

- પ્રદેશ ભાજપ દ્વારા કેટલાક હોદ્દેદારોને પડતા મુકાશે
- ગીર સોમનાથમાં મહેન્દ્રભાઈ પિઠીયાની પસંદગી
- પોરબંદરમાં રમેશભાઈ ઓડેદરાની નિમણુંક
- પ્રદેશ ટીમમાંથી પણ કેટલાક હોદ્દેદારોની હકાલપટ્ટી થશે
આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. ત્યારે તે દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાત રાજ્યમાં ભાજપના સંગઠનમાં ફેરફારની કવાયત યથાવત રહી છે. જેમાં પ્રદેશ સંગઠન તરફથી ત્રણ જિલ્લાને નવા પ્રમુખ મળ્યા છે. તેમાં ગીર સોમનાથમાં મહેન્દ્રભાઈ પિઠીયા તથા પોરબંદરમાં રમેશભાઈ ઓડેદરા અને ડાંગમાં કિશોરભાઈ ગાવીત જિલ્લા પ્રમુખ તરીકે નિમાયા છે.
ત્રણેય જિલ્લાના પ્રમુખોના રાજીનામાં લેવાઈ ગયા હતા
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ત્રણેય જિલ્લાના પ્રમુખોના રાજીનામાં લેવાઈ ગયા હતા. જેમાં રાજીનામા બાદ પ્રદેશ પ્રમુખે ત્રણેય જિલ્લામાં નવા પ્રમુખની વરણી કરી છે. તેમજ પ્રદેશ ભાજપની ટીમમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. તેમજ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટને જવાબદારીમાંથી પડતા મુકાયા છે. તથા ભાર્ગવ ભટ્ટની જવાબદારી મધ્યઝોનની હતી. જેમાં સત્તાવાર રીતે ટૂંક સમયમાં જાહેરાત કરશે. તેમજ હજુ પણ પ્રદેશ ટીમમાંથી કેટલાક હોદ્દેદારોને પડતા મુકાશે તેવું પ્રદેશના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
શા માટે લેવાઈ રહ્યા છે પગલાં ?
મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ લોકસભા 2024 ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે. દિવસે દિવસે પાર્ટી વધુને વધુ મજબૂત કેમ બને તેની મથામણ ચાલી રહી છે ત્યારે હાલમાં વિધાનસભા ચૂંટણી બાદ જે લોકો પક્ષથી અંદરખાને વિખુટા પડ્યા છે કે કામગીરીથી નિષ્ક્રિય થયા છે તેનાથી પક્ષને કોઈ નુકસાન ન થાય તે માટે આ પગલાં લેવાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.