ગુજરાત: ચોટીલામાં ડીઝલના ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ
- રૂપિયા 25 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી લેવાયો છે
- ઝારખંડ ઢાબા પાસે આવેલ ઓરડીમાં ગેરકાયદેસર ડીઝલનો વેપલો
- ગાંધીનગર વીજીલન્સ સહિતની ટીમે આ સ્થળને સીલ કરી દીધુ હતુ
ગુજરાતના ચોટીલામાં ડીઝલના ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ થયો છે. જેમાં ઢાબાની આડમાં કાળો કારોબાર કરવામાં આવતો હતો. તેમાં મામલતદાર અને પુરવઠાની ટીમે જગ્યા સીલ કરી છે. તેમજ 16 હજાર લિટરથી વધુ ડીઝલ, ટ્રક, મોબાઈલ સહિતના મુદ્દામાલ સાથે બે શખ્સો પકડાયા છે. ચોટીલા હાઈવે પર ઝારખંડ ઢાબાની બાજુમાં આવેલ ઓરડીમાં દરોડો કર્યો હતો.
આ પણ વાંચો: ધંધૂકા પડાણાના રોડ પર વિદ્યાર્થીઓ સહિતના મુસાફરો ભરેલી ST બસને અકસ્માત
ઝારખંડ ઢાબા પાસે આવેલ ઓરડીમાં ગેરકાયદેસર ડીઝલનો વેપલો
ચોટીલા હાઈવે પર ઝારખંડ ઢાબા પાસે આવેલ ઓરડીમાં ગેરકાયદેસર ડીઝલનો વેપલો થતો હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ અને ગાંધીનગર પુરવઠાની ટીમે સંયુકત રેડ કરી હતી. જેમાં 16 હજાર લીટરથી વધુનો ડીઝલનો જથ્થો, ટ્રક, મોબાઈલ સહિત રૂપિયા 25 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી લેવાયો છે. બનાવની જાણ થતા પુરવઠા અને મામલતદારની ટીમે દોડી જઈ સમગ્ર સ્થળને સીલ કરી દીધુ છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના પીએસઆઈ જે.ડી.બારોટ, ગાંધીનગર અન્ન અને પુરવઠા વિભાગના નીયમક રોહીતગીરી ગોસ્વામી સહિતની ટીમે બાતમીને આધારે ચોટીલા હાઈવે પર ઝારખંડ ઢાબાની બાજુમાં આવેલ ઓરડીમાં દરોડો કર્યો હતો. જેમાં ગેરકાયદેસર રીતે ડીઝલનો વેપલો ચાલતો હતો.
ગાંધીનગર વીજીલન્સ સહિતની ટીમે આ સ્થળને સીલ કરી દીધુ હતુ
પોલીસે ચોટીલાની શિવશકિત સોસાયટીમાં રહેતા વિજય દિનેશભાઈ સુરેલા, ઉપલેટાનો દિનેશ છનાભાઈ પરમાર ઝડપાયા હતા. પોલીસે ઘટના સ્થળેથી 16,590 લીટર ડીઝલ કિંમત રૂપિયા 12,11,070, રૂપિયા 10 હજારના 2 મોબાઈલ, રૂપિયા 12 લાખનો ટ્રક, રૂપિયા 26 હજાર રોકડા, 70 હજારના પ્લાસ્ટીકના 7 ટાંકા, 25 હજારનું મશીન, 5 હજારની પાઈપ સહિત રૂપિયા 25,54,770નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જયારે આ કેસમાં આ વેપલો કરનાર મુખ્ય આરોપી ચોટીલાની ટોકીઝ પાસે રહેતો દિવ્યરાજ ઉર્ફે દેવુ સુરેશભાઈ વાળા તથા ડીઝલનો જથ્થો પુરો પાડનાર શખ્સ વોન્ટેડ છે. જયારે ગાંધીનગર અન્ન અને નાગરીક પુરવઠાના આસીસ્ટન્ટ ડાયરેકટર, ચોટીલા મામલતદાર, ગાંધીનગર વીજીલન્સ સહિતની ટીમે આ સ્થળને સીલ કરી દીધુ હતુ.