ગુજરાત: ફ્લેટ વેચાણ સમયે ડેવલપમેન્ટ ચાર્જના નામે વધુ રકમ વસૂલી નહીં શકાય!
- ડેવલપમેન્ટ ફીને નામે રૂ. 1 લાખથી 10 લાખ કે તેથી વધુની રકમ વસૂલાય છે
- ગુજરાત સરકારનું સહકાર ખાતું નવા નિયમો તૈયાર કરી રહ્યું છે
- ડેવલમેન્ટ ફીને નામે કોઈ જ ફી ન વસૂલવાની વ્યવસ્થા ઊભી કરી
ગુજરાતમાં ફ્લેટ વેચાણ સમયે ડેવલપમેન્ટ ચાર્જના નામે વધુ રકમ વસૂલી શકાશે નહીં. કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીઓ કે પછી કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટીઓમાં ફ્લેટ વેચાય અને નવા મેમ્બર આવે તો તેમની પાસેથી મન ફાવે તે રકમ ડેવલપમેન્ટ ચાર્જને નામે મોટી રકમ લેવા પર અંકુશ મૂકવાના ઇરાદા સાથે ગુજરાત સરકારનું સહકાર ખાતું નવા નિયમો તૈયાર કરી રહ્યું છે.
ડેવલપમેન્ટ ફીને નામે રૂ. 1થી 10 લાખ કે તેથી વધુની રકમ વસૂલાય છે
આ નવા નિયમો થોડા અઠવાડિયાઓમાં જાહેર થવાની સંભાવના હોવાનું સહકાર ખાતાના જાણકાર સૂત્રોનું કહેવું છે. અત્યારે ડેવલપમેન્ટ ફીને નામે રૂ. 1 લાખથી માંડીને 10 લાખ કે તેથી વધુ રકમ વસૂલી લેવામાં આવે છે. જોકે ફ્લેટ ખરીદીને જૂની સોસાયટીમાં નવા સભ્ય બનનારાઓ પાસેથી ટ્રાન્સફર ફી લેવામાં આવે છે. ફ્લેટની માલિકી બદલાતાં નવા સભ્યને સોસાયટીમાં સભ્ય બનાવવા માટે ટ્રાન્સફર ફી પેટે મહત્તમ રૂ. 50,000 લેવાનો નિયમ કરવામાં આવેલો છે. તેમ છતાંય કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીઓ અને કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટીઓ નવા સભ્ય બનનાર પાસેથી ટ્રાન્સફર ફી ઉપરાંત ડેવલપમેન્ટ ફી પણ વસૂલે છે. આ રકમ રૂ. 10 લાખથી માંડીને તેનાથીય મોટી હોવાની સંભાવના રહેલી છે.
ડેવલમેન્ટ ફીને નામે કોઈ જ ફી ન વસૂલવાની વ્યવસ્થા ઊભી કરી
ગુજરાત સરકારના સહકાર ખાતાના અધિકારીઓને આ હકીકતની જાણ હોવાથી તેમણે આ ગેરરીતિઓને નાબૂદ કરવા માટે ટ્રાન્સફર ફી પેટે રૂ. 50,000ની મહત્તમ રકમ ઉપરાંત ડેવલમેન્ટ ફીને નામે કોઈ જ ફી ન વસૂલવાની વ્યવસ્થા ઊભી કરી છે. તેમ છતાંય નવા ફ્લેટ ખરીદનાર પાસે ટ્રાન્સફર ફી ઉપરાંત ડેવલપમેન્ટ ફીને નામે મોટી રકમ પડાવવામાં આવી રહી છે. આ રકમ કોઈપણ હાઉસિંગ સોસાયટી ન લે તે માટે નવા નિયમો તૈયાર કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ: કોલ્ડપ્લે કોન્સર્ટમાં વાહન લઇને જનારા માટે ખાસ સમાચાર