ગુજરાત: નર્મદા નદીની ઉત્તરવાહિની પરિક્રમાનો 29 માર્ચથી પ્રારંભ


- ચૈત્ર મહિનામાં પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમાનું વિશેષ માહાત્મય
- નર્મદા જિલ્લાના વહીવટીતંત્ર માટે વ્યવસ્થાનો મોટો પડકાર આવ્યો
- હજારો લોકો ૩૨૦૦ કિમીની આખી પરિક્રમા કરતા હોય છે
વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી લગભગ છ કિમી સુધી ઉત્તર દિશામાં વહેતી હોવાથી ચૈત્ર મહિનામાં પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમાનું વિશેષ માહાત્મય છે. જેને કારણે આગામી તા.૨૯મી માર્ચથી જુદાજુદા રાજ્યોના ભક્તો મોટી સંખ્યામાં પરિક્રમા માટે ઉમટી પડનાર હોવાથી નર્મદા જિલ્લાના વહીવટીતંત્ર માટે વ્યવસ્થાનો મોટો પડકાર આવ્યો છે.
કોઇ પણ નદી ઉત્તર દિશામાં વહે ત્યારે તેનું ધાર્મિક માહાત્મય વધી જાય
કોઇ પણ નદી ઉત્તર દિશામાં વહે ત્યારે તેનું ધાર્મિક માહાત્મય વધી જાય છે. કાશીમાં ગંગાજી ઉત્તરમાં વહેતા હોવાથી ત્યાં વિશેષ મહત્વ છે. આવી જ રીતે નદીઓમાં આગવું મહત્વ ધરાવતી નર્મદા નદી પણ રાજપીપળાના રામપુરા ગામથી તિલકવાડા સુધી ઉત્તર દિશામાં વહે છે. નર્મદા એક જ નદી એવી છે જેની હજારો લોકો ૩૨૦૦ કિમીની આખી પરિક્રમા કરતા હોય છે.
આ પરિક્રમા તા.૨૭મી એપ્રિલ સુધી ચાલશે
પરંતુ આગામી તા.૨૯ મી માર્ચથી શરૂ થતા ચૈત્ર મહિનામાં ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમાથી આખી નર્મદાની પરિક્રમાનું પૂણ્ય મળતું હોવાની ધાર્મિક માન્યતા હોવાથી ૧૪ કિમીની પરિક્રમા માટે હજારો ભક્તો આખો મહિનો ઉમટતા હોય છે. જે દરમિયાન ઠેરઠેર સેવાભાવી સંસ્થાઓ પણ પરિક્રમાવાસીઓની સેવા કરતી હોય છે. આ પરિક્રમા તા.૨૭મી એપ્રિલ સુધી ચાલશે.
આ પણ વાંચો: IPS અને CBIના નામે વધુ એક સિનિયર સિટીઝન ડિજિટલ એરેસ્ટ, રૂ. 23 લાખ ગુમાવ્યા