ગુજરાત પોલીસ દુબઈથી સટ્ટાખોરોને પકડી લાવે છે પણ બાયો ડિઝલ કૌભાંડીઓને ક્યારે પકડશે
અમદાવાદ, 02 સપ્ટેમ્બર 2024, ગુજરાતમાં સટ્ટાનું નેટવર્ક ચલાવનારા લોકોને પોલીસ દુબઈથી પકડી લાવી છે. 2300 કરોડના સટ્ટાકાંડના આરોપીને દુબઈથી અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ રાજ્યમાં કરોડો રૂપિયાના બાયો ડિઝલ કૌભાંડના મુખ્ય આરોપીઓ દુબઈ બેસીને બિઝનેસ ચલાવી રહ્યા છે. એમને પકડવા માટે કોઈ એક્શન લેવામા આવ્યા નથી. દેશના અન્ય રાજ્યોમાં બાયો ડિઝલ કૌભાંડ આચરનારા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પરંતુ ગુજરાતમાં આ કૌભાંડ આચરનારા આરોપીઓ સામેની તપાસ હજી લટકી રહી છે. આ કૌભાંડના આરોપીઓએ મુંબઈમાં નવી કંપની ચાલુ કરીને દુબઈથી તેને ઓપરેટ કરી રહ્યાં છે. આ કેસમાં તપાસ ક્યાં પહોંચી એ અંગે પણ બનાસકાંઠાના તપાસ અધિકારી જણાવવા તૈયાર નથી. જેથી તપાસ અધિકારી સામે શંકાઓ ઉદ્ભવી રહી છે.
કેસને ઢીલો મુકીને આરોપીઓને દુબઈ ભાગી જવા માટે છુટો દોર
ગુજરાતમાં મોટી મોટી જાહેરાતો આપીને બાયો ડિઝલ પંપ ખોલવા માટે માય ઈકો એનર્જી નામની કંપનીએ લોકો પાસેથી ડિપોઝિટ પેટે લાખો રૂપિયા ખંખેરી લીધા હતાં. ત્યાર બાદ પંપ નહીં ખોલી આપીને છેતરપિંડી આચરી હતી. આ કંપની સામે અનેક ફરિયાદો કરવામાં આવી હતી. અન્ય રાજ્યોમાં પણ આ કંપનીના નામે આઠ ગઠિયાઓએ છેતરપિંડી કરી હતી. હૈદરાબાદમાં આ કંપનીના સંચાલકો સામે ફરિયાદ થઈ હતી અને તેમાં કાર્યવાહી થતાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ગુજરાતમાં થયેલી ફરિયાદમાં માત્ર એક મેનેજર કક્ષાના માણસની અટકાયત કરીને પોલીસે સંતોષ માની લીધો છે. હજી આ કેસની તપાસ લટકી રહી હોવાથી આ કેસમાં તપાસ અધિકારી સામે શંકાઓ ઉદ્ભવી છે. આ કેસની તપાસ બનાસકાંઠાના તપાસ અધિકારીના હાથમાં છે. તેમણે કેસને ઢીલો મુકીને આરોપીઓને દુબઈ ભાગી જવા માટે છુટો દોર આપ્યો હોવાની ચર્ચાઓ આ કૌભાંડમાં છેતરાયેલા લોકોમાં થઈ રહી છે.
અન્ય રાજ્યોમા કાર્યવાહી થઈ પણ ગુજરાતમાં નહીં
ગુજરાતમાં અનેક લોકોએ માય ઈકો એનર્જી નામની કંપની પાસેથી પંપ ચાલુ કરવા માટે ડિપોઝિટ પેટે લાખો રૂપિયાની રકમ જમા કરાવી હતી. પરંતુ તેમને પંપ ચાલુ નહીં કરી આપી કંપનીના સંચાલકોએ પૈસા પણ પાછા નથી આપ્યા. આ અંગે ડિસામાં 28 મે 2019ના રોજ કંપની સામે એક વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ સામે કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતાં ગૌરાંગ ચોકસી નામના શખ્સની અટકાયત કરાઈ હતી. ગુજરાત સહિત મહારાષ્ટ્ર, હૈદરાબાદ જેવા અનેક રાજ્યોમાં આ કંપનીના સંચાલકોએ છેતરપિંડીનું નેટવર્ક ઉભું કર્યું છે. આ સંચાલકો સામે અન્ય રાજ્યોની પોલીસે કાર્યવાહી કરી છે પણ ગુજરાતમાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. આ કેસમાં કલોલના એક વ્યક્તિએ હાઈકોર્ટમાં અપીલ કરતાં કોર્ટે કંપનીને નોટીસ ફટકારી હતી. પરંતુ હજુ સુધી કંપનીના સંચાલકો સામે કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં આવી હોય તેવુ જણાયું નથી.
