- કોર્પોરેટ કંપનીઓ પણ ઈચ્છી રહી છે કે સરકાર નાઈટ શિફ્ટની ગાઈડલાઈન્સ તૈયાર કરે
- ખાનગી કંપનીઓ માટે ડોર ટુ ડોર પિક-અપ અને ડ્રોપ સહિતના નિયમો બનશે
અમદાવાદ, 04 સપ્ટેમ્બર 2024, સમગ્ર દેશમાં આજે ગુજરાત મોડેલની ચર્ચાઓ થઈ રહી છે. મહિલાઓ માટે ગુજરાત સલામત હોવાનું કહેવાય છે. તેનો લાભ લેવા માટે કોર્પોરેટ હાઉસો મહિલાઓને નાઇટ શિફ્ટમાં કામ કરવાની છૂટ આપવા માટે રાજ્ય સરકાર પાસે મંજુરી માંગી રહ્યાં છે. આ વર્ષે જુલાઈ મહિના સુધીમાં, રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગને મહિલાઓને નાઇટ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપવા માટે કંપનીઓ તરફથી 79 અરજીઓ મળી છે. 27 કંપનીઓને નાઇટ શિફ્ટમાં કામ કરવાની પરવાનગી આપવામાં આવી હતી, જ્યારે 46 અરજીઓ પાછી મોકલવામાં આવી હતી. હવે સરકાર આ માટે એક પોલીસી ટૂંક સમયમાં જાહેર કરે તેવી શક્યતાઓ છે.
મલ્ટિનેશનલ કંપનીઓની અરજીઓનો ભરાવો થયો હતો
અગાઉ શ્રમ વિભાગના મુખ્ય મહિલા અધિકારી દ્વારા કંપનીઓની અરજીઓ પર ધ્યાન આપવામાં આવતુ નહોતુ. જેના કારણે ઉપર સુધી રજૂઆત કરવામાં આવી હતી.ઘણા સમયથી મોટી મલ્ટિનેશનલ કંપનીઓની અરજીઓનો ભરાવો થયો હતો.બધા અભિપ્રાયો હકારાત્મક હોવા છતાં અરજીઓને અટકાવવામાં આવી હતી. હવે કંપનીઓની રજૂઆતને ધ્યાને લેવામાં આવી છે. કોર્પોરેટર હાઉસોમાં એવી પણ ચર્ચાઓ હતી કે, ગુજરાત રાજ્યમાં મહિલાઓ મોડી રાત સુધી છુટથી ફરી શકે છે તો કંપનીમાં સુરક્ષા હોવા છતાં નાઈટ શિફ્ટ માટે કેમ મંજૂરી આપવામાં આવતી નથી.
કંપનીઓ માટે ગાઈડલાઈન્સ બનાવવામાં આવી રહી છે
આ પ્રકારની અનેક રજૂઆતો બાદ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી હર્ષ સંઘવી, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા વિભાગના મુખ્ય સચિવ વિનોદ રાવે હવે આ અરજીઓને ધ્યાને લેવાનું શરૂ કર્યું છે. ગુજરાત સરકારે પણ નાઈટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ માટે ખાસ પોલીસી બનાવવાની દિશામાં કામ શરૂ કર્યુ છે. ટુંક સમયમાં જ આ અંગેનો એક ડ્રાફટ પણ જાહેર કરી વાંધા-સુચનો માંગવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા તમામ કોર્પોરેટ સહિતના રાજગાર લક્ષી સેક્ટરોની કંપનીઓ માટે ગાઈડલાઈન્સ બનાવવામાં આવી રહી છે.
નાઈટ શિફ્ટ માટે પગાર ધોરણના પેકેઝ પણ સારા મળે છે
કંપનીઓને નાઇટ શિફ્ટમાં મહિલાઓને રોજગારી આપવાની પરવાનગી મેળવવાની પ્રક્રિયા કલેક્ટરેટમાં અલગ અલગ હોય છે. જેમાં કેટલીક અન્ય કરતાં વધુ હળવી હોય છે. તો કેટલાક જિલ્લામાં આ પ્રક્રિયા જટીલ છે. સૂચિત નીતિ તમામ ક્ષેત્રોની કંપનીઓ માટે હશે. નાઇટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ પરની નીતિ અંગે સરકારનું ચિંતન ઉદ્યોગની રજૂઆતોના જવાબને અનુલક્ષીને આવ્યું છે.નાઈટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓને ડોરસ્ટેપ પિક-અપ અને ડ્રોપ સુવિધાઓ અને નાઇટ શિફ્ટના સમયનો ઉલ્લેખ સહિતના બીજા ઘણા પગલાં નવી નીતિમાં સામેલ કરાશે.આ ઉપરાંત કોર્પોરેટ કંપનીઓ પણ મહિલાઓની સુરક્ષાને ધ્યાને લઈને ડોરમેટરી, પીક અપ ડ્રોપ સહિતની સુવિધાઓ આપવા માટે તૈયાર છે. જો આ મંજૂરી મળશે તો મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા સારા પગાર ધોરણો આપવામાં આવશે. ઓછું ભણેલી મહિલાઓ હશે તો પણ તેમને વધુ આવક મળી શકશે. આ કંપનીઓ મહિલાઓની કામ માટેની તાલિમ પણ આપી રહી છે. તે ઉપરાંત નાઈટ શિફ્ટ માટે પગાર ધોરણના સારા પેકેઝ પણ આપી રહી છે.
આ પણ વાંચોઃસ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2024માં સુરતે દેશમાં હાંસલ કર્યો પ્રથમ ક્રમ, 200માંથી 194 માર્ક મળ્યા