ડબલ એન્જિન સરકાર થકી ગુજરાત દેશનું ગ્રોથ સેન્ટર બન્યું :મુખ્યમંત્રી
પાલનપુર : ડીસામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગૌરવ યાત્રામાં હાજરી આપી જાહેર સભાને સંબોધી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કરી ગુજરાત વિધાનસભાની આ ચૂંટણી નરેન્દ્ર મોદીના નામથી અને તેમના કામથી જ જીતવાની હોય તેઓ સ્પષ્ટ સંકેત આપ્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષોએ પોતાનું પ્રચાર પ્રસારનું કાર્ય વેગવંતુ બનાવી દીધું છે. ત્યારે ભાજપે રાજ્યભરમાં ગૌરવ યાત્રા થકી છેલ્લા 20 વર્ષમાં સરકારે કરેલા કામો અને વિકાસ કાર્યોને લોકો સમક્ષ ઉજાગર કરવા વિવિધ જિલ્લાઓમાં ગૌરવ યાત્રા શરૂ કરી છે. જેમાં આજે બનાસકાંઠામાં છાપીથી ગૌરવ યાત્રા પ્રવેશી ડીસા આવતા ડીસા એપીએમસી ખાતે જાહેર સભા યોજાઈ હતી.
જેમાં કેન્દ્રીય મંત્રી સંજય બાલ્યાન અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહી સંબોધન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી સંજય બાલ્યાને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર હાલ વિશ્વ ક્ષેત્રે પ્રસિધ્ધિ પામી રહી છે, તે જોતા આગામી સમયમાં ભારત વિશ્વ ગુરુ ચોક્કસ બનશે તેમ જણાવ્યું હતું.
ડીસામાં મુખ્યમંત્રીએ આગામી ચૂંટણી નરેન્દ્રભાઈના નામ અને કામથી જ જીતવાની હોવાનો સંકેત આપ્યો
જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પોતાના પ્રવચનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કરી ગુજરાત વિધાનસભાની આ ચૂંટણી નરેન્દ્ર મોદીના નામ ઉપર અને તેમના કામ ઉપર જીતવાની હોય તેઓ સ્પષ્ટ સંકેત આપ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસની પાયાની ઈંટ નરેન્દ્રભાઈ મોદીએ સ્થાપી આજે ગુજરાત વિકાસની બુલંદીઓને સર કરી રહ્યું છે. તેની સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીએ પણ વિશ્વમાં ભારતનું નામ ગુંજતું કરી ગુજરાતની અસ્મિતાને વિશ્વભરમાં પ્રસિદ્ધિ અપાવી છે.
તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે અગાઉની સરકારો જે યોજના બનાવતી હતી તેનો લાભ કેટલાક ચોક્કસ મળતીયાઓને જ મળતો હતો અને પ્રજાજનોને સરકારી યોજના વિશે કંઈ પણ જાણકારી મળતી ન હતી પરંતુ નરેન્દ્ર ભાઈ મોદીએ સરકારી યોજનાઓને સૌની યોજના બનાવી તેનો લાભ છેવાડાના માનવીને મળે તે અભિગમ દાખવતા આજે દરેક વ્યક્તિને કોઈને કોઈ રીતે વિકાસ કાર્યોનો લાભ મળી રહ્યો છે.
તેમણે હાલ ગુજરાત તમામ ક્ષેત્રે દેશના અન્ય રાજ્યો કરતા નંબર વન હોવાનું જણાવી ગુજરાત સરકારને ડબલ એન્જિનનો લાભ મળી રહ્યો છે. અને તેના થકી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બની ગયું છે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ પરબતભાઈ પટેલ,દિનેશ અનાવાડીયા ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા,પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી, ડીસા એપીએમસીના ચેરમેન માવજીભાઈ દેસાઈ સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : ‘રૂપિયો નથી ગગડી રહ્યો, પણ ડોલર મજબૂત થઈ રહ્યો છે’, નાણામંત્રીએ રૂપિયામાં સતત ઘટાડા પર આપી પ્રતિક્રિયા