ગુજરાતે હંમેશા મીઠા આવકાર સાથે ઉદ્યોગો અને વેપાર સાહસિકોનું સ્વાગત કર્યુ : મંત્રી બલવંતસિંહ રાજપૂત

ગાંધીનગર, 18 માર્ચ : ગુજરાતે હંમેશા મીઠા આવકાર સાથે ઉદ્યોગો અને વેપાર કરવા ઇચ્છતા સાહસિકોનું સ્વાગત કર્યુ છે જેના પરિણામે ગુજરાત આજે દેશમાં તમામ ક્ષેત્રે વિકાસનું રોલ મોડેલ સાબિત થયું છે. વિશ્વામિત્રના ભારતને જેમણે વિશ્વ-મિત્ર ભારત બનાવ્યું છે તેવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજયના વિકાસની ગતિને બૂલેટ ટ્રેનની ઝડપ આપી છે.
વિકસિત ગુજરાતથી, વિકસિત ભારતના નિર્ધાર સાથે દોડી રહેલી વિકાસની યાત્રા રાજયના સરળ, મજબૂત, મક્કમ, અને નિર્ણાયક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં મકકમતાથી આગળ વધી રહી છે તેમ આજે વિધાનસભા ગૃહમાં ઉદ્યોગ,ખાણ અને ખનિજ વિભાગની અંદાજપત્રિય પરની માંગણીઓની ચર્ચા દરમિયાન ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
ઉદ્યોગ, ખાણ અને ખનિજ મંત્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે, વડાપ્રધાન અને વિકાસ પુરુષ નરેન્દ્રભાઇ મોદીએ એક જ મેસેજ ‘વેલકમ ટુ ગુજરાત’થી બંગાળમાં ફસાયેલા ટાટાને આવકાર આપ્યો હતો. જેનાથી આપણા ગુજરાત માટે નવો અવસર ઉભો થયો અને સામાન્ય માણસ માટે વિશ્વની સૌથી સસ્તી બનેલી ગાડી મળી. જે વિશ્વના ઓટોમોબાઇલ અને ઔદ્યોગિક ક્ષેત્રની વિરલ ઘટના છે. દરેક તાલુકે એક જીઆઇડીસી સ્થપાય તે માટે ગુજરાત સરકાર આયોજનબદ્ધ કામગીરી કરી રહી છે.
હાલમાં ગુજરાતમાં ૨૩૯ જીઆઇડીસીઓમાં અંદાજે ૭૫,૦૦૦ થી વધુ એકમોમાં ૨૦ લાખથી વધુ યુવાનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી મેળવી રહ્યાં છે. આ જીઆઇડીસીઓમાં ૨૫૦ ચો.મી. થી માંડીને ઉદ્યોગની જરૂરિયાત અનુસારના પ્લોટની સાથે વૈશ્વિક કક્ષાનું આંતરમાળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એમ.એસ.એમ.ઇ. પાર્ક, મલ્ટીલેવલ શેડ, મહિલા પાર્ક જેવા નવા આયામો વિકસાવીને ઉદ્યોગ ક્ષેત્રે હકારાત્મક પરિણામો લાવ્યાં છીએ. આ વર્ષે એમ.એસ.એમ.ઇ. અને સ્ટાર્ટ-અપ એકમોની વિવિધ યોજનાઓ માટે બજેટમાં ૩૬૦૦ કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. જેનાથી એમ.એસ.એમ.ઇ. તંત્રને વધુ મજબૂત કરી શકાશે તેમ મંત્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું હતું.
મંત્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે અગાઉ કોઇ ઉદ્યોગો રોકાણ માટે આવે તો તેમને જમીન, રોડ-રસ્તા, વીજળી, પાણી, લોન અને સબસિડી સહિતની સુવિધાઓ માટે ખૂબ ચીકાશ કરીને પરેશાન કરવામાં આવતા હતા અને તેમને આડકતરો સંદેશ આપવામાં આવતો કે તમને સવલત આપીએ પણ આમાં મારું શું? જો મારું કાંઇ ન હોય તો પછી મારે શું? એટલે કે મારે શું અને મારું શું ? એ બે વાક્યોમાં વિકાસ રૂંધાઇ જતો અને મારા પ્રતિપક્ષના મિત્રોના રાજમાં ગુજરાત અટકી ગયું હતું. ગુજરાતના શક્તિ, સામર્થ્ય અને સંસાધનોને ઓળખીને લોકકલ્યાણના કામ માટે ઉચિત દિશામાં ઉપયોગ કરવાનું સ્વપ્નું કોઇએ જોયું હોય તો તે તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જોયું છે.
