ગુજરાત: હોસ્પિટલે યુવકને જાણ કર્યા વગર કરી નસબંધી, મહિના બાદ છે લગ્ન
- નશો થાય તેટલો દારૂ પીવડાવી યુવકનું ઓપરેશન કરી દીધાનો આક્ષેપ
- યુવકને બીજા દિવસે ખ્યાલ આવ્યો કે નસબંધીનું ઓપરેશન કરી નાખ્યુ
- સમગ્ર મામલે પરિવારે હોબાળો મચાવતા જવાબદારોએ ઓપરેશન ખોલવાની હિલચાલ શરૂ કરી
ગુજરાતના મહેસાણામાં નસબંધીકાંડ સામે આવ્યુ છે. હોસ્પિટલે યુવકને જાણ કર્યા વગર ઓપરેશન કરી નાખ્યું, તેના એક મહિના બાદ લગ્ન થવાના છે.
સમગ્ર મામલે પરિવારે હોબાળો મચાવતા જવાબદારોએ ઓપરેશન ખોલવાની હિલચાલ શરૂ કરી
મહેસાણામાં એક યુવકની જાણ બહાર તેની નસબંધી કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે આ યુવકના એક મહિના બાદ જ લગ્ન છે. સમગ્ર મામલે પરિવારે હોબાળો મચાવતા જવાબદારોએ ઓપરેશન ખોલવાની હિલચાલ શરૂ કરી હોવાની માહિતી મળી છે. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ કરશે.
યુવકને બીજા દિવસે ખ્યાલ આવ્યો કે નસબંધીનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું
મહેસાણામાં યુવકની જાણ બહાર જ તેની નસબંધીનું ઓપરેશન કરી દેવાનો યુવકે આરોપ લગાવ્યો છે. નવી શેઢાવી ગામ નજીક વગડામાં રહેતા 31 વર્ષના ગરીબ યુવાનને વાડીમાંથી ચીકુ, જામફળ ઉતારવાના છે એમ કહી મજૂરીએ લઈ જવાયો હતો, જ્યાં નશો થાય તેટલો દારૂ પીવડાવી યુવકનું ઓપરેશન કરી દીધાનો આક્ષેપ છે. યુવકને બીજા દિવસે ખ્યાલ આવ્યો કે નસબંધીનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો: સુરતના આ વિસ્તારને જોડતો 30 વર્ષ જૂનો બ્રિજ સર્વેમાં જોખમી નિકળ્યો