રાજ્યમાં સ્ટેમ્પ ડયૂટીનો દર ઘટાડીને ત્રણ ટકા કરવા સરકારની વિચારણા છે. વિધાનસભાના બજેટ સત્રમાં સુધારા વિધેયક આવશે. તથા એફોર્ડેબલ હાઉસિંગમાં પ્રથમ પરચેઝરનેય નોંધણીમાં રાહત આપવા પરામર્શ થઈ રહેલો છે. અત્યારે વેચાણ દસ્તાવેજની કિંમતના 4.9 ટકા સ્ટેમ્પ ડયૂટી વસૂલાય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં એક વર્ષમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત ક્રાઈમનો આંકડો જાણી ચોંકી જશો
જંત્રીના દર બમણા કરવાનો નિર્ણય 15 એપ્રિલથી લાગુ
રાજ્ય સરકારે જંત્રીના દર બમણા કરવાનો નિર્ણય 15 એપ્રિલથી લાગુ કરવાનું નક્કી કર્યા બાદ હવે સ્ટેમ્પ ડયૂટી નોંધણી ફી ઘટાડવા પરામર્શ શરૂ કર્યો છે, જેને કારણે વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આ સંદર્ભે સુધારા વિધેયક આવે તેવી શક્યતા છે. રાજ્યના બિલ્ડરોના એસોસિયેશને નવી જંત્રી લાગુ કરતાં પહેલાં સ્ટેમ્પ ડયૂટી ઘટાડી ગ્રાહકો ઉપર પડનારો બોજો શક્ય હોય ત્યાં સુધી બેલેન્સ કરવાની રાજ્ય સરકારને અપીલ કરતાં એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં પ્રથમ વખત મકાન લેતાં ગ્રાહકોને નોંધણી ફીમાં 1 ટકા રાહત આપવાની તથા બધા જ ગ્રાહકો માટે 50 ટકા સ્ટેમ્પ ડયૂટી ઘટાડવાની માગણી કરેલી છે.
બિલ્ડરોની માગ સંદર્ભે સ્ટેમ્પ ડયૂટી તથા નોંધણી ફીના દર ઘટાડવા વિચારણા
રાજ્યની સ્ટેમ્પ ડયૂટી તથા નોંધણી ફીની આવક 13 ટકાથી વધુ દરે વધી રહી છે. વર્ષ 2021-22માં રહેલી રૂ. 10,600 કરોડની આવકની તુલનાએ 2022-23ની આવક 31મી જાન્યુઆરી સુધીમાં રૂ.10,500 કરોડ પાર કરી ગઈ છે, જે 31 માર્ચ સુધીમાં રૂ.12 હજાર કરોડ વટાવે તેવી સરકારની ગણતરી છે. તદુપરાંત નવા નાણાકીય વર્ષમાં જંત્રી બમણી થતાં આવકમાં રૂ.2,500 કરોડનો ઓછામાં ઓછો ઇજાફો અપેક્ષિત છે. આ પરિપેક્ષ્યમાં રાજ્ય સરકાર પણ બિલ્ડરોની માગ સંદર્ભે સ્ટેમ્પ ડયૂટી તથા નોંધણી ફીના દર ઘટાડવા વિચારી રહી છે.
વેચાણ દસ્તાવેજની કિંમતના 4.9 ટકા સ્ટેમ્પ ડયૂટી વસૂલાય છે
અત્યારે વેચાણ દસ્તાવેજની કિંમતના 4.9 ટકા સ્ટેમ્પ ડયૂટી વસૂલાય છે, જે ઘટાડીને 3 ટકા રાખવા વિચારણા થઈ રહી છે જ્યારે 1 ટકો વસૂલાતી નોંધણી ફી, મહિલાઓને નામે થતાં દસ્તાવેજોમાં માફી અપાય છે તેમ પ્રથમ વખત ઘરનું ઘર વસાવતા એફોર્ડેબલ સ્કીમના ગ્રાહકોનેય નોંધણી ફીમાં રાહત આપવાની બાબત વિચારાધીન હોવાનું જણાવાઈ રહ્યું છે.