દેશભરમાં શ્રેષ્ઠ વીજ વિતરણ વ્યવસ્થામાં રાષ્ટ્રીય સ્તરે સતત પ્રસ્થાપિત થવાની પરંપરા જાળવી રાખતું ગુજરાત

ગુજરાત રાજ્યના ઊર્જાવાન ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી અને સફળ નેતૃત્વ હેઠળ પાવર સેકટર રીફોર્મ્સ તેમજ ઊર્જા ક્ષેત્રને વધુ સુદ્રઢ કરવા માટે લીધેલા દૂરોગામી પગલાંઓને અવિરત આગળ ધપાવીને ગુજરાત શ્રેષ્ઠ વીજ વિતરણ વ્યવસ્થાઓમાં રાષ્ટ્રિય સ્તરે પ્રસ્થાપિત થયું છે. રાજય સરકારની વીજ વિતરણ કંપનીઓએ ઐતિહાસિક સિધ્ધિ પ્રાપ્ત કરીને “એ પ્લસ” રેટિંગ પ્રાપ્ત કરવાની પરંપરા જાળવી રાખી છે.
- “સરકાર હસ્તકની ચારેય વીજ વિતરણ કંપનીઓને ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા હાથ ધરાયેલ ૧૦મા એન્યુઅલ ઇન્ટીગ્રેટેડ રેટિંગમાં ‘એ પ્લસ’ રેટિંગ પ્રાપ્ત”
- “એન્યુઅલ ઇન્ટીગ્રેટેડ રેટિંગમાં રાજય સરકાર હસ્તકની તેમજ ખાનગી એમ સમગ્ર દેશની કુલ મળી ૭૧ વીજ કંપનીઓમાં DGVCL & MGVCL પ્રથમ અને બીજા ક્રમે, UGVCL ચોથા ક્રમે જયારે PGVCL આઠમા ક્રમે”
- “રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીએ દર વર્ષે ‘એ પ્લસ’ રેટિંગ પ્રાપ્ત કરવાની પરંપરા જાળવી રાખવા બદલ તમામ વીજ કર્મીઓ અભિનંદનના અધિકારી”- ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ
ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇએ કહ્યું હતુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અનેકવિધ નવતર આયામો હાથ ધરીને જન-સુખાકારીના લાભો નાગરિકોને સત્વરે પુરા પાડવામાં આવી રહ્યા છે જે અંતર્ગત વીજ સુવિધાઓમાં પણ ઉત્તરોત્તર વધારો કરવામાં આવ્યો છે. રાજય સરકાર તેમજ ઊર્જા વિભાગના દ્રષ્ટિવંત આયોજન અને અસરકારક કામગીરીના પરિણામે રાજયનું ઊર્જા ક્ષેત્ર દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. રાજ્યની વીજ કંપનીઓના કર્મચારીઓની નિષ્ઠા અને ફરજ પ્રત્યેની પ્રતિબધ્ધતાને કારણે રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓએ દર વર્ષે “એ પ્લસ” રેટિંગ પ્રાપ્ત કરવાની પરંપરા જાળવી રાખેલ છે તે બદલ તમામ વીજ કર્મીઓને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇએ અભિનંદન પાઠવ્યા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ રાજયમાં વીજળી સંબંધિત કઠિન પરિસ્થિતિ નિર્માણ થયેલ. આ અંગે વિગતે વાત કરતાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, કોલસા અને ગેસના પુરવઠા સંબંધે સરજાયેલ વૈશ્વિક પરિસ્થિતિમાં દેશના અન્ય રાજયોમાં વીજળીની તંગી અને વીજ કાપની સ્થિતિ ઊભી થયેલ. ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા આ કઠિન સમસ્યાના તત્કાલ નિરાકરણ માટે ગુજરાતના પનોતા પુત્ર અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના સહકારથી કેન્દ્રીય ઊર્જા મંત્રી, રેલ્વે મંત્રી અને કોલસા મંત્રીઓ સાથે ફળદાયી પરામર્શ કરીને સમસ્યાનો સફળ અને સુખદ ઉકેલ લાવવામાં આવેલ જેના કારણે વિષમ પરિસ્થિતિમાં જ્યારે દેશના અન્ય રાજ્યો વીજળીની તંગીનો સામનો કરી રહ્યા હતા ત્યારે ગુજરાતને કોલસાનો પર્યાપ્ત પુરવઠો તેમજ રેલ્વે રેકની ઉપલબ્ધિ પર્યાપ્ત માત્રામાં થવાથી ગુજરાત વીજળીની તંગીની સમસ્યાનો સફળતાપૂર્વક સામનો કરી શક્યું હતું.
