ગુજરાતટોપ ન્યૂઝ

ઝઘડિયા GIDCમાં મોટી દુર્ઘટના: બ્લાસ્ટ બાદ પ્લાન્ટમાં આગ, 10થી વધુ કામદારો દાઝ્યા

Fire at Jhagadia GIDC: ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં બુધવારે (23 એપ્રિલ) એક ગંભીર ઔદ્યોગિક દુર્ઘટના સામે આવી હતી. અહીં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીના પ્લાન્ટમાં અચાનક જોરદાર વિસ્ફોટ થતા સમગ્ર વિસ્તાર હચમચી ઉઠ્યો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને થોડા જ પળોમાં પ્લાન્ટ આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગયો હતો.

વિસ્ફોટ પછી આકાશમાં ઘન કાળા ધુમાડાના ગોટેગોટા ઊઠતા દેખાયા હતા, જેના કારણે આસપાસના ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘણા કામદારો સુરક્ષિત સ્થળે ભાગવા લાગ્યા હતા, જેના કારણે સ્થળ પર અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ ઘટનામાં પ્લાન્ટમાં કામ કરતા 10થી વધુ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હોવાની માહિતી મળી રહી છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે. કેટલાક કામદારોની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કેમિકલ યુનિટ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરો ભારે મહેનત કરી રહ્યા છે. બચાવ કામગીરી સાથે આગને વધુ ફેલાતી અટકાવવા માટે પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા છે.

પ્રાથમિક માહિતી મુજબ, વિસ્ફોટ પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવાની તૈયારી હાથ ધરાઈ છે. સુરક્ષા માપદંડોનું પાલન થયું હતું કે નહીં તે અંગે પણ તપાસ થશે. આ ઘટનાએ ઔદ્યોગિક સુરક્ષાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે, અને સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાવી છે.

આ પણ વાંચો: પુત્રોની સામે પત્નીનું ગળું કાપ્યા પછી પતિનું ભયાનક કૃત્ય, માથું લઈને ગામમાં ફર્યો

 

Back to top button