ગુજરાતબિઝનેસ

વેપાર, ઉદ્યોગ, ધંધા માટે પ્રથમ પસંદગી ગુજરાત બન્યું છેઃમુખ્યમંત્રી

Text To Speech

અમદાવાદઃ બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ દ્વારા આયોજિત પરિસંવાદમાં યુવા ઉદ્યોગ સાહસિકોને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારની પોલીસીઝ ઉપરાંત શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાના ક્ષેત્રના સુદ્રઢ તેમજ સુગ્રથિત વાતાવરણને પરિણામે લોકો ભારતમાં ખાસ કરીને ગુજરાત ઉપર વેપાર, ઉદ્યોગ, ધંધા માટે પ્રથમ પસંદગી ઉતારે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાતમાં યોજાતી વાઈબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતા અને રાજ્ય સરકારની સ્ટાર્ટઅપ, ઇનોવેશન, એમ.એસ.એમ.ઈ, માટેની પ્રોત્સાહક નીતિઓના પરિણામે દેશ અને દુનિયાના ઉદ્યોગકારો, મૂડી રોકાણકારો ગુજરાતમાં આવવા ઉત્સુક હોય છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત દેશમાં સૌથી વધુ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મેળવીને ટોચ પર રહ્યું છે.

અમદાવાદમાં બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતમાં સાડા આઠ હજારથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની યુવા શક્તિના ટેલેન્ટને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર પૂરું પાડી તેની શક્તિથી ભારતને વિશ્વમાં અગ્રેસર રાખવાની પ્રેરણા આપેલી છે અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા જેવી પહેલ કરી છે. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત પણ એ જ પદચિન્હો પર ચાલીને આ સરકાર યુવાઓને જોબ ક્રિએટર બનાવવા વધુને વધુ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપે છે. 2015થી સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન સ્કીમ અમલી બનાવી છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં 300થી વધુ સ્ટાર્ટઅપને 51.83 કરોડની સહાય આપવામાં આવી છે. ગુજરાતમાં આજે સાડા આઠ હજારથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે અને ૧૨૫ જેટલી પેટન્ટ ફાઇલ કરવામાં આવી છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.

પરિસંવાદમાં યુવા ઉદ્યોગ સાહસિકોને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર

ભારત યુનિકોર્ન સ્ટાર્ટઅપમાં ત્રીજા નંબરે
મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારત આજે વિશ્વમાં યુનિકોર્ન સ્ટાર્ટ અપમાં ત્રીજા નંબરે છે. રાજ્ય સરકાર સામાજિક ક્ષેત્રોમાં પણ ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા સામાજિક પ્રભાવ ધરાવતા સ્ટાર્ટઅપને 10 લાખથી વધુ સીડ ફંડિંગ આપે છે. ભૂપેન્દ્ર પટેલે આઝાદીનો અમૃત મહોત્સવ ગુજરાતમાં યુવા સ્ટાર્ટઅપ દ્વારા રોજગારી નિર્માણના ક્ષેત્રો માટે અમૃતકાળ બને તેવી અપેક્ષા સાથે બીએનઆઇ જેવી સંસ્થાઓનો સહયોગ તેમાં ઉદ્દીપક બનશે તેવો મત દર્શાવ્યો હતો. ના BNIના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર યશ વસંત, એરીયા ડાયરેક્ટર સ્નેહલ પટેલ તેમજ અગ્રણી અને પીઢ અદાકાર કબીર બેદી સહિત યુવા ઉદ્યોગ સાહસિકો આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button