ISRO જાસૂસી કેસમાં શકમંદ કર્મચારીને ગુજરાત હાઇકોર્ટે જામીન ન આપ્યા
- હાઈકોર્ટે ઈસરોના કર્મચારીને જામીન આપવાનો ઈનકાર કર્યો
- અગાઉ અમદાવાદ જિલ્લા અદાલતે જામીન આપ્યા નહોતા
- આરોપી 2022થી પાકિસ્તાની મહિલાના સંપર્કમાં હતો
ગુજરાત હાઈકોર્ટે ISRO કર્મચારી કલ્પેશ તુરીને સાયબર આતંકવાદમાં સંડોવણીના આરોપમાં જામીન આપવાનો ઇનકાર કર્યો છે. આરોપી સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની મહિલાના સંપર્કમાં હતો. જેણે એક ગોપનીય મેલ મોકલ્યો હતો. અધિકૃત ઈમેલનો ઉપયોગ કરીને પાકિસ્તાનમાં એક અજાણી મહિલાનો કથિત રીતે સંપર્ક કરવાનો આરોપ મુકાયા બાદ જાન્યુઆરીમાં ATS દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. તે 2012 થી ISROના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) યુનિટમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે કામ કરતો હતો.
કર્મચારી પર સાયબર આતંકવાદનો આરોપ
જોકે, હાઈકોર્ટે ટ્રાયલ આગળ ન વધે ત્યાં સુધી નવી અરજી દાખલ કરવાની સ્વતંત્રતા આપી હતી. ગુજરાત ATS દ્વારા 7 જાન્યુઆરીના રોજ ગુનો નોંધી FIR દાખલ કરાઈ હતી, જેમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 66 F(1)(B) હેઠળ સાયબર આતંકવાદ માટે સજાપાત્ર ગુના માટે તુરી પર આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે, અમદાવાદ જિલ્લા અદાલતે અગાઉ તુરીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.
2022માં પાકિસ્તાની મહિલાએ ગોપનીય લિન્ક મોકલી હતી
2022માં એક પાકિસ્તાની મહિલાએ તુરીના અંગત ઇમેલ પર એક લિન્ક મોકલી હતી. આ લિન્ક ન ખુલતાં તેણે આરોપીના ઓફિશિયલ આઈડી પર લિન્ક મોકલી હતી. પરંતુ આ લિન્ક ઓફિશિયલ આઈડી પર પણ ખૂલી નહોતી. જો કે, આરોપી પર સત્તાવાર ઈમેલ સરનામું અજાણી મહિલા સાથે શેર કરવા પર આરોપ લાગ્યો હતો. જ્યારે બીજો આરોપ એ છે કે, તેના ફોનમાં ઈસરોની કામગીરીને લગતા અમુક ફોટા પણ મળ્યા છે. જે તેણે અન્ય લોકોને ફોરવર્ડ પણ કર્યા હતા. ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ગૃહ વિભાગ દ્વારા ગુજરાત સરકારના નોટિફિકેશન મુજબ, SAC ને ‘સંવેદનશીલ વિસ્તાર’ તરીકે જાહેર છે. SAC માં ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અથવા ઉપકરણોને લઈ જવા પર પ્રતિબંધ છે સિવાય કે ખાસ પરવાનગી આપવામાં આવે.
આ પણ વાંચો: મેહુલ ચોક્સીને ઝટકો, ગુજરાત હાઈકોર્ટે છેતરપિંડીના કેસને રદ કરવાની અરજી ફગાવી