ગુજરાત: આવકવેરા વિભાગના મોટા બિલ્ડર ગ્રુપની 20થી વધુ જગ્યા પર સામૂહિક દરોડા
- વડોદરા શહેરના 4 બિલ્ડર ગ્રુપને ત્યાં આજે વહેલી સવારથી દરોડાની કાર્યવાહી
- 150 થી વધુ આવકવેરા વિભાગના અધિકારીઓની અલગ અલગ ટીમો સક્રિય
- ઓફિસો ખાતે આજે સવારથી આવકવેરા દરોડાની કામગીરી ચાલી રહી છે
દિવાળીના તહેવાર પહેલા વડોદરા શહેરના 4 બિલ્ડર ગ્રુપને ત્યાં આજે વહેલી સવારે 150 થી વધુ આવકવેરા વિભાગના અધિકારીઓની અલગ અલગ ટીમોએ 20 થી વધુ જગ્યાએ સામૂહિક દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં શહેરના વિવિધ બિલ્ડર ગ્રુપમાં ચકચાર મચી ગઇ છે.
ઓફિસો ખાતે આજે સવારથી આવકવેરા દરોડાની કામગીરી ચાલી રહી છે
શહેરના ખ્યાતના ચાર બિલ્ડર ગ્રુપને ત્યાં આવકવેરાના અધિકારીઓની અલગ અલગ ટીમોએ સામૂહિક દરોડાની કામગીરી આજે વહેલી સવારથી શરૂ કરી છે. જેમાં શહેરના હરણી મોટનાથ મંદિર પાસે શરૂ કરવામાં આવેલી રત્નમ ગ્રુપની સ્કીમના સંચાલક નિલેશ શેઠ તેના ભાઈ પ્રકાશ શેઠ સહિત તેમના પાર્ટનરોના નિવાસ્થાન તેમજ ઓફિસો ખાતે આજે સવારથી આવકવેરા દરોડાની કામગીરી ચાલી રહી છે.
અમદાવાદ, સુરત અને વડોદરાના આવકવેરાના અધિકારીઓ કાર્યવાહીમાં જોડાયા
રત્નમ ગ્રુપ સાથે સંકળાયેલા આર્કિટેક તેમજ અન્ય ફાયનાન્સરને ત્યાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે. તદુપરાંત વડોદરા શહેરના હાઇવે બાયપાસની આજુબાજુમાં સ્કીમો કરનાર બે બિલ્ડર ગ્રુપને ત્યાં પણ હાલમાં આવકવેરાની કામગીરી ચાલુ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આવકવેરા વિભાગે વહેલી સવારથી શરૂ કરેલી કામગીરીમાં 150થી વધુ અમદાવાદ, સુરત અને વડોદરાના આવકવેરાના અધિકારીઓની અલગ અલગ ટીમો કામગીરી કરી રહી છે.
બેનામી નાણાકીય વ્યવહારોની માહિતી સામે આવવાની આશંકા
દરોડા દરમિયાન આવકવેરા વિભાગે ચાર બિલ્ડર ગ્રુપના ભાગીદારો તેમજ તેમની સાથે સંકળાયેલા ફાઈનાન્સરોની ઓફિસે તેમજ તેમના નિવાસ્થાને મળી 20થી વધુ જગ્યાઓ પર સામૂહિક દરોડાની કામગીરી ચાલી રહી છે. બેનામી નાણાકીય વ્યવહારોની માહિતી સામે આવવાની આશંકા છે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં રોગચાળો બેકાબુ, બાળકો થઇ રહ્યાં છે બિમાર