ગુજરાત : નવા DGP બનવા IPS અધિકારીઓમાં લોબિંગ શરૂ!

- પોલીસમાં ચર્ચાનું કારણ ગુજરાત પોલીસમાં ચાલી રહેલી કોલ્ડ વોર
- હાલમાં હરિયાણા અને રાજસ્થાન લોબી જોરમાં છે
- સૂત્રોમાં ચર્ચા છે કે ગુજરાત પોલીસમાં બદલાવનો દોર ચાલી રહ્યો છે
ગુજરાતના નવા પોલીસ વડા કોણ હશે? વર્તમાન ડીજીપી વિકાસ સહાય હજુ તો જુન માસના અંતભાગમાં નિવૃત્ત થવાના છે છતાં અત્યારથી પોલીસમાં આ વિષય પર ચર્ચા શરૂ છે. પોલીસમાં ચર્ચાનું કારણ ગુજરાત પોલીસમાં ચાલી રહેલી કોલ્ડ વોર છે.
હાલમાં હરિયાણા અને રાજસ્થાન લોબી જોરમાં છે
નવા ડીજીપી નિમાય તો તક ઝડપી લેવા તેમજ વિકાસ સહાયને એક્સ્ટેન્શન મળે તે માટે આઈપીએસ લોબીમાં લોબિંગ શરૂ થઈ ચૂક્યું છે. હાલમાં હરિયાણા અને રાજસ્થાન લોબી જોરમાં છે અને ઉપરી અધિકારીઓની કોલ્ડ-વોરથી સરકારની સમસ્યા વધી શકે છે તેવું માનનારો એક વર્ગ છે. સરકાર બિનવિવાદી અને બદલાતાં ક્રાઈમ તેમજ સરકારને સમજનારાં અધિકારીની નિમણૂંક કરાય તેવા મતમાં હોવાની ચર્ચા છે.
જી. એસ. મલિકને રાજ્યના ડીજીપી બનાવાય તેવી વિશેષ સંભાવના છે
વિવાદો ટાળવા ડીજીપીને ત્રણ માસનું એકસ્ટેન્શન અપાય કે અમદાવાદ સી.પી. મલિકને ડીજીપી બનાવાય તેવું બની શકે છે. ગુજરાતના ડીજીપીપદે સવા બે વર્ષનો સમયગાળો પૂર્ણ કરી વિકાસ સહાય જુન માસના અંત ભાગમાં નિવૃત્ત થવાનાં છે. તેમની નિવૃત્તિ પછી ગુજરાતના નવા પોલીસ વડા કોણ? તે સવાલ ચર્ચાનું કેન્દ્ર છે. સિનિયર મોસ્ટ ડો. સમશેરસિંઘ સેન્ટ્રલ ડેપ્યુટેશન ઉપર મુકાતાં હવે અનેક નામો ચર્ચામાં છે. 1991ની બેચના જ મનોજ અગ્રવાલની નિવૃત્તિ સપ્ટેમ્બર માસમાં છે એટલે તેમને બે-ત્રણ મહિના માટે મુખ્ય ડીજીપી બનાવાય તેવી સંભાવના ઓછી છે. આ સંજોગોમાં હાલમાં જેલોના વડા ડો. કે. એલ.એન. રાવ મોસ્ટ સિનિયર છે પણ તેમની કાર્યપદ્ધતિથી નિમણૂંકના બદલે ડેપ્યુટેશનની સંભાવના વધારે હોવાની ચર્ચા છે. આ સંજોગોમાં હાલમાં જ અમદાવાદ પોલીસ કમિશનર પદે રહેલાં જી. એસ. મલિકને રાજ્યના ડીજીપી બનાવાય તેવી વિશેષ સંભાવના છે.
હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત લોબી અંદરખાને સક્રિય
ગુજરાતની આઈપીએસ કેડરમાં હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત લોબી અંદરખાને સક્રિય છે. હાલમાં હરિયાણા અને રાજસ્થાન લોબીનું વર્ચસ્વ હોય તે રીતે પોસ્ટિંગ થઈ રહ્યાં છે. ઉચ્ચ અધિકારીઓમાં ચાલતા કોલ્ડ વોરથી સરકારની સમસ્યા વધી શકે છે. જો કે, ગુજરાત સરકારના સૂત્રો ચર્ચે છે કે ગુજરાત પોલીસમાં બદલાવનો દોર ચાલી રહ્યો છે તેનો સરળતાથી અમલ કરી અને કરાવી શકે તેવા અધિકારી પહેલી પસંદ છે અને રહેશે.
આ પણ વાંચો: ગુજરાત : દ્વારકાધીશના દર્શને જતી આઠ પદયાત્રી મહિલાઓને ટ્રકચાલકે કચડી, ત્રણના મૃત્યુ