બનાસકાંઠા, તા. 10 જાન્યુઆરી, 2025: ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે રૂ ૨,૪૨૫/- પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી., મારફતે કરવામાં આવશે.
આ પુરાવાની પડશે જરૂર
લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ૦૧/૦૧/૨૦૨૫ થી કરવામાં આવી રહી છે. નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો ૭,૧૨/૮માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો ૧૨ ગામ નમુના.અ ની નકલ/ તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસ બુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.
રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
આ રીતે કરવામાં આવશે જાણ
ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનુ આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે.
નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવી. ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ કરવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ ચાઇનીઝ દોરી કે તુક્કલના વેચાણની માહિતી મળે તો તરત જ આ નંબર કરો ડાયલ