પ્રદૂષણ ફેલાવતી રજિસ્ટર્ડ ફેક્ટરીઓના આંકડામાં ગુજરાત દેશનાં બીજા નંબરે, કોંગ્રેસે કર્યા આક્ષેપ
દરેક રાજ્યમાં સમયાંતરે પ્રદૂષણનો વધારો જોવા મળી રહ્યો છે. એવામાં કોંગ્રેસે સરકાર પર પ્રદૂષણને લઈને આક્ષેપો કર્યા છે કે, પ્રદૂષણ ફેલાવતી રજિસ્ટર્ડ ફેક્ટરીઓના આંકડામાં ગુજરાત દેશમાં બીજા નંબર પર છે. લોકસભામાં અપાયેલી વિગત મુજબ ગુજરાતમાં 4605 ફેક્ટરી સરકારના પર્યાવરણના નિયમોને અનુસરતી નથી જેથી જળ, વાયુ, ધરતી સહિત મોટા પ્રમાણમાં ગુજરાત પ્રદૂષિત થઈ રહ્યું હોવાના કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યો છે.
ગુજરાત સરકાર પ્રદૂષણને રોકવામાં નિષ્ફળ: પાર્થિવરાજસિંહ કઠવાડિયા
કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું કે, ગુજરાત રાજ્યની સરકાર પ્રદૂષણને રોકવામાં નિષ્ફળ રહી છે. લોકસભામાં પુછાયેલા સવાલના જવાબમાં કેન્દ્રના પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓની વિગત આપી હતી. ગુજરાત રાજ્યમાં 33,486 રજિસ્ટર્ડ ફેક્ટરીઓ પૈકી 4605 ફેક્ટરી સરકારના પર્યાવરણના ધારા ધોરણને અનુસરતી નથી. ગુજરાત રાજ્યમાં પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીના આંકડાઓમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે.
પ્રદૂષણ ફેલાવતી દરેક ફેક્ટરી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની કરી માંગ:
ગુજરાતની સાબરમતી, ભાદર જેવી અનેક નદીઓ દેશની અતિ પ્રદુષિત નદીઓમાં આવે છે. હાઇકોર્ટએ પ્રદૂષણ ઉપર ઘણી વાર ટકોર કરી છે. પ્રદૂષણ ફેલાવતી દરેક ફેક્ટરી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જે પ્રદૂષણ ફેલાવતા એકમો છે, જેમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. તેમનો નિર્ણય સરકાર ત્વરીતે લેવો જોઈએ તેવી માગ કરીએ છીએ.
આ પણ વાંચો: ગુજરાતમાં આવેલ મધ્યાહ્ન ભોજન કેન્દ્રો તંત્રની બેદરકારીથી બેહાલ, યોજના માત્ર કાગળ પર