ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાતઃ સોલાર ફેન્સિંગનો લાભ લેવા માગતા ખેડૂતો માટે આઈ-પોર્ટલ ખુલ્લું મૂકાશે

Text To Speech
  • ગુજરાતમાં ખેડૂતોના ઊભા પાકને મળતા રક્ષણનો વ્યાપ વધ્યો
  • ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ માટે સોલાર પાવર કીટની ખરીદી માટે સહાયની યોજનાનો વર્ષે ૩૩,૦૦૦ ખેડૂતોને મળશે લાભ
  • સોલાર પાવર કીટની ખરીદીમાં સહાય આપતી આ યોજનાના બજેટમાં અઢી ગણો વધારો કરી ચાલુ વર્ષે રૂ. ૫૦ કરોડની જોગવાઈ કરાઈ: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતોને પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત અને સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. તદઅનુસાર ખેડૂતો તરફથી મળેલી રજૂઆતોને હકારાત્મક વાચા આપતા ચાલુ વર્ષના બજેટમાં ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર કીટની ખરીદી માટે ખેડૂતોને નાણાંકીય સહાય આપવાની યોજનામાં અઢી ગણો વધારો કરીને રૂ. ૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં વન્ય અને રખડતા પ્રાણીઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને થતા નુકશાનને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના ૧૮ વર્ષથી અમલમાં છે. પરંતુ રક્ષિત વાડ માટે વ્યક્તિગત ધોરણે કામગીરી કરવી હોય તો તેવા કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષ ૨૦૨૨-૨૩માં વૈકલ્પિક યોજના સ્વરૂપે ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર કીટની ખરીદી માટે ખેડૂતોને નાણાંકીય સહાય આપવાની યોજના રૂ. ૨૦ કરોડની જોગવાઈ સાથે અમલમાં મૂકવામાં આવી હતી. ચાલુ વર્ષે આ યોજના માટે બજેટમાં રૂ. ૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ચાલુ વર્ષે યોજનાના બજેટમાં અઢી ગણો વધારો થતા ગત વર્ષની સરખામણીમાં ૧૩ હજાર ખેડૂતોની જગ્યાએ ચાલુ વર્ષે ૩૩ હજાર ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવી શકશે. આ યોજના માટે રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૧૫,૦૦૦ બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતો માટે આઇ-ખેડૂત પોર્ટલ ટૂંક સમયમાં જ ખુલ્લું મૂકવામાં આવશે. જેનો મહત્તમ લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોને કૃષિ મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, આ સિંચાઈ યોજના જળસમૃધ્ધ બની

Back to top button