ગુજરાતઃ આ મહિલા IASના એક પગલાથી છોટાઉદેપુરની હજારો મહિલાઓનું જીવન બદલાશે.
ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના ધંધોડા ગામની રહેવાસી ઉષાબેન નવસિંહભાઈ રાઠવા પાસે બેંક ખાતું છે, પરંતુ પૈસા કેવી રીતે જમા કરવા કે ઉપાડવા તે જાણતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન ધન યોજના હેઠળ લગભગ દરેક વ્યક્તિ પાસે બેંક ખાતું હોય છે પરંતુ ઉષાબેનની જેમ તેને કેવી રીતે ઓપરેટ કરવું તે બહુ ઓછા લોકો જાણે છે. ઉષાબેન એક ગૃહિણી છે અને ખેતી પણ કરે છે, તેમનું કહેવું છે કે, પહેલા મને બેંકમાં રોકડા કે ચેક ભરતા આવડતું નહોતું, તેના માટે મારે બીજાની મદદ લેવી પડતી હતી. ઘણીવાર બીજા પાસે ફોર્મ ભરાવવામાં પણ ભૂલો થતી હતી
તેમની જેવા જ અન્ય એક આદિવાસી મહિલા ગુંગાવાડા ગામના નિલમ ભાવેશભાઈ રાઠવા છે. તેમણે પણ ક્યારેય એટીએમમાંથી પૈસા ઉપાડ્યા નથી. તેઓ ATM પિનને કાગળ પર લખે અને બીજાની મદદથી ખાતામાંથી પૈસા ઉપાડે, તેમને સહેજે શંકા રહે કે મદદ કરનાર વ્યક્તિ ક્યાંક તેમને છેતરી તો નથી રહીને.
આવી સમસ્યાઓથી જિલ્લાના લોકોને બચાવવા છોટાઉદેપુર જીલ્લા વહીવટીતંત્રે તેમને બેંકિંગની બેઝિક બાબતો શીખવવા માટે એક કાર્યક્રમ શરૂ કર્યો જેનું નામ રખાયું SWATAH (સ્માર્ટ વુમન એડોપ્ટિંગ એન્ડ હાર્નેસિંગ ટેક્નોલોજી). આ કાર્યક્રમને કારણે ગામના લોકોની જીવન શૈલી બદલાઈ ગઈ છે. અને ખાસ કરીને મહિલાઓમાં ટેક્નોલોજીને લઈને જાગૃતતા વધી છે.
તમને સવાલ થતો હશે કે SWATAH કાર્યક્રમ કોના મગજની ઉપજ છે. તો તમને જણાવી દઈએ કે છોટાઉદેપુરના કલેક્ટર સ્તુતિ ચારણનો આ આઈડિયા છે. જેનો ઉદ્દેશ્ય મહિલાઓને નાણાકીય વ્યવહારોની તાલીમ આપવા અને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. તેઓ મહિલાઓને સરકારી યોજનાઓની માહિતી અને લાભ વિશે જણાવી તેમને તાલીમ આપે છે. મોટાભાગે SHG, ખેતી કરતી મહિલાઓ, દૂધ મંડળીના સભ્યો, આશા કાર્યકરો, આંગણવાડી કાર્યકરો વગેરે.ને તાલીમ આપવાનો તેમનો લક્ષ્યાંક છે. આ મહિલાઓ પાસે મૂળભૂત સાક્ષરતા હોવી જોઈએ જેથી તેઓ સમજી શકે કે તંત્ર તેમને શું શીખવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ મહિલાઓની ઉપલબ્ધતા અનુસાર વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવે છે અને લગભગ 35-40 આદિવાસી મહિલાઓ SWATAH શિબિરમાં ભાગ લે છે. આ મહિલાઓને રોકડ જમા અને ઉપાડ, પાસબુક છપાવવા, ચેક લખવા અને એટીએમનો ઉપયોગ કરવા જેવી તમામ બેંકિંગ પ્રવૃત્તિઓ શીખવાની તાલીમ આપવાનો હેતુ છે. આમ, એક અધિકારી ધારે તો કેવી રીતે પરિવર્તન લાવી શકે તેનું તાજું ઉદાહરણ છોટાઉદેપુર જિલ્લામાંથી સામે આવ્યું છે.