થયા
આ નિર્ણયને કારણે ‘ભયમુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી’ના મૂળ સિદ્ધાંત પર પણ સવાલો ઊભા થયા છે. એક તરફ દેશભરમાં સ્વચ્છ રાજકારણની વાતો થાય છે, ત્યારે બીજી તરફ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને ચૂંટણી પ્રક્રિયામાં સત્તાવાર રીતે સામેલ કરવાની છૂટ આપવી વિસંગત ગણાઈ રહી છે. હાલ સુધી રાજ્ય ચૂંટણી આયોગ તરફથી આ મુદ્દે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી, પરંતુ વધતા વિરોધ વચ્ચે આગામી દિવસોમાં આ નિર્ણય અંગે ફેરફાર કે સ્પષ્ટતા આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આવતીકાલે થશે મતદાન
આ દરમિયાન, રાજ્યમાં આવતીકાલે 26 એપ્રિલે કુલ 396 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે મતદાન થવાનું છે. તેમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે. કુલ બેઠકોમાંથી 731 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે 9,308 બેઠકો માટે સીધી ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કુલ 25,551 ઉમેદવારો મેદાનમાં છે.
મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે
અંદાજે 4.19 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન માટે રાજ્યભરમાં 49,591 મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે અને સંવેદનશીલ વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. સમગ્ર પ્રક્રિયાની દેખરેખ માટે વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીને રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અનેક રાજકીય વિશ્લેષકો તેને વિધાનસભા ચૂંટણી પહેલાંની ‘સેમી ફાઈનલ’ તરીકે જોઈ રહ્યા છે. હવે સૌની નજર મતદાનના દિવસ પર છે, જ્યાં જનતા પોતાનો નિર્ણય આપશે.












