ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

ઈશરત એન્કાઉન્ટરની તપાસ કરનાર IPS સતિષ વર્માને ભારત સરકારે કર્યા ડિસમિસ

Text To Speech

ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી સતીશ વર્માને સર્વિસમાંથી બરતરફ કરવાનો કેન્દ્રના ગૃહ વિભાગે હુકમ કર્યો છે. ગુજરાત કેડરના IPS અધિકારી સતીશ ચંદ્ર વર્માને તેમની નિવૃત્તિના માંડ એક મહિના પહેલા જ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. તેમની નિવૃત્તિ 30 સપ્ટેમ્બરે થવાની હતી પરંતુ તે પહેલા જ તેમને હવે ડિસમિસ કરાયા છે. જોકે સતિષ વર્માની બરતરફીના આદેશના અમલ ઉપર દિલ્હી હાઈકોર્ટે 19મી સપ્ટેમ્બર સુધી રોક લગાવ્યો છે.

IPS અધિકારી સતીશ વર્માને કરાયા બરતરફ 

વર્ષ 2004માં અમદાવાદના કોતરપુર વોટરવર્ક પાસે ઈશરત સહિત, જાવેદ, જીશાન અને પ્રણેશનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. જે તે સમયે પોલીસનો દાવો હતો કે આ આતંકવાદીઓ હતા. આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ઈશરતની માતા સમિમા કૌસરનો આરોપ હતો કે તેની દીકરી ઈશરત સહિતના ચારેયનું પોલીસે બનાવટી એન્કાઉન્ટર કર્યું છે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમનું ગઠન કરવાનો આદેશ કર્યો હતો. બાદમાં આ તપાસ સીબીઆઈને સોંપાઈ હતી. જે બાદ સતિષ વર્માને પ્રતિનિયુક્તિ ઉપર ગુજરાતથી ખસેડી શિલોંગ મુકી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી ગુજરાત સરકારે તેમની સામે વિવિધ પ્રકારની ખાતાકીય તપાસ શરૂ કરી હતી અને તે સંદર્ભમાં તેમને નોટિસ પણ આપવામાં આવી હતી.

સતિષ વર્માની બરતરફીના આદેશના અમલ ઉપર દિલ્હી હાઈકોર્ટે 19મી સપ્ટેમ્બર સુધી રોક લગાવી 

સતિષ વર્માએ પોતાની સામે થઈ રહેલી ખાતાકિય તપાસને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી હતી. ભારત સરકારે દિલ્હી હાઈકોર્ટના ધ્યાને મુક્યું હતું કે તેમની સામેની ખાતાકીય તપાસ પુર્ણ થઈ છે. તેમાં તેઓ કસુરવાર સાબિત થતા તેમને બરતરફ કરવામાં આવ્યા છે. જોકે દિલ્હી હાઈકોર્ટે સતિષ વર્માને વચગાળાની રાહત એવી આપી છે કે, 19 સપ્ટેમ્બર સુધી આ બરતરફીના હુકમનો અમલ કરવો નહીં. આ રાહત મળતા સતિષ વર્માએ પોતાના બરતરફીના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

Back to top button