ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) ખરડો, ૨૦૨૫ વિધાનસભા ગૃહમાં પસાર

ગાંધીનગર, 28 માર્ચ, 2025: ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) ખરડો, ૨૦૨૫ Gujarat Land Revenue (Amendment) Bill, 2025 વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહમાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, ૨૦૨૫ બિલ રજૂ કર્યું હતું જે અંગે મંત્રીની વિસ્તારપૂર્વક રજૂઆત બાદ ખરડો પસાર કરવામાં આવ્યો હતો.
આ સુધારા ખરડો રજૂ કરતાં મંત્રી રાજપૂતે જણાવ્યું કે રાજ્યના શહેરોની આસપાસના વિસ્તારોમાં વસતા નાગરિકો સરકારના જુદા જુદા કાયદા હેઠળ શરતભંગ થતો હોવાથી ચોક્કસ અવેજ ચૂકવીને મકાન કે સોસાયટીઓમાં વસવાટ કરી રહ્યા છે. આવાં બાંધકામોને નિયમિત કરવા માટે પરિવર્તનીય વિસ્તાર તરીકે જાહેર કરી તેને વિનિયમિત કરી આપવા અને તેને કાયદેસરતા આપવાના ઉમદા હેતુ સાથે આ સુધારો કરવામાં આવનાર છે.
મંત્રીએ જણાવ્યું કે ‘સર્વજન હિતાય, સર્વ જન સુખાય’ને લક્ષ્યમાં રાખી રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં સત્તામાં આવતાંની સાથે ઔદ્યોગિકરણ અને શહેરીકરણનો વ્યાપ ખૂબ ઝડપથી વધવા લાગ્યો. જેથી રાજ્યના નાગરિકો પોતાના પરિવારના શૈક્ષણિક, આર્થિક, સામાજિક અને સર્વાંગી વિકાસ માટે શહેરો તરફ વળવા લાગ્યા. જેના લીધે શહેરી વિસ્તારોની આજુબાજુમાં રહેઠાણની જરૂરિયાતમાં વધારો થયો છે.
તેમણે જણાવ્યું કે જે-તે સમયે કાયદાની અજ્ઞાનતાના કારણે જરૂરી હોય તેવી કાયદાકીય મંજૂરી લીધા વિના રહેણાકનાં બાંધકામો કરવામાં આવ્યાં હતાં. જેનું યોગ્ય અવેજ આપીને મકાનો ખરીદવામાં આવ્યાં અને રહેણાકના હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આથી આવા મકાનોમાં રહેતા નાગરિકોના રહેઠાણને કાયદેસરતા આપવાની જરૂરિયાત હતી.
આવા વિસ્તારોને પરિવર્તનીય તરીકે જાહેર કરી વિનિયમિત કરવા અંગે ગુજરાત અધિનિયમ ક્રમાંક-૨૩થી ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) અધિનિયમ-૨૦૧૭ને તા.૧૮ એપ્રિલ, ૨૦૧૭ના રાજપત્રથી પ્રસિદ્ધ કર્યું છે અને આ અધિનિયમ તા. ૯ મે, ૨૦૧૭થી અમલમાં આવ્યો છે. આ અધિનિયમના પ્રકરણ-૯(ક)ની કલમ-૧૨૫(છ)(૧)ની જોગવાઇઓમાં વખતોવખત બદલાયેલા સંજોગો, વર્તમાન પરિસ્થિતિ તેમજ આ કાયદાનો વધુ સારી રીતે અમલ થાય, તે માટે તેમજ પારદર્શી અને લોકાભિમુખ વહીવટને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
મંત્રીએ જણાવ્યું કે વર્ષ ર૦૧૭નો સુધારા કાયદો લાવવાથી ફેરફારના રજિસ્ટર અને હક્કપત્રકને તેની વર્તમાન સ્થિતિમાં લાવવા પૂરક સેટલમેન્ટ દાખલ કરી, પરિવર્તનીય વિસ્તારમાં આવેલી જમીનો બાબતેના ફેરફાર રજિસ્ટર તૈયાર કરવા અને અદ્યતન કરવા તેમજ આવી જમીનો પરના મહેસૂલી કાયદાના ઉલ્લંઘન બાબતે કાર્યવાહી સુનિશ્ચિત કરવા તથા બીજા સરકારી લેણાં, માંડવાળ ફી, પ્રિમિયમ વગેરેની નિયમોનુસારની વસૂલાત કરી સાચી સ્થિતિ મુજબનો રેકર્ડ બનાવવા આવતો હતો.
