જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્વે પેપરફોડ, સેટિંગબાજોને નજરકેદ કરવા રજૂઆત કરવામાં આવી છે. જેમાં નોકરી વેચતા વચેટિયાના પૂરાવા સરકારને સોંપ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 8.50 લાખ ઉમેદવારો માટે રવિવારે ભરતી પરીક્ષા યોજાશે. તેમાં પેપરફોડ તત્વોના ઓડિયો- વીડિયો સહિતના પુરાવા એકત્ર કરીને સરકારને સોંપ્યા છે.
આ પણ વાંચો: 74મો પ્રજાસત્તાક દિવસ: રાષ્ટ્રધ્વજના ભાવમાં વધારો થયો પણ તિરંગાની માગ વધી
પરીક્ષાના બે દિવસ અગાઉથી રાઉન્ડ અપ કરવા રજૂઆત
8.50 લાખથી વધુ ઉમેદવારો જેની રાહ જોઈ રહ્યા છે તે વર્ષ 2018માં જાહેર થયેલી 1,181 જુનિયર ક્લાર્કની જગ્યા માટે પંચાયત સેવા પસંદગી બોર્ડ 29 જાન્યુઆરીને રવિવારે ભરતી પરીક્ષા યોજશે. આ ભરતીમાં પણ ભૂતકાળમાં પેપર ફોડનારા, નોકરીનુ વેચાણ કરનારા સેટિંગબાજ ફરી એક્ટિવ થઈ ગયા હોવાના પુરાવા સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોએ મુખ્યમંત્રી, પંચાયત મંત્રી, ગૃહમંત્રી અને પંચાયત બોર્ડને સોંપ્યા બાદ યુવરાજસિંહ જાડેજાએ આવા તમામ તત્વોને પરીક્ષાના બે દિવસ અગાઉથી રાઉન્ડ અપ કરવા, નજરકેદ કરવા માંગણી કરી હતી.
ઓડિયો- વીડિયો સહિતના પુરાવા એકત્ર કરીને સરકારને સોંપ્યા
વિતેલા પાંચ વર્ષમાં હેડ ક્લાર્ક, સબ ઓડિટર, બિન સચિવાલય ક્લાર્ક જેવી અનેક ભરતીઓમાં પેપરલિક થયા છે. લાખો રૂપિયામાં સરકારી નોકરીઓના વેચાણ કરનારા સેટિંગબાજો ઉઘાડા પડયા છે. આવા અનેક કેસોમાં પુરાવા કે શંકાના આધારે પોલીસની અટકાયત બાદ મુક્ત થયેલા કાવતરાખોરો ફરીથી સક્રિય છે. તેમ કહેતા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો વતી યુવરાજસિંહે બુધવારે મીડિયા સમક્ષ કહ્યુ કે, રવિવારે યોજનારી પરીક્ષામાં કન્ફોર્મ નોકરીનો દાવો કરી લાખો રૂપિયા પડાવતી સેટિંગબાજ ગેંગની માહિતી અમને મળી છે. ઉમેદવારો મારફતે પેપરફોડ તત્વોના ઓડિયો- વીડિયો સહિતના પુરાવા એકત્ર કરીને સરકારને સોંપ્યા છે.
ગૃહ વિભાગને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી
સૌની એટલી જ માંગણી છે કે જેમના નામ પેપરલીકેજ કે સેટિંગકાંડમાં ઉછળ્યા હતા. પોલીસે કેસ કર્યા છે તેવા તમામને પરીક્ષાના એક- બે દિવસ અગાઉ નજરકેદ કરવામાં આવે. જેથી પરીક્ષા દરમિયાન પેપરલીકેજની ઘટના ઘટે નહી અને ફરીથી પરીક્ષા રદ્દ કરવાની નોબત આવે નહી. ઉમેદવારોની મહેનત એળે જાય નહી. તેમણે આ મુદ્દે પંચાયત ભરતી બોર્ડને રજૂઆત કર્યા બાદ બોર્ડ તરફથી ગૃહ વિભાગને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.