ગાંધીનગર, 13 ઓગસ્ટ 2024, ગુજરાતમાં શાળામાં ચાલુ ફરજે છુમંતર થયેલા શિક્ષકો સામે સરકાર એક્શનમાં આવી ગઈ છે. રાજ્યમાં શાળામાંથી ગાયબ થયેલા અથવા તો સસ્પેન્ડ થઈને ઘરે બેઠા પગાર મેળવતા શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શિક્ષણ વિભાગને મળેલી માહિતીના આધારે શાળામાં ગેર હાજર રહેતા 134 શિક્ષકોને સસ્પેન્ડ કરાયા છે. બીજી તરફ કેટલાક શિક્ષકો સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી છે. આણંદ,કચ્છ અને રાજકોટના શિક્ષક સામે પોલીસ કેસ કરવામાં આવ્યો છે. બનાસકાંઠામાં 18, છોટાઉદેપુરમાં 16 અને અન્ય જિલ્લાઓમાં પણ સસ્પેન્ડ થયેલાને બરતરફ ઓર્ડર પકડાવવામાં આવ્યાં છે.
70 માંથી 58 શિક્ષકોને નોટિસ પાઠવી કાર્યવાહી કરાઈ
ગુજરાતમાં શાળામાં ફરજ હોવા છતાં કેટલાક શિક્ષકો લાંબી રજાઓ લઈને વિદેશમાં સ્થાઈ થઈ ગયાં છે. આવા શિક્ષકો સામે ફરિયાદો ઉઠતાં સરકાર અને શિક્ષણ વિભાગ સફાળો જાગ્યો છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.નગર શિક્ષણ સમિતિ હસ્તકના 60 શિક્ષકો વિદેશ પ્રવાસે છે. જેમાંથી 44 શિક્ષકોને નોટિસ પાઠવવામાં આવી છે. તો નગર શિક્ષણ સમિતિ હસ્તકના 3 શિક્ષકો બરતરફ અને 3ના રાજીનામા સ્વીકારાયા છે. બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા 58 શિક્ષકોને નોટિસ પાઠવી કાર્યવાહી કરાઈ છે.
27 જિલ્લાના 91 શિક્ષક ગેરકાયદે રજા પર, 60 વિદેશમાં
ગુજરાતમાં છેલ્લાં 2 વર્ષમાં 151 શિક્ષકો 3 માસ કરતાં વધુ સમય સુધી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. જેમાં 60 શિક્ષકો વિદેશ પ્રવાસે ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ કેસના કારણે 3 જ્યારે માંદગીના કારણે 18 શિક્ષકો ગેરહાજર છે. કચ્છમાં સૌથી વધુ 13 શિક્ષકો બિન અધિકૃત રીતે ગેરહાજર હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે ગાંધીનગરમાં સૌથી વધુ 13 શિક્ષકો વિદેશ પ્રવાસને કારણે ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. શિક્ષકો સહિતના તમામ સ્ટાફની રજાના નિયમોમાં મોટા ફેરફાર કરવા માટે હવે સરકાર તખ્તો તૈયાર કરી રહી છે. આ માટે ખાસ કરીને લાંબી રજા પર જનારા કર્મચારીઓ માટે ખાસ નિયમો બનશે. માંદગી અને અંગત કારણો સહિતના કિસ્સામાં લાંબા સમયગાળા માટે રજા પર ઊતરનારા કર્મચારીઓને આ નવા નિયમો લાગુ થશે.
આ પણ વાંચોઃપરદેશી પંખી બનેલા શિક્ષકોની હવે ખેર નહીં, દરેક જિલ્લામાં સરવે કરીને કાર્યવાહી કરાશે