ઉત્તર પ્રદેશમાં રોકાણકારોને આમંત્રિત કરવા માટે અમદાવાદમાં B2G બેઠક અને રોડશોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મોટાં 22 રોકાણકારોએ આશરે રૂ. 38 હજાર કરોડના MOU સાઇન કર્યા છે.
જેના કારણે યુપીમાં આશરે 50 હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે રોજગારી મળશે. ફેબ્રુઆરીમાં યુપીના રાજધાની લખનઉમાં યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2023 નું આયોજન થઈ રહ્યું છે, જેની તૈયારીઓ ચાલી રહી છે.
અમદાવાદમાં યોજાયેલી બિઝનેસ ટુ ગવર્નમેન્ટ B2G મીટિંગ અને રોડ શોનું નેતૃત્વ યુપીના શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી એકે શર્માએ કર્યું હતું.
આ પ્રસંગે તેમની સાથે મુખ્યમંત્રીના સલાહકાર અવનીશ અવસ્થી, કેબિનેટ મંત્રી જિતિન પ્રસાદ, રાજ્ય મંત્રી જયેન્દ્ર પ્રતાપ સિંહ રાઠોડ અને જીએન સિંહ ઉપરાંત યુપી સરકારના અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ હતા.
જેમાં ગુજરાતના લગભગ તમામ ઉદ્યોગકારો હાજર રહ્યા હતા. જેમાં પરિમલ નાથવાણી જિનલ મહેતા ટોરેન્ટમાંથી અને પંકજભાઈ પટેલ કેડિલામાંથી સહિત ઘણાં મોટાં ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.
કેબિનેટ મંત્રી એકે શર્મા અને જાહેર બાંધકામ વિભાગના કેબિનેટ મંત્રી જિતિન પ્રસાદે ઉદ્યોગપતિઓને રાજ્યમાં રોકાણ કરવા આમંત્રણ આપતા યોગી સરકારની રોકાણ-ફ્રેંડલી નીતિઓ રજૂ કરી હતી. ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી એકે શર્માએ કહ્યું કે યુપી વસ્તીની દ્રષ્ટિએ દેશનો પાંચમો ભાગ છે.
જો ત્યાં કંઈક સારું હશે, તો સ્વાભાવિક રીતે જ દેશની પ્રગતિ અને દેશની આર્થિક વૃદ્ધિ થશે. રોડ શો પહેલા B2G મીટિંગ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તર પ્રદેશના પ્રતિનિધિમંડળના 30થી વધુ રોકાણકારોએ યુપીમાં રોકાણની શક્યતાઓ અને અહીંની નીતિઓ વિશે ચર્ચા કરી હતી.
આ દરમિયાન, ગુજરાતની જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની ટોરેન્ટ ફાર્માએ રૂ. 25,000 કરોડના સૌથી મોટા MOU પર હસ્તાક્ષર કર્યા હતા. અમૂલ ઈન્ડિયાએ યુપીના બાગપત જિલ્લામાં નવો મિલ્ક પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 900 કરોડના MOU પર પણ હસ્તાક્ષર કર્યા હતા.
આ મીટિંગમાં 9 MOU એક હજાર કરોડ રૂપિયા કે તેથી વધુના હતા. આ સમયગાળા દરમિયાન રૂ. 38,000 કરોડના કુલ 22 MOU પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ગુજરાતના ઉદ્યોગકારો તરફથી સૌથી મોટું રોકાણ ઉત્તરપ્રદેશમાં થશે તેવો ત્યાંની રાજ્ય સરકારને પણ વિશ્વાસ હતો. જે અહીંના ઉદ્યોગકારોએ સાબિત પણ કર્યો છે. ઉત્તર પ્રદેશના મંત્રી જિતિન પ્રસાદે યોગી સરકારની રોકાણ મૈત્રીપૂર્ણ નીતિઓ વિશે સમજાવતા ઉદ્યોગપતિઓને રાજ્યમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.
રોકાણકાર MOU(રુ. કરોડમાં)
ટોરેન્ટ ફાર્મા 25000
અરવિંદ મિલ્સ લિમિટેડ 100
ઝાયડસ લાઇફસાયન્સ 1100
પ્લેટિનમ ટાઈ-અપ પ્રા. લિ. 300
Hirise હોસ્પિટાલિટી 1000
ટ્રાન્સસ્ટેડિયા એન્ટરપ્રાઇઝ 500
વાડીલાલ 300
નેપરા રિસોર્સ મેનેજમેન્ટ 350
શાલ્બી લિ. 200
મેકલેક ટેકનિકલ 2000
અજુલ ડેનીમકાર્ટ 25
બાલાજી ફૂડ્સ પ્રા. લિ. 500
એફટીએ સોલ્યુશન્સ પ્રા. લિ. 75
હેસ્ટર બાયોસાયન્સ લિ. 35
વર્લ્ડ ટ્રેડ સેન્ટર નોઇડા ડેવલપમેન્ટ કંપની 1500
એસ્ટલ પાઇપ્સ 100
અમૂલ ઈન્ડિયા 900
રાજવી ગ્રુપ. 150
ગણેશ મોટર્સ ટ્રેડિંગ 50
વેલસ્પન ગ્રુપ. 2000
હેલ્થ એટીએમ પ્રા. લિ. 500
આ પણ વાંચો : ગુજરાતમાં નવી સરકારનું પ્રથમ બજેટ આ તારીખે થશે રજુ, જાણો શું છે તૈયારીઓ