બીજા રાજ્યોમાં આરોપીઓની અટકાયત કરવામાં આવી
ગુજરાતના કેટલાક વેપારીઓએ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, ગુજરાત ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, પોલીસ વડા વિકાસ સહાય, તેમજ પાલનપુરના નાયબ પોલીસ અધિક્ષકને એક પત્ર લખીને કંપનીના સંચાલકો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં જણાવ્યું હતું કે, અમારા જેવા નાના વેપારીઓ સાથે માય ઈકો એનર્જી નામની કંપનીએ મોટી મોટી જાહેરાતો આપીને બાયો ડિઝલ પંપ શરૂ કરવાના નામે છેતરપિંડી કરી છે. જેની ડિસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે. આ ફરિયાદમાં અનેક સભ્યો ફરિયાદી તરીકે જોડાયા છે. બીજા રાજ્યોમાં આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં આ આરોપીઓ સામે આજ સુધી કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી.
આરોપીઓની નવી ઓફિસ મુંબઈમાં દાદર ખાતે આવી છે
વેપારીઓએ પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, તપાસ અધિકારી આરોપીઓની કંપની સાથે મળી ગયેલા હોવાથી આટલી મોટી છેતરપિંડી હોવા છતાં એક પણ આરોપીની ધરપકડ કરી નથી. તે ઉપરાંત કોઈ યોગ્ય તપાસ પણ કરવામાં આવી નથી. આરોપીઓની નવી ઓફિસ મુંબઈમાં દાદર ખાતે આવી છે અને ખુલ્લેઆમ ધંધો કરી રહ્યાં છે. છતાં પણ પોલીસને આરોપીઓ દેખાતાં નથી. બીજા રાજ્યોની પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકતી હોય તો ગુજરાત પોલીસ કેમ નથી પહોંચી શકતી. જેથી આ કેસમાં તપાસ અધિકારી સામે શંકાઓ ઉદ્ભવે છે. આવા અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા જરૂરી છે. અમે ન્યાયની ઝંખના કરી રહ્યાં છીએ. અમારા જેવા નાના માણસોના પૈસા પચાવી પાડનાર આ કંપનીના સંચાલક આરોપીઓ સામે પગલાં ભરવા અમારી રજૂઆત છે.
કંપનીએ બાયો ડિઝલ પંપ ખોલવા માટે મોટી મોટી જાહેરાતો કરી હતી
ગુજરાતમાં માય ઈકો એનર્જી નામની કંપનીએ બાયો ડિઝલ પંપ ખોલવા માટે મોટી મોટી જાહેરાતો કરી હતી. આ જાહેરાતોને કારણે અસંખ્ય લોકોએ કંપનીને પંપ માટે ડિપોઝિટ પેટે લાખો રૂપિયા ચૂકવ્યા હતાં. પરંતુ કંપનીના સંચાલકો કંપનીના ડિરેક્ટર સચિન સાહેબ્રાહો સહિત જયંત જગન્નાથ, સારિકા શિન્દે, કિશોર ગાયકવાડ,માનસ સંપતરાય, વિકાસ રાય,ફેઝલ શેખ અને ગૌરાંગ ચોકસી, પરાગ કામત અને રીપલ ગાંધીએ નાના મોટા વેપારીઓ અને લોકો પાસેથી ડિપોઝિટ પેટે મળેલા લાખો કરોડો રૂપિયા લઈને પંપ ચાલુ કરવા અંગે જવાબ આપવાનું જ બંધ કરી દીધું હતું. ત્યાર બાદ આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. સમગ્ર કેસમાં કરોડોનું કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું હતું. ગુજરાતમાં આ મુદ્દે અનેક ફરિયાદો થઈ છે પણ તેની સામે માત્ર નાના માણસ સામે કાર્યવાહી કરીને તપાસ અધિકારીઓએ મોટા માણસોને છુટો દોર આપ્યો હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચોઃગુજરાતમાં બાયો ડિઝલ પંપ શરૂ કરવાના કૌભાંડમાં તપાસ અધિકારીની ભૂમિકા શંકાસ્પદ