- બેંકમાં ડિપોઝિટ અને જમીન ખરીદી-વેચાણની માહિતીઓ છુપાવી
- રિટર્નમાં માહિતી છુપાવનારાઓને પેનલ્ટી માટેની નોટિસો ફટકારી
- પાનકાર્ડ નંબરની મદદથી તમામ ડેટા કલેક્ટ કર્યા
ગુજરાત રાજ્યમાં આવકવેરા વિભાગે રિટર્ન ફાઇલ નહીં કરનારાઓને પેનલ્ટીની નોટિસ ફટકારી છે. જેમાં છેલ્લા ચાર વર્ષના ડેટાના આધારે આવકવેરા વિભાગની કાર્યવાહી શરૂ થઇ છે. મોટી સંખ્યામાં લોકોએ બેંકમાં ડિપોઝિટ અને જમીન ખરીદી-વેચાણની માહિતીઓ છુપાવી હતી. રિટર્નમાં માહિતી છુપાવનારાઓને પેનલ્ટી માટેની નોટિસો ફટકારી છે.
આ પણ વાંચો: ભારત-ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમોનું આજે ગુજરાતમાં થશે આગમન, જાણો સમગ્ર કાર્યક્રમ
ટેક્સ નહીં ચુકવનારાઓ આવકવેરા વિભાગની ઝપેટે ચઢયા
લાખો-કરોડો રુપિયાના આર્થિક સોદાઓ કર્યા હોવા છતાંય ટેક્સ નહીં ચુકવનારાઓ આવકવેરા વિભાગની ઝપેટે ચઢયા છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષના ડેટાના આધારે આવકવેરા વિભાગે રિટર્ન નહીં ફાઇલ કરનારાઓ અને રિટર્નમાં માહિતી છુપાવનારાઓને પેનલ્ટી માટેની નોટિસો ફટકારી છે. રાજ્યભરમાં મોટી સંખ્યામાં લોકોને નોટિસો મોકલવામાં આવી રહી છે. આવકવેરા વિભાગના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ ડિપાર્ટમેન્ટ દ્વારા 31 માર્ચ પહેલા મોટી સંખ્યામાં કરદાતાઓને નોટિસ મોકલવામાં આવી હતી. જેમાં કેટલાક લોકો એવા હતા કે જેમણે કરોડોની જમીન કે મિલ્કત ખરીદી હતી પરંતુ રિટર્ન ફાઇલ કર્યુ નહોતું. તે રીતે જ બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝીટ, શેરબજારમાં રોકાણ સહિતની માહિતીના આધારે નોટિસો મોકલવામાં આવી હતી.
પાનકાર્ડ નંબરની મદદથી તમામ ડેટા કલેક્ટ કર્યા
સાથે એવા લોકો પણ હતા કે જેઓએ રિટર્ન ફાઇલ કર્યા હતા પરંતુ મોટા આર્થિક સોદાઓની માહિતી છુપાવવામાં આવી હતી. પરંતુ વિભાગે પાનકાર્ડ નંબરની મદદથી તમામ ડેટા કલેક્ટ કર્યા હતા. વિભાગે મોકલેલી નોટિસોનો જવાબ નહીં મોકલનારાઓ અને અસંતોષકારક જવાબ આપનારાઓને હવે પેનલ્ટી માટેની નોટિસો મોકલવામાં આવી રહી છે. ડિપાર્ટમેન્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષ સુધીના ડેટાના આધારે આ નોટિસો મોકલવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે એકબાજુ આવકવેરા વિભાગ દ્વારા એકબાજુ પેનલ્ટી માટેની નોટિસો ફટકારવામાં આવી રહી છે. જ્યારે બીજી બાજુ ચાલુ વર્ષે સ્ક્રૂટિનીમાં સિલેક્ટ થયેલા કેસોમાં પણ કરદાતાઓને નોટિસો મોકલવામાં આવી રહી છે.