તેમણે ઉમેર્યું કે આ કાયદા મુજબ ગણોત ધારાની કલમ-૪૩, ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ-૧૯૫૮ની કલમ-૫૭ તથા જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૫ અને કલમ-૬૮ વાળી જમીનો ઉપર સરકારની પૂર્વમંજૂરી વગર ગેરકાયદે થયેલા બાંધકામવાળી મિલકતોને પૂરક સેટલમેન્ટ તરીકે મહેસૂલી રેકર્ડ પર લાવવા તથા આ મિલકતોના હિતધારકોને તેમની મિલકત કે જે લાંબા સમયગાળાની હોય (૨૦૦૫ પહેલાંની) તેવી મિલકતના હક્કો આપી શકાય તેવા આશયથી આ કાયદો ૨૦૧૭માં લાવવામાં આવ્યો હતો.
વધુમાં, મંત્રી રાજપૂતે જણાવ્યું કે હાલ આ કાયદાનો લાભ ગણોત ધારા-૧૯૪૮ની કલમ-૪૩, ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ-૧૯૫૮ની કલમ-૫૭ તથા જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ-૬૫ અને કલમ-૬૮ વાળી જમીનોમાં આવેલી મિલકતોને જ લાભ મળે છે, પરંતુ આ બિલનો લાભ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડી શકાય અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકાય તેવા આશયથી કાયદામાં સુધારા માટે આ બિલ રજૂ કરવામાં આવ્યું છે.
આ સુધારાથી નાગરિકોને મિલકતના હક્કો પ્રાપ્ત કરાવી, તેમને વધુ આર્થિક સધ્ધરતા પ્રદાન કરી શકાય તથા રહેણાંકની પાયાની જરૂરિયાતના કાયદેસરના હક્ક તેઓને પ્રાપ્ત થાય અને તેમની મિલકતો ઉપર બેંકો દ્વારા આપવામાં આવતી લોન મેળવી શકાય તથા પરોક્ષ રીતે તેમનાં બાળકોનાં શૈક્ષણિક તેમજ સર્વાંગી હિતો સુનિશ્ચિત કરવાના આશયને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવાનો છે.
તેમણે જણાવ્યું કે અત્યાર સુધી કુલ ૨૩,૦૦૦થી પણ વધુ મિલ્કતો આ સુધારા અધિનિયમથી નિયમિત કરી શકાય છે તેમજ અંદાજે રૂ. ૩૮૧ કરોડ જેટલી માંડવાળથી અને અન્ય સરકારી ફીની વસૂલાત થઇ શકે તેમ હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રીએ કહ્યું કે આ કાયદામાં સમય પ્રમાણે કેટલાક સુધારા લાવવા જરૂરી જણાતા ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ ૧૮૭૯ના પ્રકરણ-૯(ક)ની કલમ-૧૨૫(છ)(૧)ની જોગવાઈને વધુ અસરકારક બનાવવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સૂચિત સુધારા બિલ ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, ૨૦૨૫ રજૂ કરવામાં આવ્યું છે. જે મુજબ, પ્રવર્તમાન કાયદાની કલમ-૧૨૫ (છ)(૧)માં સુધારો કરીને કલમ-૧૨૫ (છ)(૧)(૧), કલમ-૧૨૫ (છ)(૧)(૨) અને કલમ-૧૨૫ (છ)(૧)(૩) ઉમેરવામાં આવી છે.
આ નવી જોગવાઈઓ વિશે જણાવતાં મંત્રીએ કહ્યું કે ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ની કલમ-૬૬ અને કલમ ૭૯(ક)- કારણ કે તે અનુક્રમે કલમ-૬૫ અને કલમ ૬૮ના શરતભંગ બદલ થતી પરિણામ સ્વરૂપની કાર્યવાહી છે.
જ્યારે ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ-૧૯૪૮ની કલમ-૮૪(ગ) કારણ કે ગણોતધારાની કલમ ૪૩ના શરતભંગ બદલ થતી પરિણામ સ્વરૂપની કાર્યવાહી છે.
આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં ફરી ધર્માંતરનાં કાવતરાંઃ ભાજપના ધારાસભ્ય પોતે શંકાના ઘેરામાં?
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
આ જ પ્રકારે, ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ-૧૯૫૮ની કલમ-૧૨૨ કારણ કે તે કલમ-૫૭ના શરતભંગ બદલ પરિણામસ્વરૂપે થતી કાર્યવાહી છે.
