અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઈકોર્ટે લીધી સુઓમોટો નોંધઃ જાણો કોર્ટે શું આદેશ આપ્યો?
- આગની ઘટનામાં માસુમ બાળકોના જીવ ગુમાવવા અંગે હાઈકોર્ટેનું સુઓમોટો સંજ્ઞાન
- હાઇકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે સ્પષ્ટતા માંગી
- સીએમ ભૂપેન્દ્ર પટેલે રવિવારે સવારે ઘટના સ્થળની મુલાકાત લીધી
અમદાવાદ, 26 મે: રાજકોટમાં TRP ગેમ ઝોનમાં ભીષણ આગને કારણે અત્યાર સુધીમાં 27 લોકોના મૃત્યુ થયા છે. ગઈકાલે શનિવાર સાંજની ઘટના બાદ આજે રવિવારે સવારે જ હાઈકોર્ટે તેની સુઓમોટો નોંધ લીધી હતી. આ કેસની સુનાવણી હાઈકોર્ટની સ્પેશિયલ બ્રાન્ચ સમક્ષ ચાલી હતી. જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું કે આ માનવસર્જિત આપત્તિ છે. હાઈકોર્ટે રાજકોટમાં લાગેલી આગની ઘટનામાં માસુમ બાળકોના જીવ ગુમાવવા અંગે સુઓમોટો નોંધ લીધી છે અને આવતીકાલે સોમવારે વધુ સુનાવણી થશે.
કોર્ટે કહ્યું કે ગેમિંગ ઝોનના નિર્માણ અને સંચાલન માટે નિયમિત અને યોગ્ય નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. આ સાથે કોર્ટે કહ્યું કે અમદાવાદમાં સિંધુભવન રોડ, સરદાર પટેલ રિંગ રોડ અને એસજી હાઈવે પરના ગેમિંગ ઝોન જાહેર સલામતી માટે જોખમી છે. હાઇકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે સ્પષ્ટતા માંગી હતી.
કોર્ટે કહ્યું કે કોર્પોરેશને ખુલાસો કરવો પડશે કે કાયદાની કઈ જોગવાઈ હેઠળ આ ગેમિંગ ઝોનને ચલાવવાની પરવાનગી આપવામાં આવી હતી. હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે કોર્પોરેશન એક દિવસમાં આ માહિતી આપે. આ સાથે કોર્ટે ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે પણ સ્પષ્ટતા માંગી છે. અહી જણાવવાનું કે આ મામલામાં આગામી સુનાવણી આવતીકાલે થશે. કોર્ટે ગઈકાલે રાજ્ય સરકારની સાથે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોને સમન્સ પાઠવ્યા છે.
ગુજરાત સરકારે 5 સભ્યોની SITની રચના કરી
શનિવારે રાજકોટના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, આ દુ:ખદ અકસ્માતમાં 27 લોકોના મૃત્યુ થયા હતા. આ અકસ્માતમાં 9 બાળકોએ પણ જીવ ગુમાવ્યો હતો. આગના સમયે ગેમિંગ ઝોનમાં સારી એવી સંખ્યામાં લોકો હાજર હતા, કારણ કે શનિવાર રજાનો દિવસ હતો, એટલું જ નહીં, વીકએન્ડમાં ભીડને આકર્ષવા માટે ગેમિંગ ઝોનના મેનેજમેન્ટે 99 રૂપિયાની એન્ટ્રી ફીની સ્કીમ આપી હતી. . આ મામલામાં રાજ્ય સરકારે 5 સભ્યોની SITની રચના કરી છે, જે ઘટનાની તપાસ કરીને 72 કલાકમાં રિપોર્ટ સોંપશે.
મૃતદેહોની ઓળખ માટે પરિવારના સભ્યોના ડીએનએ સેમ્પલ લેવાયા
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, એસઆઈટીની ટીમે આજે સવારે સ્થાનિક પ્રશાસન સાથે બેઠક યોજી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માતમાં મૃતદેહો ખરાબ રીતે દાઝી ગયા હતા, તેથી મૃતકોની ઓળખ કરવા માટે મૃતદેહો અને પીડિતોના સંબંધીઓના ડીએનએ નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. દરમિયાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે સવારે ઘટનાસ્થળ અને નાના-માવા રોડ પરની હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે ગેમ ઝોનના માલિક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે.
SIT ચીફે કહ્યું- તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ થશે
એસઆઈટીના વડા અધિક પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદીએ શનિવારે રાત્રે બેઠક પહેલા કહ્યું કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ છે. તેમણે કહ્યું કે આ માટે જવાબદારોને શોધવા માટે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે સુનિશ્ચિત કરવામાં આવશે. ત્રિવેદીએ કહ્યું કે અમે ઘટનાના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરીશું. જે બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને ન્યાય આપવા માટે અમે પ્રતિબદ્ધતા અને સંપૂર્ણ પ્રમાણિકતા અને અખંડિતતા સાથે કામ કરીશું. દરમિયાન, એસીપી વિનાયક પટેલે જણાવ્યું હતું કે ઘટના સ્થળેથી 27 મૃતદેહો મળી આવ્યા હતા અને તેમને શહેરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે અને હાલ તેમની તબિયત સ્થિર છે.
#Rajkot gaming zone tragedy raises concerns over lack of fire safety measures and clearancehttps://t.co/ZOIycNxUDi
— News9 (@News9Tweets) May 26, 2024