ગુજરાત: હવે GPSCની પરીક્ષામાં આન્સર કી સામે વાંધા સૂચનો માટે ફી ભરવી પડશે


- વાંધા સૂચનો માટે પરીક્ષાર્થીઓ પાસેથી ફી લેવાશે
- એક પ્રશ્નદીઠ 100 રૂપિયા ફી ભરવાની રહેશે
- ઓનલાઈન માધ્યમથી વાંધા સૂચનો લેવાશે
ગુજરાતમાં હવે GPSCની પરીક્ષામાં આન્સર કી સામે વાંધા સૂચનો માટે ફી ભરવી પડશે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષામાં પ્રોવિઝનલ આન્સર કી જાહેર કર્યા બાદ આન્સર કીમાં જણાતા વાંધા સૂચનો રજૂ કરાય છે. આ પછી ફાઈનલ આન્સર કી જાહેર કરાય છે.
વાંધા સૂચનો માટે પરીક્ષાર્થીઓ પાસેથી ફી લેવાશે
GPSCના ચેરમેન હસમુખ પટેલે પ્રોવિઝનલ આન્સર કીમાં વાંધા સૂચનોની અરજીને લઈને નિવેદન આપી જણાવ્યું છે કે, ‘હવે વાંધા સૂચનો માટે પરીક્ષાર્થીઓ પાસેથી ફી લેવાશે.’ GPSC દ્વારા જાહેર કરવામાં આવતી તમામ પરીક્ષાઓમાં પરીક્ષા લેવાયા બાદ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાય છે અને ત્યારબાદ આન્સર કીમાં જણાતા વાંધાઓ ઉમેદવારો રજૂ કરે છે. જેને ધ્યાનમાં રાખીને GPSCના ચેરમેન હસમુખ પટેલે નિવેદનમાં આપીને પ્રોવિઝનલ આન્સર કીમાં વાંધા સૂચનો માટે ફી લેવાનો નિર્ણય કર્યો છે. આ પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી કરવામાં આવશે.
એક પ્રશ્નદીઠ 100 રૂપિયા ફી ભરવાની રહેશે
GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે, ‘હવે તમામ પરીક્ષાઓની અંદર ઓનલાઈન માધ્યમથી વાંધા સૂચનો લેવાશે. જેમાં વાંધા સૂચનો રજૂ કરનારે એક પ્રશ્નદીઠ 100 રૂપિયા ફી ભરવાની રહેશે. ભૂતકાળમાં વાંધા સૂચનો માટે ફી ન લેવામાં આવતી હોવાના કારણે એક જ પ્રશ્નને લઈને ઘણા બધા ઉમેદવારો વાંધા સૂચનો રજૂ કરતા હતા. જેના કારણે વધુ ફિઝિકલ મટિરિયલ હેંડલ કરવાનું થતું અને ભરતીમાં પ્રક્રિયામાં વિલંબ થતો હતો. જેને ધ્યાનમાં રાખીની આ પ્રકારનો નિર્ણય કરાયો છે.’
આ પણ વાંચો: રાજકોટમાં 100 રૂપિયાની માથાકૂટમાં પેટ્રોલ બોમ્બ વડે હુમલો