મંત્રી કનુભાઈ દેસાઇએ ઉમેર્યું કે, આજ દિન સુધી સમગ્ર દેશની માત્ર રાજય હસ્તકની વીજ કંપનીઓજ સમાવેશ કરવામાં આવતો હતો. પરંતુ આ વર્ષથી ખાનગી ક્ષેત્રની વીજ વિતરણ કંપનીઓને પણ સામેલ કરવામાં આવી હતી અને તેમાં પણ ગુજરાત રાજયની વીજ કંપનીઓએ ભવ્ય સફળતા પ્રાપ્ત કરીને “એ પ્લસ” રેટિંગ જાળવી રાખ્યો છે. નવી દિલ્હી ખાતે તાજેતરમાં તા.૦૫/૦૮/૨૨ના રોજ ઉર્જા ક્ષેત્રના રિવ્યુ ,પ્લાનીંગ અને મોનિટરીંગ અંગે દરેક રાજયના ઊર્જા વિભાગના વડાઓ સાથે યોજાયેલ ઉચ્ચસ્તરીય બેઠક દરમ્યાન ભારત સરકારના ઊર્જા અને ન્યુ એન્ડ રીન્યુઅબલ એનર્જી વિભાગના મંત્રી આર. કે. સિંહ દ્વારા ૧૦મો એન્યુઅલ ઇન્ટીગ્રેટેડ રેટિંગ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત સરકાર હસ્તકની ચારેય વીજ કંપનીઓ દક્ષિણ ગુજરાત વીજ કંપની લી., મધ્ય ગુજરાત વીજ કંપની લી., ઉત્તર ગુજરાત વીજ કંપની લી. અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી.ને “એ પ્લસ” રેન્ક પ્રાપ્ત થયો છે.
ઊર્જા રાજ્ય મંત્રી મુકેશભાઇ પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યુ હતું કે, દેશભરની રાજય તેમજ ખાનગી હસ્તકની વીજ વિતરણ કંપનીઓના આ પ્રકારના મૂલ્યાંકનનો અહેવાલ કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાયલ દ્વારા પાવર ફાયનાન્સ કોર્પોરેશન તેમજ મિકેન્ઝી એન્ડ કંપનીના સહયોગમાં તૈયાર કરવામાં આવેલ છે. જેમાં દેશભરમાંથી રાજય હસ્તકની ૪૬ અને ખાનગી હસ્તકની ૧૪ અને ઊર્જા વિભાગની ૧૧ મળી કુલ ૭૧ સ્ટેટ યુટિલિટીઝ ધ્વારા ભાગ લેવામાં આવેલ. આ પ્રકારના મૂલ્યાંકનમાં જે પરિમાણોના આધારે રેટિંગ નક્કી કરવામાં આવે છે તેમાં ફાયનાન્સીયલ સસ્ટેઇનબિલીટી, ઓવરઓલ પ્રોફિટીબિલીટી, કેશ પોઝીશન, પર્ફોમન્સ એકસેલન્સ જેમ કે, બીલીંગ એફિશીયન્સી, કલેકશન એફિશીયન્સી, ડીસ્ટ્રીબ્યુશન લોસ, કોર્પોરેટ ગવર્નન્સ, એકસ્ટર્નલ એન્વાયરમેન્ટ, લોસ ટેકઓવર બાય સ્ટેટ ગવર્નમેન્ટ, ગવર્નમેન્ટ ડયૂઝ, ટેરિફ સાયકલ ટાઇમલાઇન,કોસ્ટ એફિશીયન્સી, રેગયુલેટરી અને પાવર રીફોર્મસ વગેરે જેવા પરિમાણોનો સમાવેશ થાય છે. જેમાં રાજ્ય સરકાર હસ્તકની ચારેય વીજ વિતરણ કંપનીઓએ સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી, કુલ ૭૧ કંપનીઓમાંથી DGVCL & MGVCL પ્રથમ અને બીજા ક્રમે તેમજ UGVCL ચોથા ક્રમે જયારે PGVCL આઠમા ક્રમે સ્થાન મેળવી ‘‘એ પ્લસ ’’ રેન્ક પ્રાપ્ત કરેલ છે.
ઇન્ટીગ્રેટેડ રેટિંગના હેતુ અંગે માહિતી આપતા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યુ હતું કે, આ ઇન્ટીગ્રેટેડ રેટિંગ કેન્દ્રિય ઊર્જા મંત્રાલય દ્વારા ર૦૧રમાં આયોજિત સ્ટેટ પાવર મિનિસ્ટર્સ કોન્ફરન્સ ખાતે એક ફ્રેમવર્ક બનાવી શરૂ કરવામાં આવેલ જેથી વીજ કંપનીઓનું વાસ્તવદર્શી મૂલ્યાંકન થઇ શકે અને વીજ કંપનીઓ તેમના સામર્થ્ય અને ખામીઓને જાણીને તેના આધારે જરૂરી આયોજન કરી યોગ્ય પગલાં લઇ જે તે વીજકંપનીઓ ભવિષ્યમાં વધુ પ્રગતિ હાંસલ કરી શકે તેવો આશય રહેલો છે.
રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓએ પ્રથમ દસમાં સ્થાન પ્રાપ્ત કરી દેશભરમાં રાજ્યના ઊર્જા ક્ષેત્રનું ગૌરવ વધાર્યું છે. રાજયનું ઊર્જા ક્ષેત્ર દેશમાં મોખરાનું સ્થાન હંમેશા જાળવી રાખશે તેવો દ્રઢ વિશ્વાસ ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઇએ વ્યક્ત કર્યો હતો .