ગાંધીનગર, 06 ઓગસ્ટ 2024, ગુજરાતમાં હાથશાળ કલાને પ્રોત્સાહિત કરવા 7મી ઓગસ્ટના રોજ “રાષ્ટ્રીય હાથશાળ દિવસ”ની ઉજવણી કરાશે. આ ઉજવણી અંતર્ગત રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ભાવનગર ઉપરાંત રાજ્ય બહાર બોરીવલી-મુંબઈ ખાતે હસ્તકલા પ્રદર્શન અને વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરીયમ ખાતે યોજાનાર પ્રદર્શન અને ઉજવણી દરમિયાન નેશનલ એવોર્ડ તથા સંત કબીર એવોર્ડ વિજેતા હાથશાળ કારીગરોનું સન્માન કરવામાં આવશે. ગરવી ગુર્જરી એમ્પોરીયમના સ્ટાફ માટે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન દ્વારા તૈયાર કરાયેલા નવા યુનિફોર્મનું પણ લોન્ચીંગ કરવામાં આવશે.
25 કરોડથી વધારેના વેચાણની સિદ્ધિ હાંસલ કરી
ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ દ્વારા ચાલુ વર્ષ 2024-25 દરમિયાન રાજ્યના 3200 જેટલા હાથશાળ કારીગરો પાસેથી પટોળા, ટાંગલીયા, આશાવલી સાડી, વુલન શાલ, સ્ટોલ, દુપટ્ટા, વીવીંગ ચાદરો, વીવીંગ ચોરસા જેવી હાથશાળની બનાવટોની ખરીદી કરીને કારીગરોને 690 લાખથી વધુની રોજગારી પૂરી પાડી છે. ગત વર્ષ 2023-24માં પણ 2350 હાથશાળ વણકરો પાસેથી 682 લાખથી વધુની હાથશાળ બનાવટોની ખરીદી કરી હતી. નિગમ દ્વારા ગત વર્ષ 2023-24 દરમિયાન હાથશાળ અને હસ્તકલાનું છેલ્લા 50 વર્ષના ઇતિહાસમાં સૌથી મહત્તમ 25 કરોડથી વધારેના વેચાણની સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે જે વર્ષ 2022-23ના વેચાણની સરખામણીએ બમણું હતું.
હાથશાળ વણાટને ભારત સરકાર દ્વારા જી.આઈ ટેગ અપાયું
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ “વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ” યોજના અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતના દરેક જિલ્લાની ઓછામાં ઓછી એક પ્રોડક્ટનું રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે વેચાણ વધારીને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના મુખ્ય હેતુ સાથે શરુ થયેલી આ યોજનામાં પાટણના પટોળા, સુરેન્દ્રનગરનું ટાંગલીયા, મહેસાણાની સદી હાથવણાટ, ગાંધીનગરની આશાવલી સાડી, પોરબંદરના વુલન બ્લેન્કેટ અને દેવભૂમિ દ્વારકાની હાથશાળ શાલ જેવી વિવિધ હાથશાળ પ્રોડક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટાંગલીયા વણાટ, કચ્છી શાલ, પાટણના પટોળા, ઘરચોળા અને ભરૂચ સુજની જેવા હાથશાળ વણાટને ભારત સરકાર દ્વારા GI Tag આપવામાં આવ્યું છે.હાથશાળ કલા-કારીગીરીનું એક એવું ક્ષેત્ર છે, જે સાચા અર્થમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહિત કરી રહ્યું છે.હાથશાળ કામગીરીમાં જોડાયેલા કામદારો પૈકી 70 ટકા મહિલાઓ છે.
આ પણ વાંચોઃનીતિ આયોગે જાહેર કરેલા SDG ઈન્ડેક્સ 2023-24માં આરોગ્ય ક્ષેત્રે દેશમાં ગુજરાત બીજા ક્રમે