ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2024, શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાતના આર્થિક અને સામાજિક વિકાસને કારણે રાજ્યમાં રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થયું છે. રાજ્યના યુવાધનને રોજગારી આપવામાં ગુજરાતે દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી રોજગાર કચેરી દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૫ વર્ષમાં ૧,૦૮૬ ભરતીમેળાના આયોજન થકી ૧૫.૨૧ લાખથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. રાજ્ય સરકારનું ‘અનુબંધમ પોર્ટલ‘ નોકરીદાતા અને રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ કામગીરી કરે છે. આ પોર્ટલમાં હાલની સ્થિતિએ ૩ લાખથી વધુ ઉમેદવાર તથા ૪૭,૦૦૦થી વધુ નોકરીદાતાઓ નોંધાયા છે.
વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરી રોજગારી પૂરી પાડવામાં આવી
રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું કે, કૌશલ્ય વિકાસ ક્ષેત્રે ગુજરાતને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટીય કક્ષાએ પ્રથમ હરોળમાં લાવવા આ વર્ષે બજેટમાં કૌશલ્ય વિકાસ માટે રૂ. ૫૬૮ કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત ભવિષ્યમાં સેમિકન્ડક્ટર હબ બનવા જઈ રહ્યું છે. સેમિકન્ડક્ટર ઉદ્યોગ અનુરૂપ કુશળ માનવબળ તૈયાર કરવા ‘કૌશલ્યા : ધ સ્કીલ યુનિવર્સિટી‘ ખાતે વ્યાપક તાલીમ કેન્દ્રની સ્થાપના કરવા માઈક્રોન કંપની સાથે રાજ્ય સરકારે એમઓયુ કર્યા છે.‘કૌશલ્યા : સ્કીલ યુનિવર્સીટીની‘ હેઠળ ન્યુ એઇજ સ્કીલ આધારિત ૬ વિદ્યા શાખા શરૂ કરવામાં આવી છે. આ વિદ્યા શાખા હેઠળ નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ને અનુરૂપ ૧૨૦ જેટલા વિવિધ અભ્યાસક્રમો અંતર્ગત વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરી રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે.
૫૦ નવા ધનવંતરી રથો કાર્યાનવિત કરવામાં આવશે
તેમણે ઉમેર્યું હતું કે,અન્ન સુરક્ષા ઉપરાંત શ્રમિકોને આરોગ્ય સુવિધા પૂરી પાડવા રાજ્યમાં હાલ ૧૫૪ ધનવંતરી આરોગ્ય રથ કાર્યરત છે. આ ૧૫૪ રથ થકી અત્યાર સુધીમાં કુલ ૮૦ લાખથી વધુ ઓ.પી.ડી. થઈ છે. રાજ્યભરના શ્રમિકોને પ્રાથમિક સારવાર પહોંચાડવા ૫૦ નવા ધનવંતરી રથો કાર્યાનવિત કરવામાં આવશે, તેવી મંત્રીએ માહિતી આપી હતી. નોંધાયેલા બાંધકામ શ્રમિકના બાળકોના અભ્યાસ માટે ભરેલ કુલ ફીના ૧૦૦% રકમની સહાય આપવા નિવાસી શિક્ષણ સહાય યોજના, ગુજરાત સામુહિક જુથ અકસ્માત યોજના, મરણોત્તર ક્રિયા માટે અંત્યેષ્ઠી સહાય જેવી વિવિધ યોજનાઓ અમલમાં છે. અંત્યેષ્ઠી સહાય યોજના હેઠળ રૂ.૫૦૦૦ સહાય આપવામાં આવતી હતી, જેમાં વધારો કરીને વર્ષ ૨૦૨૪-૨૫થી સહાયની રકમ રૂ. ૧૦,૦૦૦ કરાઇ છે.
૧૯ મોબાઈલ મેડીકલ વાન કાર્યરત છે.
મંત્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું કે, ગંભીર રોગ સિલિકોસીસથી અવસાનના કિસ્સામાં શ્રમિકોના વારસદારોને આર્થિક સહાય અંગેની સુરક્ષા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫થી સહાયની રકમ રૂ. ૧.૦૦ લાખથી વધારીને રૂ. ૪.૦૦ લાખ કરાઇ છે. આ ઉપરાંત બાંધકામ શ્રમિકો માટે “શ્રમિક બસેરા” યોજના અંતર્ગત માત્ર પાંચ રૂપિયા પ્રતિ દિન પ્રતિ શ્રમિક ભાડાના દરથી શ્રમિકોને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. સંગઠિત ક્ષેત્રે ફરજ બજાવતા શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોને પ્રાથમિક સારવાર મળી રહે તે હેતુસર મોબાઈલ મેડિકલ વાન યોજના અમલમાં છે. આ યોજના અન્વયે ૧૯ મોબાઈલ મેડીકલ વાન કાર્યરત છે. ચાલુ નાણાંકીય વર્ષમાં વધુ છ મોબાઇલ મેડિકલ વાન ખરીદવામાં આવશે.
આ પણ વાંચોઃપ્રવાસનની જાહેરાતો અને મહોત્સવો પાછળ કેટલા ખર્ચ્યા? સરકારે આંકડો જણાવ્યો