Gujarat : ડ્રેનેજ સફાઈ કામદારોને બદલે આધુનિક સાધનો દ્વારા કરાવવા સરકારની સૂચના
ગુજરાતમાં ગયા માસમાં ગટર સફાઇ દરમિયાન મૃત્યુ પામેલા કામદારો મામલે ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકારને સ્પષ્ટપણે કહ્યું હતું કે આગામી સમયમાં કોઈ પણ કામદારનું મોત ગટર ડ્રેનેજ સફાઇ દરમિયાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે ગ્રામપંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકાના મુખ્ય અધિકારીની રહેશે ત્યારે હવે સરકાર પણ આ બાબતે ગંભીર થઈ હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં રાજ્યના મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને રાજ્યની તમામ મહાનગરપાલિકાના કમિશનર, તમામ નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરની વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી જેમાં ડ્રેનેજ સફાઈ મેન્યુઅલી કામદારો પાસે કરાવવાને બદલે હવે અત્યાધુનિક સાધનોનો ઉપયોગથી કરાવવા માટે તમામ અધિકરીઓને આદેશ આપવામાં આવ્યો હતો. રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકા વિસ્તારમાં ગટર સફાઇની કામગીરી દરમ્યાન કામદારના મૃત્યુની દુખદ ઘટનાઓને અટકાવવા માટે અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ખાતર કૌભાંડ : સબસિડીવાળા ખાતરના 300 કટ્ટા બીજી થેલીઓમાં ભરવાનો પ્લાન હતો
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભરૂચમાં ગટર સફાઇ દરમિયાન જે રીતે કામદારોના મોત થયા હતા તે બાદ નેશનલ હ્યુમન રાઇટ કમિશને પણ ગુજરાત સરકારને નોટિસ ફટકારી હતી. ત્યારબાદ હાઇકોર્ટમાં આ મામલે જાહેરીતની અરજી પણ થઈ હતી જે બાદ કોર્ટે સરકારને સ્પષ્ટપણે આ બાબતે ભવિષ્યમાં કોઈ ભૂલ ન થાય તેની કાળજી રાખવા સલાહ આપી હતી અને મૃત્યુ પામેલા કામદારોને વળતર આપવા પણ કહ્યું હતું.