ગુજરાત: યૂ-ટયૂબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાની જોબ આવે તો થજો સાવધાન!
- રૂ.19.82 કરોડની છેતરપિંડી આચરવામાં આવ્યાની ફરિયાદ નોંધાઈ
- રિક્ષાચાલકના નામે બેંક એકાઉન્ટ ખોલાવી પૈસાની લેવડ-દેવડ કરાતી
- પ્રકરણના તાર હવાલા કૌભાંડ સાથે પણ સંકળાયેલા હોવાનું પોલીસ માની રહી છે
ગુજરાતમાં યૂ-ટયૂબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાની જોબ આવે તો સાવધાન થઇ જજો. કારણ કે ગાંધીનગરમાં યૂ-ટયૂબ ચેનલને લાઈક કરવાના નામે રૂપિયા 19.92 કરોડની છેતરપિંડી થઇ છે. જેમાં છેતરપિંડીનું પગેરું દિલ્હી-રાજસ્થાન સુધી પહોંચ્યું છે. તથા કૌભાંડના તાર હવાલા કૌભાંડ સુધી નીકળે તેવી શક્યતા છે.
રિક્ષાચાલકના નામે બેંક એકાઉન્ટ ખોલાવી પૈસાની લેવડ-દેવડ કરાતી
રિક્ષાચાલકના નામે બેંક એકાઉન્ટ ખોલાવી પૈસાની લેવડ-દેવડ કરાતી હતી. ગાંધીનગરમાં યૂ-ટયૂબ ચેનલ સબસ્ક્રાઈબ કરાવી ટાસ્ક બેઝ વર્કની લાલચે એક વ્યક્તિ સાથે રૂ.19.82 કરોડની છેતરપિંડી આચરવામાં આવ્યાની ફરિયાદ નોંધાઈ છે. આ કૌભાંડના તાર હવાલા કૌભાંડ સુધી નીકળે તેવી શક્યતા છે. છેતરપિંડીનું પગેરું દિલ્હી અને રાજસ્થાન નીકળ્યું છે. પોલીસે અમદાવાદ અને રાજકોટના બે શખ્સોની ધરપકડ કરી છે. કૌભાંડીઓ રિક્ષાચાલકના નામે બેંકમાં એકાઉન્ટ ખોલાવીને પૈસાની લેવડ દેવડ કરતા હતા.
પોલીસ સંજય પટણીની તપાસ કરતા તે રિક્ષાચાલક નીકળ્યો
તાજેતરમાં સૌરભ દેસાઇએ પોતાની સાથે વોટ્સએપ અને ટેલીગ્રામ ચેનલ મારફત યૂ-ટયૂબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લાઇક કરવા અને ટાસ્ક બેઝ વર્ક કરી કોઇપણ રોકાણ કર્યા વગર પૈસા કમાવવાની લાલચ આપી 19.92 કરોડની છેતરપિંડી આચર્યાની ફરિયાદ કરી હતી. સીઆઇડી સાયબર ક્રાઇમે શ્રીજી એન્ટરપ્રાઇઝ નામનું ઇક્વીટાસ બેંકમાં આવેલું એક એકાઉન્ટ ફ્રિઝ કર્યુ હતું. જેને અનફ્રીઝ કરવાની અરજીમાં એકાઉન્ટની તપાસ કરતા મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં પણ થયેલી ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદમાં આ એકાઉન્ટ ફ્રીઝ થયાનું જણાયું હતું. જેથી પોલીસે તપાસ કરતા આ એકાઉન્ટ અમદાવાદ બાપુનગરમાં રહેતા સંજય રમેશ પટણી અને રાહુલ ગેમરજી ઠાકોરના નામે હોવાનું ખુલ્યું હતું. આ એકાઉન્ટમાં માત્ર છ મહિનામાં જ 13.60 કરોડના વ્યવહારો થયા હતા. જેથી પોલીસ સંજય પટણીની તપાસ કરતા તે રિક્ષાચાલક નીકળ્યો હતો.
આરબીએલ બેંકમાં પણ એકાઉન્ટ ખોલાવ્યું હતું
પ્રાથમિક તપાસમાં આ એકાઉન્ટ સુજલ બાબુ પટેલ (રહે. નૈમિનાથ સોસાયટી, વિભાગ-1 રાણીપ શાકમાર્કેટ, અમદાવાદ) ઓપરેટ કરતો હોવાનું ખુલ્યુ હતું. આથી પોલીસે સુજલની પુછપરછ કરતા તેણે સંજય અને રાહુલના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી ખોટી સહીઓ કરીને એકાઉન્ટ ઓપરેટ કરતો હોવાનું કબૂલ્યું હતું. તપાસમાં સુજલ સાથે કમલ ઉદેપુર ઉર્ફે સુનિલ મલકાની (રહે. ઉદેપુર)નું નામ ખુલ્યુ હતું. આ શખસે સુજલને બેંક એકાઉન્ટ પુરા પાડવા બદલ કમિશનની લાલચ આપતા સુજલ તૈયાર થયો હતો. તેણે શ્રીજી એન્ટરપ્રાઇઝ ઉપરાંત દ્વારકેશ એન્ટરપ્રાઇઝ નામે અન્ય બે સ્થળે એકાઉન્ટ ખોલાવ્યા હોવાનું પણ ખુલ્યુ હતું. આ ઉપરાંત તેણે ફાલ્કન એન્ટરપ્રાઇઝના નામે આરબીએલ બેંકમાં પણ એકાઉન્ટ ખોલાવ્યું હતું.
પ્રકરણના તાર હવાલા કૌભાંડ સાથે પણ સંકળાયેલા હોવાનું પોલીસ માની રહી છે
કમલ ઉર્ફે સુનિલ મલકાની સુજલ સાથે વર્ચ્યુઅલ વોટ્સએપ નંબર પરથી વાતચીત કરીને એકાઉન્ટમાં આવતા પૈસા પૈકી કેટલા પૈસા કોને આપવા અને ક્યા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા તેની સૂચના આપે તે પ્રમાણે સુજલ પૈસાની આપ-લે કરતો હતો. પોલીસ તપાસમાં સુજલ દ્વારા ઓપરેટ થતા શ્રીજી એન્ટરપ્રાઇઝમાંથી કેટલાક નાણાકીય વ્યવહારો રીધમ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં પણ થયા હતા. જેની તપાસ કરતા આ એકાઉટન્ટ નિરવ પુલિન ધાનક (રહે. પંચનાથ કોમ્પલેક્ષ, કાલાવાડ રોડ, રાજકોટ) ઓપરેટ કરતો હોવાનું ખુલતા પોલીસે નિરવની ધરપકડ કરી તેની પુછપરછ કરતા તે એકાઉન્ટમાં જમા થતા પૈસા રાજકોટના વિશાદ મહેતાની પ્રાઇમ આંગડિયા પેઢીમાં આપી આવતો હતો. આથી આ પ્રકરણના તાર હવાલા કૌભાંડ સાથે પણ સંકળાયેલા હોવાનું પોલીસ માની રહી છે.