મંત્રી બલવંતસિંહ રાજપૂતે ૨૦ વર્ષ અગાઉના ગુજરાતની વિકાસની એક ઝલક આપતા કહ્યું હતું કે, ગુજરાતનું બજેટ માત્ર ૩૬ હજાર કરોડ હતું, જે આજે ૩ લાખ ૭૦ હજાર કરોડથી વધુ થયુ છે. જી.ડી.પી.માં ફાળો માત્ર ૬.૪ % હતો તે આજે ૮.૩ ટકા સુધી પંહોચી ચૂકયો છે. જી.એસ.ડી.પી. માત્ર ૧.૨૩ લાખ કરોડ હતો તે આજે રર લાખ કરોડથી પણ વધારે થઇ ચૂકયો છે. સતત ચાલતી આ વિકાસ યાત્રામાં છેલ્લા ર૦ વર્ષોના વિકાસના પરિણામે ગુજરાતના નાગરિકોની માથાદીઠ આવક જે ર૦ વર્ષ પહેલા રૂા.૧૮,૩૯ર હતી તેમાં આશરે લગભગ ૧૫ ગણો વધારો થયો છે અને આજે એ ૧૮ હજારથી વધીને રૂા.ર,૭૩,૫૫૮ સુધી પહોચી છે.
જ્યારે ગુજરાતમાં ઉત્પાદન માત્ર ૪૪ હજાર ૮૮૬ કરોડ હતું, તેમાં આજે ખૂબ મોટો એટલે કે આશરે ૧૫ ગણો વધારો થયો છે અને તે વધીને ૬.૭ લાખ કરોડ સુધી પંહોચી ચૂકયું છે. સર્વિસ સેક્ટરનું ઉત્પાદન માત્ર ૫૩ હજાર ૪૪૪ કરોડ હતું તે પણ આજે આશરે ૧૩ ગણુ વધીને ૬ લાખ અને ૭૦ હજાર કરોડ સુધી પંહોચ્યું છે. આ ઉપરાંત મેન્યુફેક્ચરીંગ આઉટપુટ અંદાજે ૧.૪૮ લાખ કરોડ હતું તેમાં પણ લગભગ ૧૪ થી ૧૫ ગણો વધારો થઇને આજે ર૧.૪૮ લાખ કરોડ સુધી આપણે પહોચી ચૂકયા છીએ. જ્યારે મૂડીરોકાણ ૧.૧૧ લાખ કરોડ હતું તે પણ આજે લગભગ નવ ગણું વધીને ૯.૯૭ લાખ કરોડ થઇ ચૂકયુ છે. નાના ઉદ્યોગો ૧ લાખ ૩૮ હજાર હતા તે પણ આાજે લગભગ ૧૪ ગણા વધીને ૧૯ લાખથી વધુ થયા છે. મોટા ઉદ્યોગો ૫૨૬૪ જેટલા હતાં તે આજે વધીને લગભગ ૧૪૪૦૦ સુધી પહોંચ્યા છે તેમ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ઉમેર્યું હતુ.
તેમણે કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં રહેલી ક્ષમતાઓને ઓળખી વાઇબ્રન્ટ ગુજરાત મારફતે ઉદ્યોગો અને સર્વાંગી વિકાસની એક નવી યાત્રા વર્ષ ૨૦૦૩ થી શરૂ કરી હતી. એક નાના હોલથી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાતની સફર ૨૦૨૪ સુધી ૧૦ પડાવો પાર કરી ચુકી છે. તેના પરિણામે આજે ગુજરાતની સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સંસ્થાકીય, ઔદ્યોગિક એમ તમામ પ્રકારની પરિસ્થિતિ મહત્વપૂર્ણ અને હકારાત્મક પરિવર્તનો થયાં છે. ઉદ્યોગોના વિકાસ માટે ઉપલબ્ધ લેન્ડ બેન્ક, નીતિઓનું સરળીકરણ, ર૦ થી વધુ સેકટર સ્પેસિફિક પોલિસી, સીંગલ વીન્ડો સીસ્ટમ અને ઓનલાઇન સુવિધાઓથી ગુજરાતના ઉદ્યોગોને વિકસવાની ગતિ વધુ તેજ બની છે. જેના પરિણામે ગુજરાત આજે ઉત્પાદનમાં ૧૮ ટકા, નિકાસમાં ૪૧ ટકા સાથે દેશમાં વિકાસનું રોલ મોડલ અને ઉત્પાદનનું હબ બન્યું છે.
આ પણ વાંચો :- ‘PM મોદી પાછલા જન્મમાં શિવાજી મહારાજ હતા’ અંગેના નિવેદન ઉપર ભાજપના સાંસદની સ્પષ્ટતા