અમદાવાદગુજરાત

ગુજરાત સરકારે વિધાનસભામાં કહ્યું, બે વર્ષમાં 55 હજાર આવાસો બનાવ્યા, 1952 કરોડ સહાય ચૂકવી

Text To Speech

ગાંધીનગર, 21 ઓગસ્ટ 2024, ગુજરાત વિધાનસભા ખાતે ટૂંકી મુદતના પ્રશ્નમાં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી અંગેની સ્થિતિના પ્રત્યુતરમાં શહેરી વિકાસ વિભાગ વતી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ,વર્ષ ૨૦૧૫માં વડાપ્રધાન મોદીએ આર્થિક રીતે નબળા વર્ગોના લોકોને આવાસની સુવિધા મળી રહે એ માટે હાઉસિંગ ફોર ઓલ નો સંકલ્પ કર્યો છે.આ સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે વર્ષમાં 55,575 આવાસો પ્રધાનમંત્રી આવાસ શહેરી યોજના હેઠળ પૂર્ણ કરાયા છે. જેમાં રૂપિયા 1952 કરોડની સહાય રાજ્ય સરકારે ચૂકવી છે.

રાજ્ય સરકારે લાભાર્થીઓને લોન પર વ્યાજ સહાયનો લાભ આપ્યો
તેમણે ઉમેર્યું કે, આર્થિક રીતે નબળા વર્ગોના લોકોને આવાસ સુવિધા પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યરત છે. જેમાં લાભાર્થીઓની વાર્ષિક આવક રૂપિયા 3 લાખથી ઓછી હોવી જોઈએ જેમાં શહેરી વિસ્તારમાં આવાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા 1.5 લાખ અને રાજ્ય સરકાર દ્વારા 2 લાખ મળી કુલ 3.50 લાખની સહાય ત્રણ તબક્કામાં લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવે છે.રાજ્યમાં 9.78 લાખ જેટલા આવાસો મંજૂર કર્યા છે તે પૈકી 8.63 લાખ આવાસો પૂર્ણ કર્યા છે. જેમાં ક્રેડિટ લિંક સબસીડી ઘટક હેઠળ 6.13 લાખ કરતાં વધુ લાભાર્થીઓને પ્રથમ આવાસ પર લીધેલ લોન પર વ્યાજ સહાયનો લાભ આપ્યો છે.

બી.એલ.સી ઘટક હેઠળ 1,56,978 આવાસો મંજૂર કર્યા
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં અત્યાર સુધી બી.એલ.સી ઘટક હેઠળ 1,56,978 આવાસો મંજૂર કર્યા છે. તે પૈકી 1,20,594 આવાસો પૂર્ણ થયા છે અને 36,384 આવાસો પ્રગતિ હેઠળ છે. આ માટે કેન્દ્ર સરકારના 1938 કરોડ અને રાજ્ય સરકારના 2656 કરોડ મળી કુલ 4595 કરોડની સહાય લાભાર્થીઓને પૂરી પાડવામાં આવી છે.વડાપ્રધાન મોદીએ આવનાર 5 વર્ષમાં સમગ્ર દેશમાં નવા 3 કરોડ આવાસો બનાવવાનો નિર્ધાર કર્યો છે.જેના ભાગરૂપે ગુજરાતમાં પણ મળવાપાત્ર મહત્તમ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું.

આ પણ વાંચોઃવિધાનસભામાં કોંગ્રેસે વિદેશમાં રહેતા શિક્ષકોનો મુદ્દો ઉઠાવ્યો, દુર્ઘટનાઓ મુદ્દે સુત્રોચ્ચાર કર્યા

Back to top button