5-G સેવા લોન્ચ થઈ પણ ગુજરાતના 567 ગામડામાં હજુયે મોબાઈલ કનેક્ટિવિટી નથી. તેમજ ડાંગ, કચ્છ અને નર્મદા જિલ્લાના સૌથી વધુ ગામો વંચિત છે. તથા સેવાથી વંચિત ગામોના લોકો ડિજિટલ સેવાનો લાભ લઈ શકતા નથી. જેમાં ગુજરાત 5-જી સેવા સાથે દેશનું પહેલું રાજ્ય બન્યું છે.
આ પણ વાંચો: ગુજરાત: 1,414 કરોડના સટ્ટાકાંડમાં કર્મેશ-હરીકેશના બેન્કખાતાના ખુલાસા થતાં પત્તા ખુલ્યા
ડિજિટલ ગુજરાતના નામે સરકારના મંત્રીઓ વારંવાર વાહવાહી લૂંટે છે
ડિજિટલ ગુજરાતના નામે સરકારના મંત્રીઓ વારંવાર વાહવાહી લૂંટે છે, જોકે ગુજરાતમાં 567 ગામો એવા છે જ્યાં આજે પણ મોબાઈલ કનેક્ટિવિટી જ નથી, ગુજરાતના 18,425 ગામો પૈકી 567 ગામડાં મોબાઈલ કવરેજથી વંચિત છે, એટલે કે ગુજરાતના 3 ટકા ગામો આજે પણ આ સેવાનો લાભ લઈ શકતાં નથી. કેન્દ્રના ટેલિકોમ્યુનિકેશન વિભાગે માર્ચ 2022ની સ્થિતિના આ આંકડા જાહેર કર્યા છે. દેશમાં કુલ 6.44 લાખ ગામડાં પૈકી આજે 38,901 ગામોના લોકો સુધી હજુ મોબાઈલ સેવા પહોંચી નથી.
એક ખાનગી કંપનીએ ગુજરાતના 33 જિલ્લામાં 5-જી સેવા શરૂ કરી
એક તરફ એવી જાહેરાત થાય છે કે, ગુજરાત 5-જી સેવા સાથે દેશનું પહેલું રાજ્ય બન્યું છે, એક ખાનગી કંપનીએ ગુજરાતના 33 જિલ્લામાં 5-જી સેવા શરૂ કરી છે, જમાના સાથે તાલ મિલાવવાની સાથે વિદ્યાર્થીઓ ડિજિટલ ટેક્નોલોજીના માધ્યમથી ગુણવત્તા યુક્ત શિક્ષણ મેળવી શકશે તેવા દાવા કરાઈ રહ્યા છે તો સિક્કાની બીજી બાજુ એવી છે કે, ગુજરાતના 567 ગામના લોકો મોબાઈલ સેવાનો ઉપયોગ કરી શકતાં નથી, કારણ કે આ ગામો મોબાઈલ કવરેજથી વંચિત છે.
આ પણ વાંચો: ગુજરાતમાં રેલવે ટ્રેક પર અકસ્માત-આત્મહત્યાનો આંકડો જાણી ચોંકી જશો
વિવિધ યોજના મારફત મોબાઈલ કવરેજ ઉપલબ્ધ કરાવવા કાર્યવાહી
કેન્દ્રના વિભાગે 8મી ફેબ્રુઆરીએ આ ડેટા રજૂ કર્યો છે. સૂત્રોના કહેવા પ્રમાણે ગુજરાતમાં આદિવાસી પટ્ટો એવા ડાંગ જિલ્લાના સૌથી વધુ 90 કરતાં વધુ ગામડાં એવા છે જ્યાં મોબાઈલ કનેક્ટિવિટી ઉપલબ્ધ થઈ શકી નથી, એ પછી બીજા ક્રમે કચ્છ જિલ્લો આવે છે, જ્યાં 80થી વધુ ગામો તદુપરાંત આદિવાસી ક્ષેત્ર નર્મદા જિલ્લાના 64થી વધુ ગામોમાં મોબાઈલ કનેક્ટિવિટી નથી. કનેક્ટિવિટી નથી તેવા ગામોમાં વિવિધ યોજના મારફત મોબાઈલ કવરેજ ઉપલબ્ધ કરાવવા કાર્યવાહી ચાલી રહી હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. સેવાથી વંચિત ગુજરાતના ગામો માટે 4-જી સેવા માટે નાણાંકીય જોગવાઈ કરાઈ છે.