ગુજરાત: વૃદ્ધાઓને ટાર્ગેટ બનાવતી મદારી ગેંગ ઝડપાઈ, 200થી વધુ ગુનાનો પર્દાફાશ થયો
- ગેંગ ફક્ત વૃદ્ધ મહિલાઓને પોતાનો ટાર્ગેટ બનાવતી
- વૃદ્ધ મહિલાઓને વિશ્વાસમાં લઈ દાગીના તેમજ રોકડ પાવતી
- તંત્ર-મંત્ર અને ચમત્કારોની વાતો કરી વશીકરણ કરતા
વૃદ્ધાઓને ટાર્ગેટ બનાવતી મદારી ગેંગ ઝડપાઈ છે. જેમાં સંઘ પ્રદેશ દમણમાંથી છેલ્લાં ઘણાં સમયથી વૃદ્ધ મહિલાઓને વિશ્વાસમાં લઈ દાગીના તેમજ રોકડ રકમ પડાવી લેવાની ઘટનાઓ સામે આવી હતી.
ગેંગ ફક્ત વૃદ્ધ મહિલાઓને પોતાનો ટાર્ગેટ બનાવતી
પોલીસે આ તમામ કેસ ભેગા કરી તપાસ હાથ ધરતા મદારી ગેંગનો પર્દાફાશ થયો હતો. આ ગેંગના સભ્યો ફક્ત વૃદ્ધ મહિલાઓને પોતાનો ટાર્ગેટ બનાવતી અને તંત્ર-મંત્ર અને ચમત્કારોની વાતો કરી તેઓનું વશીકરણ કરી તેમના દાગીના તેમજ નાણાં પડાવતાં. દમણના કચીગામ, સોમનાખ ડાભેલ અને આંટિયાવાડ વિસ્તારમાંથી ત્રણ મહિલાઓને વિશ્વાસમાં લઈ તેમનું વશીકરણ કરી સોના-ચાંદીના દાગીના પડાવી અજાણ્યા શખસો ફરાર થઈ ગયાની ફરિયાદ આવી હતી.
વિવિધ 80થી વધુ હોટેલ અને ગેસ્ટ હાઉસની તપાસ કરી
બાદમાં સતત ત્રણ દિવસ સુધી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી આરોપીને શોધવાનું શરૂ કર્યું હતુ. પોલીસે આસપાસના વિસ્તારમાંથી વિવિધ 80થી વધુ હોટેલ અને ગેસ્ટ હાઉસની તપાસ કરી હતી, તેમજ વિસ્તારના તમામ સીસીટીવી પર ચકાસવામાં આવ્યા હતાં.
દમણ પોલીસે ત્રણ ગુનાના ભેદ ઉકેલી દીધા હતાં
મળેલા પુરાવાના આધારે પોલીસે ઉત્તર પ્રદેશના બે આરોપી ઈરફાન શાકિર અહેમદ અને સિકલ ઉર્ફે શેરખાન તેમજ તેમની મદદ કરનાર દમણના રીક્ષા ચાલક રાધે કુમાર યાદવને પકડી પાડ્યા છે. ત્રણેય આરોપીને પકડી પૂછપરછ કરતાં દમણ પોલીસે ત્રણ ગુનાના ભેદ ઉકેલી દીધા હતાં. તેમજ અત્યાર સુધી 200થી વધુ ગુના આચર્યાનો ખુલાસો આરોપીઓએ કર્યો છે.
આ પણ વાંચો: પ્રયાગરાજ: મહાકુંભમાં ફ્લોટિંગ ક્રૂઝ ગુજરાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર, જાણો તેની વિશેષતા