મંત્રીએ જણાવ્યું કે આ સુધારા દાખલ થવાથી આ કાયદા સંબંધિત અર્થઘટનના પ્રશ્નો, લિટિગેશન અને વહીવટી ગૂંચવણો ઘટશે તેમજ રાજયના સામાન્ય નાગરિકના હિતોનું રક્ષણ થશે. તદુપરાંત, આ કાયદાનો લાભ વધુ સારી રીતે અને વધુ લોકો સુધી પહોંચી શકશે. સાથોસાથ લોકો તેઓની મિલકતને જમીન મહેસૂલ રેકર્ડ પર લાવી શકશે. જે આ બિલની મુખ્ય અને મહત્ત્વની બાબત છે.
વધુમાં, તેમણે ઉમેર્યું કે જેમણે સરકારી જમીન પચાવી હોય, સરકારી ખરાબાની જમીન હોય કે સ્થાનિક સત્તા મંડળની જમીન પચાવી લીધી હોય અને તેના પર મકાન બાંધીને રહેતા હોય તેવા લોકોને આ વિધેયકથી થતા સુધારાનો લાભ મળવાપાત્ર નથી. એટલે કે સરકાર જે ઉદારતાથી આ વિધેયક લઇને આવી છે તે ઉદારતાનો ગેરલાભ લેવાનો કોઇનો પણ પ્રયત્ન ચલાવી લઇ શકાય નહીં તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે સરકારની આ ઉદારતા એવા લોકો માટે છે કે જેમણે પોતાની જમીન પર બાંધકામ કર્યુ છે, પણ જરૂરી પરવાનગીઓ લેવાનું કોઇને કોઇ કારણોસર ચૂકી ગયા છે. પોતાની જમીનના પ્લોટ પાડીને કોઇએ વેચ્યા, તેના પર પ્લોટ લઇને મકાન બનાવ્યું. એ વ્યક્તિને ખ્યાલ નથી કે વેચનારે બિનખેતીની પરવાનગી લીધી નથી કે બીજી નિયમ અનુસારની પરવાનગીઓ લીધી નથી. અજાણતા શરત ભંગ થયો છે. કાયદાની જાણકારીના અભાવે શરત ભંગ થયો છે અથવા તો ઇરાદાપૂર્વક ન થઇ હોય તેવી ભૂલને કારણે તેમને સહન કરવું ન પડે તે આ બિલનો હેતુ છે.
તેમણે જણાવ્યું કે મહેસૂલ વિભાગ સતત પ્રજાલક્ષી સુધારા કરી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સન ર૦૧૭માં ૩૦મી માર્ચે વિધેયક ક્રમાંક ૧૯ લાવવામાં આવ્યું હતું. તે બિલથી કરવામાં આવેલા સુધારાને આગળ વધારવાનો આ પ્રયાસ છે. તેથી જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ ની કલમ ૧ર૫-છમાં સુધારો કરવો જરૂરી હતો.
મંત્રીએ કહ્યું કે, આ સુધારો કરવાથી ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ હેઠળની સોસાયટીઓને, જ્યાં ગણોતધારાની કલમ ૮૪ (ગ) અથવા કલમ-૧૨૨ હેઠળની કાર્યવાહી ચાલુ હોય, આ કાયદાથી નિયત થયેલ માંડવાળ ફી તેમજ પ્રીમિયમની રકમ તથા અન્ય સરકારી લેણાંની રકમની ભરપાઇ કર્યેથી પરિવર્તનીય વિસ્તાર જાહેર કરી શકાશે જેથી લોકોની મિલકતને જમીન મહેસૂલ રેકર્ડ પર લાવી શકાશે જેનાં પરિણામે સામન્ય પ્રજાજનોને બેન્કો પાસેથી સરળતાથી લોન મળી શકશે.
મંત્રીએ જણાવ્યું કે આ બિલથી શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી માલિકીની જમીન ખેડૂતોના નામે જ રાખી ગેરકાયદે પ્લોટિંગ કરી કે મકાન બાંધી વેચાણ કર્યું હોય તેવા પ્લોટ કે મકાન ખરીદનાર કાયદેસરનો માલિક છે કે કેમ? તેવી કોઈ સાબિતી તેમની પાસે ન હોવાના કારણે તેમાં રક્ષણ મળશે.
બિનખેતીની પરવાનગી લીધી ન હોય અને પ્લાન પાસ કરાવ્યો ન હોય તો તેને બિનપરવાનગી માટે ગેરકાયદે ન ઠરાવવા માટે રક્ષણ મળશે. બિનપરવાનગીની મિલકતના માલિકને સલામત અહેસાસ થતો ન હોવાના કારણે તેમાં એક મહેસૂલી રેકર્ડમાં એટલે કે પ્રોપર્ટીકાર્ડ મળવાથી સલામતી મળશે તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં ફરી ધર્માંતરનાં કાવતરાંઃ ભાજપના ધારાસભ્ય પોતે શંકાના ઘેરામાં?
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD