ગુજરાત હેલ્થ વિભાગ પાસે ખાદ્ય પદાર્થમાં માંસાહારી કન્ટેન્ટ તપાસવા લેબોરેટરી જ નથી
- દેશના અન્ય મંદિરોના પ્રસાદની ચકાસણીને લઈને પણ માગણીઓ થઈ રહી છે
- સુરતમાં નવી લેબોરેટરી ઊભી કરવા માટે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે
- ગુજરાતમાં આરોગ્ય વિભાગના તાબા હેઠળ ત્રણ લેબોરેટરી છે
આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના પ્રસાદ લાડુમાં પશુઓની ચરબી હોવાનું સામે આવતાં ભારે વિવાદ થયો છે, દેશના અન્ય મંદિરોના પ્રસાદની ચકાસણીને લઈને પણ માગણીઓ થઈ રહી છે. આ તરફ ગુજરાતમાં ડાકોરના મંદિરના લાડુનો પ્રસાદ ત્રણથી ચાર દિવસમાં જ બગડી જતો હોવાનો વિવાદ પણ સામે આવ્યો છે અને તપાસની માગણી ઊઠી છે.
આ પણ વાંચો: વલસાડ: જીવદયા સંસ્થાના હોદ્દેદારને માર મારવાના કેસમાં PI મોરી સામે હાઇકોર્ટ આકરા પાણીએ
ખાદ્ય પદાર્થમાં માંસાહારી કન્ટેન્ટ શોધવા માટે આ લેબોરેટરીઓ સક્ષમ નથી
વિવાદોના આ વમળ વચ્ચે મોડેલ સ્ટેટ ગુજરાતના આરોગ્ય વિભાગ પાસે ખાદ્ય પદાર્થમાં માંસાહારી કન્ટેન્ટ શોધવા કે તપાસવા માટે એક પણ લેબોરેટરી જ નથી. ખુદ ગુજરાતના આરોગ્ય વિભાગે આ કબૂલાત કરી છે. ગુજરાતમાં આરોગ્ય વિભાગના તાબા હેઠળ ત્રણ લેબોરેટરી છે, જેમાં વડોદરા સ્થિત ખોરાક અને ઔષધ નિયમન પ્રયોગશાળા, રાજકોટ સ્થિત પ્રાદેશિક ખોરાક પ્રયોગ શાળા અને ભૂજ સ્થિત પ્રાદેશિક પ્રયોગ શાળા કાર્યરત છે, જોકે ખાદ્ય પદાર્થમાં માંસાહારી કન્ટેન્ટ શોધવા માટે આ લેબોરેટરીઓ સક્ષમ નથી.
સુરતમાં નવી લેબોરેટરી ઊભી કરવા માટે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે
આરોગ્ય વિભાગના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના તાબા હેઠળની લેબોરેટરીઓ માંસાહારી કન્ટેન્ટ શોધવા કેમ સક્ષમ નથી તે વિશે તંત્રનું કહેવું છે કે, ફૂડ સ્ટાન્ડર્ડ અને ફૂડ રેગ્યુલેશન-2011 પ્રમાણે મીટ એન્ડ મીટ પ્રોડક્ડ તથા ફિશ એન્ડ ફિશ પ્રોડક્ટના ચોક્કસ ધારા ધોરણ હોય છે, તેની તપાસ માટે વડોદરાની લેબ સક્ષમ છે પરંતુ તમામ ખાદ્ય પદાર્થમાં માંસાહાર છે કે નહિ તેના ધારા ધોરણ રેગ્યુલેશનમાં સામેલ નથી, એટલે જ તમામ ખાદ્ય પદાર્થમાં માંસાહાર કન્ટેન્ટની તપાસ થઈ શકતી નથી. આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે રાજ્યમાં મહાનગર પાલિકા સંચાલિત અન્ય ત્રણ લેબોરેટરી પણ આવેલી છે જ્યારે સુરતમાં નવી લેબોરેટરી ઊભી કરવા માટે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે. મહત્ત્વનું છે કે, તિરુપતિ મંદિરના લાડુમાં પશુ ચરબી હોવાનો રિપોર્ટ ગુજરાતની લેબોરેટરીમાંથી આવ્યો હતો, જોકે આ લેબોરેટરી આણંદ સ્થિત પશુધન લેબ (NDDB CALF LTD.) માંથી આવ્યો હતો, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની ફૂડ લેબે રિપોર્ટ આપ્યો હતો.