ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત સરકારે નવી પશુધન વીમા સહાય યોજનાનો અમલ શરૂ કર્યો

Text To Speech
  • ખેડૂતો એક મહિના સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર તેનો લાભ લઈ શકશે
  • માત્ર 100 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકે છે
  • પશુપાલકોને વીમા પ્રીમિયમમાં સબસીડી ચૂકવવામાં આવે છે

ગુજરાત સરકારે નવી પશુધન વીમા સહાય યોજનાનો અમલ શરૂ કર્યો છે. જેમાં પશુપાલક હવે માત્ર 100 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકે છે. રાજ્યના ખેડૂતો 14મી નવેમ્બરથી એક મહિના સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર તેનો લાભ લઈ શકશે.

પશુપાલકોને વીમા પ્રીમિયમમાં સબસીડી ચૂકવવામાં આવે છે

રાજ્યના કૃષિ કલ્યાણ અને પશુપાલન મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કે આ યોજના હેઠળ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના 50 હજારથી વધુ પશુપાલકોને આવરી લેવાનું આયોજન છે. પ્રતિ પશુપાલક એકથી ત્રણ વેતરના હોય તેવા ગાય-ભેંસ સંવર્ગના મહત્તમ ત્રણ પશુઓ માટે સહાય મેળવી શકશે. કેન્દ્ર સરકારના નેશનલ લાઈવસ્ટોક મિશન હેઠળ પણ પશુપાલકોને વીમા પ્રીમિયમમાં સબસીડી ચૂકવવામાં આવે છે.

અરજી કરી હોય તેવા પસંદ થયેલા લાભાર્થીને લાભ અપાશે

કેન્દ્રની સબસીડી બાદ થતા પશુપાલકોના ભાગે આવતી વીમા પ્રીમિયમની શેષ રકમમાં ઘટાડો કરી વધુ સહાય પૂરી પાડવા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેના માટે સરકારે ચાલુ વર્ષે 23 કરોડની બજેટ જોગવાઈ સાથે આ યોજનાની જાહેરાત કરી હતી. આ અંગે ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. વીમા યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકો ઓનલાઈન અરજી કરી શકે તે માટે 14મી નવેમ્બરથી એક મહિના સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. અરજી કરી હોય તેવા પસંદ થયેલા લાભાર્થીને લાભ અપાશે.

આ પણ વાંચો: ગિરનારની લીલી પરિક્રમાના અંતિમ તબક્કામાં જાણો કેટલા લાખ યાત્રિકો નોંધાયા

Back to top button