ગુજરાત: પાનમસાલાના વિક્રેતાઓને ત્યાંથી રૂ1.10 કરોડની ટેક્સચોરી ઝડપાઇ
- 14 વેપારીઓના 23 સ્થળો પર તપાસ કરવામાં આવી
- જીએસટી વિભાગે મોટા પાયે હિસાબી ચોપડા જપ્ત કર્યા
- છેલ્લાં ત્રણ વર્ષના હિસાબોની તપાસ કરવામાં આવશે
સુરત શહેરના પાનમસાલાના વેપારીઓને ત્યાં એસજીએસટીએ પાડેલા દરોડામાં પ્રાથમિક તપાસમાં 1.10 કરોડની જીએસટી ચોરી મળી આવી છે. જ્યારે આગામી દિવસોમાં આ આંકમાં વધારો થવાની શક્યતા નકારી શકાતી નથી.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં ચંદ્રયાન-૩ની સફળતા માટે આજે સમુહ પ્રાર્થના કરાશે
14 વેપારીઓના 23 સ્થળો પર તપાસ કરવામાં આવી
ચાર દિવસથી શરૂ કરવામાં આવેલી કાર્યવાહીમાં જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા 14 વેપારીઓના 23 સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. મંગળવાર સુધીની તપાસમાં અધિકારીઓ દ્વારા વેપારીઓના ખરીદી-વેચાણના હિસાબી દસ્તાવેજ તેમના સ્ટોક, લેપટોપ સહિત અન્ય હિસાબી પુરાવાઓને જપ્ત કરી લીધા હતા. પ્રાથિમક રીતે તપાસ હાથ ધરતા વેપારીઓએ 1.10 કરોડ રૂપિયાની ટેક્સચોરી કરી હોવાનું જણાઇ રહ્યું છે.
આ પણ વાંચો: લો બોલો, રૂ.2000ની નોટબદલીમાં 3 મહીનામાં 2000 કરોડ બેંકોમાં ડિપોઝીટ આવી
જીએસટી વિભાગની બિલ વગરની ખરીદી કરનારા વેપારીઓ પર વોચ
જોકે, આગામી દિવસોમાં આગળની તપાસ હાથ ધરવામાં આવશે ત્યારે અન્ય ખુલાસાઓ પણ થશે અને ટેક્સચોરીનો આંક વધે તેવી સંભાવના છે. અધિકારીઓ આ અંગે આગામી દિવસોમાં આવકવેરા સહિત અન્ય સંબંધિત વિભાગોને પણ જાણ કરશે. તેથી તમાકુ વિક્રેતાઓ માટે સમસ્યા વધે તેવી સંભાવના છે. જીએસટી વિભાગ લાંબા સમયથી બિલ વગરની ખરીદી કરનારા વેપારીઓ પર વોચ રાખી રહ્યું હતું અને ઠોસ પુરાવાઓ મળતા વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. આવનારા દિવસોમાં બેનંબરમાં ખરીદી-વેચાણ કરનારા અન્ય વેપારીઓ પર પણ ગાજ પડે તેવી શક્યતા છે. હાલ તો વિભાગ દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજની તપાસ શરૂ કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી રહી છે.