ગુજરાતે કૃષિ, ઉદ્યોગ અને સેવા ત્રણેય ક્ષેત્રોમાં દેશભરમાં ઊડીને આંખે વળગે તેવી વિકાસની નૂતન કેડી કંડારી : મંત્રી ઋષિકેશ પટેલ
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં ભાગરૂપે અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાનાં કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી આન-બાન-શાન સાથે સલામી અર્પી હતી. વહીવટી તંત્ર સાથે પ્રજાજનોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પરેડ કમાન્ડરના નેતૃત્વમાં પરેડની સલામી ઝીલી વિવિધ પોલીસ દળની પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે 74મા પ્રજાસત્તાક પર્વની સૌને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સબળ, સશક્ત અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વના પરિણામે વિશ્વભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. અનેક કીર્તિમાનો સ્થાપી આપણો દેશ સુરાજ્યની દિશામાં દૃઢતાપૂર્વક આગળ વધી રહ્યો છે. નરેન્દ્રભાઇ મોદીએ આપેલા ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ’ મંત્રને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની ટીમે સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. ગુજરાતે આજે કૃષિ, ઉદ્યોગ અને સેવા ત્રણેય ક્ષેત્રોમાં દેશભરમાં ઊડીને આંખે વળગે તેવી વિકાસની નૂતન કેડી કંડારી છે.
આ પણ વાંચો : પાલનપુર માહિતી કચેરીના કેમેરામેન અશોક ચડોખીયાનું વિશિષ્ટ કામગીરી બદલ મંત્રીના હસ્તે સન્માન
શિક્ષણ હોય કે રોજગાર, કૃષિ હોય કે ઉદ્યોગ, મહિલા સશક્તિકરણ હોય કે યુવા વિકાસ, સિંચાઈ હોય કે પીવાના પાણીની સવલતો, વંચિતો, વનબંધુઓનો વિકાસ હોય કે ગરીબોને આવાસની સવલત હોય વિકાસના તમામ ક્ષેત્રોમાં સિદ્ધિના સોપાનો ગુજરાત સર કરી રહ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 74મા પ્રજાસત્તાક પર્વે ધ્વજને સલામી આપતા જણાવ્યુ હતું કે, ગુજરાત રાજ્યએ કોરોના સામેની લડતમાં પરિણામલક્ષી કાર્ય કર્યું છે. કોરોના વેક્સિનની વ્યાપક અને સઘન કામગીરીના ફળ સ્વરૂપે દેશના મોટા રાજ્યોની કેટેગરીમાં શ્રેષ્ઠ ક્રમ પ્રાપ્ત કરવા બદલ ગુજરાતને ઇન્ડિયા ટૂડેના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. નીતિ આયોગના ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ’ ઇન્ડેક્ષના ત્રીજા આયામમાં આરોગ્ય અને સુખાકારીમાં ગુજરાત વર્ષ 2020-21માં 86 સ્કોર સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.
PMJAY આરોગ્ય યોજનાની વાત કરતા કહ્યું કે, બે દાયકા પહેલા દર્દીઓ આધુનિક સારવાર કે મોંઘી શસ્ત્રક્રિયાથી વંચિત રહેતા હતા, જ્યારે આજે PMJAY જેવી આરોગ્ય યોજનાઓ અંતર્ગત રૂ.5 લાખ સુધીની કેશલેસ આરોગ્ય સારવાર 1,986 સરકારી તેમજ 915 ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ બની છે. આજે 1.68 કરોડ ઉપરાંત લોકો આ યોજનાનો લાભ લઇ રહ્યા છે. એટલું જ નહીં, ગુજરાત વિનામૂલ્યે મોતિયાના દર્દીઓને નેત્રમણી પૂરું પાડનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. વર્ષ 2025 સુધીમાં રાજ્યમાં અંધત્વનો દર ઘટાડીને 0.25 ટકા સુધીના લક્ષ્યાંકનો રાજ્ય સરકારનો નિર્ધાર છે એમ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.ગુજરાતના વિકાસની વાત કરતા મંત્રીએ કહ્યું કે, આજે ગુજરાત મક્ક્મતાથી ઉન્નતિનાં શિખરો સર કરી રહ્યું છે. ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે. દેશના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં 17.44% ભાગ સાથે ગુજરાત ભારતનું ઇન્ડસ્ટ્રીયલી ડેવલપ્ડ સ્ટેટ તરીકે ઓળખાય છે. વડાપ્રધાનની પ્રેરણા અને માર્ગદર્શનથી આ વર્ષે ગુજરાતમાં યોજાનારી જી-20 સમિટના વિવિધ ચર્ચાસત્રો ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વધુ બળવત્તર બનાવશે, એવો તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
આ અવસરે આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલે મહિલા સશક્તિકરણની વાત કરતા કહ્યું કે, મહિલા બાળ વિકાસ વિભાગની અલગ રચના દ્વારા નારી સશક્તિકરણની દિશામાં ગુજરાતે પહેલ કરી છે. નારી ગૌરવ નીતિ અમલમાં મૂકનારું ગુજરાત દેશભરમાં પ્રથમ રાજ્ય બન્યું છે.
ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે, આ સરકાર ગરીબો-વંચિતોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આદિવાસીઓ, વંચિતો, પીડિતો, અને ગરીબોનો વિકાસ એ જ આ સરકારનો ધ્યેય છે. તેમના સર્વાંગી વિકાસની દિશામાં લીધેલા નક્કર પગલાંઓએ જ આજે ફરીથી પ્રચંડ બહુમત થકી ફરી શાસનની ધુરા સોંપી છે. ગરીબ કલ્યાણ મેળાના 13 તબક્કાઓમાં આયોજિત ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા, 1.70 કરોડ ગરીબ લોકોને અને જરૂરિયાતમંદોને ₹ 35,000 કરોડથી વધુની હાથોહાથ સહાય પહોંચાડવામાં આવી છે. વન અધિકાર અધિનિયમના સફળ અમલીકરણથી 91,884 વ્યક્તિગત દાવાઓ માન્ય કરી 60,837 હેક્ટર વન જમીનના અધિકાર આપવામાં આવ્યા છે.
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આપણું ગુજરાત પાણીદાર ગુજરાત છે. સરદાર સરોવર પરિયોજનાનું 69 હજાર કિલોમીટરનું વિશાળ કેનાલ નેટવર્ક ગુજરાતના મોટાભાગના વિસ્તારની તૃષા સંતોષી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગ્રામ્ય વિસ્તારના તમામ ઘરોને વર્ષ 2024 સુધીમાં નળથી જળ આપવાના સપનાને પૂરું પાડવાની સિદ્ધિ તરફ ગુજરાત ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે ગુજરાતના 100% ઘરોને નળ કનેક્શન દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : કેમિકલ કંપનીની નોકરી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી બન્યા પ્રાકૃતિક કૃષિ કન્વીનર
ગુજરાતને ઊર્જાવાન બનાવવાની રાજ્ય સરકારની નેમ છે. સૌર ઊર્જા, પવન ઊર્જાના વપરાશ માટે અનેક યોજનાઓ અને સબસીડી અમલમાં મૂકી છે. જ્યોતિગ્રામ યોજનાથી અંતરિયાળ ગામોમાં ૨૪ કલાક વીજળી પૂરી પાડવામાં આવી રહી છે. બીજી તરફ ઉજાલા યોજના અંતર્ગત 36 કરોડ એલ.ઈ.ડી. બલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લાના ધોલેરા ખાતે 300 મેગાવોટ સોલાર પાવર પ્રોજેક્ટ અને બનાસકાંઠા જિલ્લાના રાધાનેસડા ખાતે કુલ 100 મેગાવોટ પાવર પ્રોજેક્ટ કાર્યાંન્વિત કરવામાં આવ્યા છે, એમ મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
મંત્રીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્ર ધ્વજને સલામી આપ્યા બાદ પરેડ અને માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ પરેડ અને માર્ચ પાસ્ટમાં ૧૧ જેટલી પ્લાટુનોએ પણ ભાગ લીધો હતો.
આ પ્રસંગે દેશની આઝાદી માટે મહામૂલું પ્રદાન કરનાર સ્વાતંત્ર્ય સેનાની તેમજ વિશિષ્ટ પ્રતિભાનું મંત્રી દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં પદ્મશ્રી સન્માન મેળવનાર ભાનુભાઈ ચીતારા અને પરેશભાઈ રાઠવાનું પણ વિશેષ સન્માન કરાયું હતું.ધ્વજવંદન સમારંભ બાદ મંત્રી અને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે મંત્રી દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ અધિકારીઓને પ્રશંસાપત્ર તેમજ રમત-ગમતમાં પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સર્વે સાંસદ સભ્યો, સર્વે ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર ડૉ.ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા, અમદાવાદ પોલિસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર, જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, શાળા – કોલેજોના વિદ્યાર્થીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.