ગુજરાતને ‘વૈશ્વિક પ્રવાસન ડેસ્ટિનેશન’ તરીકે ઓળખ અપાવવાની રાજ્ય સરકારની નેમ

ગાંધીનગર, તા. 20 માર્ચ, 2025: વિધાનસભા ગૃહ ખાતે પ્રવાસન પ્રધાન મૂળુભાઈ બેરા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે પ્રવાસન વિભાગની રૂ. ૨૦૪૫.૬૨ કરોડ, જ્યારે યાત્રાધામ માટે રૂ. ૪૬૨.૨૭ કરોડ મળી કુલ રૂ. ૨૫૦૭.૮૯ કરોડની માગણીઓ રજૂ કરવામાં આવી હતી.
આ અંદાજપત્રીય માગણીઓ રજૂ કરતાં પ્રવાસન પ્રધાન બેરાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દાયકા પહેલાં ગુજરાતમાં પ્રવાસનના ક્ષેત્રના વિકાસ માટે જોયેલું સપનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્રપટેલના માર્ગદર્શન હેઠળ અત્યારે પ્રવાસન ક્ષેત્ર ઝડપથી વિકાસ પામી રહ્યું છે. જેના પરિણામસ્વરૂપ, રાજ્યનું વર્ષ ૨૦૦૧-૦૨માં પ્રવાસન ક્ષેત્રનું બજેટ માત્ર બાર કરોડ રૂપિયાથી ક્રમશઃ વધીને વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૨૦૪૫.૬૨ કરોડ સુધી પહોંચ્યું છે.
તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારની વિકાસલક્ષી પ્રવાસન નીતિના કારણે દેશ-વિદેશના લાખો પ્રવાસીઓ ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાત લઇ ગુજરાતની સંસ્કૃતિ અને તેના વૈવિધ્યસભર વારસાને માણી રહ્યા છે. વર્ષ ૨૦૨૪માં દેશવિદેશના કુલ ૧૮.૬૩ કરોડ જેટલા પ્રવાસીઓએ રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી છે.
તાજેતરમાં પ્રયાગરાજ ખાતે યોજાયેલાં મહાકુંભ રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે ગુજરાતી યાત્રિકો માટે રાજ્ય સરકાર દ્વારા બસ તથા ત્યાં ૩૩ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ગુજરાત પેવેલિયન, હેલ્પ ડેસ્ક સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો.
રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ અંગે પ્રવાસન પ્રધાન મૂળુભાઈ બેરાએ જણાવ્યું કે છેલ્લાં બે દાયકામાં ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. ગુજરાતમાં જ્યાંથી ‘મા નર્મદા’નો પ્રવેશ થાય છે એવા છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાફેશ્વર ગામને ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા હેરિટેજ કેટેગરીમાં ‘શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા-૨૦૨૪’ નો એવોર્ડ પ્રાપ્ત થયો છે.
ગુજરાતની સંસ્કૃતિમાં તહેવારો અને મેળાઓના મહત્ત્વ વિશે જણાવતાં પ્રધાને કહ્યું કે ગુજરાતમાં કેલેન્ડર વર્ષની શરૂઆત આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલથી થાય છે અને વર્ષનો અંત કાંકરિયા કાર્નિવલ સાથે થાય છે. આ દરમિયાન ફ્લાવર-શો, નેશનલ બુક ફેર, તરણેતરનો મેળો, કાત્યોકનો મેળો, નવરાત્રી મહોત્સવ, રણ ઉત્સવ, માધવપુરનો મેળો, બીચ ફેસ્ટિવલ, મોનસૂન ફેસ્ટિવલ તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ઉજવવામાં આવતા વિવિધ તહેવારો અને મેળાઓની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે.
આ ઉપરાંત તેમણએ જણાવ્યું કે આજે રાજ્યનો પતંગઉદ્યોગ ૭૦૦ કરોડને પાર કરી ગયો છે અને દેશના પતંગ બજારમાં ગુજરાત ૬૫ ટકા હિસ્સો ધરાવે છે. જેના કારણે સ્થાનિક રોજગારીની તકો ઊભી થઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીકાળમાં કચ્છના ધોરડો ખાતે વર્ષ ૨૦૦૫માં માત્ર બે દિવસ માટે શરૂ કરાયેલો રણ ઉત્સવ આજે વિસ્તરીને ૧૨૪ દિવસ સુધીનો થયો છે. જેમાં ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫માં અત્યાર સુધીમાં લગભગ ૧૦ લાખથી વધુ પ્રવાસીઓએ આ રણોત્સવની મુલાકાત લીધી છે તેમ જણાવી પ્રવાસન મંત્રીશ્રીએ કહ્યું કે કચ્છનું રણ હવે ભારતનું તોરણ બની ગયું છે.
રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિવર્ષ વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે પ્રવાસન પ્રભાગ દ્વારા આ વર્ષે મહાશિવરાત્રિના અનુસંધાને સૌ પ્રથમ વાર ‘કલા દ્વારા આરાધના’ – સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે હાલમાં પ્રવાસન નીતિ ૨૦૨૧-૨૦૨૫ તથા ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી ૨૦૨૨-૨૭’ પણ અમલમાં છે. આ તકે તેમણે જણાવ્યું કે અયોધ્યામાં રામમંદિર નજીક ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રીભવનનું નિર્માણ કરવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમની આસપાસના ૯૦ કિલોમીટરની ત્રિજ્યાના વડનગર, તારંગા, અંબાજી અને રાણકી વાવ જેવા પ્રસિદ્ધ સ્થળોને સાંકળીને ધરોઇને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા વિવિધ પ્રોજેકટ્સની કામગીરી શરૂ કરી છે. તો બીજી તરફ, એશિયાટિક સિંહોના ઘર એવા ગીર વિસ્તાર, ગિરીમથક સાપુતારાને તથા વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાને આઇકોનિક સ્થળ તરીકે વિકસાવીને વિવિધ પ્રવાસી સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે.
પ્રવાસન પ્રધાને જણાવ્યું કે રાજ્યમાં હેરિટેજ પ્રોપર્ટીનું પુનઃસ્થાપન અને સંરક્ષણ માટે ૨૦૦ કરોડના પ્રોજેકટની જોગવાઈ કરી છે, જે અંતર્ગત વિવિધ ઐતિહાસિક હવેલીઓના પુનઃસ્થાપન અને સંરક્ષણનું તથા પ્રાચીન અને ઐતિહાસિક વાવનું સમારકામ કરવામાં આવશે.
ધાર્મિક-આદ્યાત્મિક સ્થળો ખાતે પ્રવાસનને ધ્યાનમાં રાખીને આસપાસનાં પ્રવાસન સ્થળો ખાતે મૂળભૂત સુવિધાઓના વિકાસ માટે જરૂરી નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. અનેક જુના ઐતિહાસિક ધરોહર સમાન મંદિરો, કૂવાઓ, તળાવોને વિકસાવવા માટેની કામગીરી હાથ ધરી છે.
મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદર ખાતે આવનાર પ્રવાસીઓ માટે સુવિધાઓ વિકસાવવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જ્યારે નીતિ આયોગ દ્વારા દક્ષિણ ગુજરાતને G-HUB (જી-હબ) તરીકે વિકાસ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
જે અંતર્ગત, હોટેલ અને બીચ રિસોર્ટ, પારસી સર્કિટ, સુરત ખાતે ક્રુઝ ટુરિઝમનું ડોકીંગ પોઈન્ટ, બીચ હોટેલ્સ, થીમ પાર્ક, ઇકો-ટુરિઝમ એક્ટીવિટીના વિકાસ માટે નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. વિવિધ મુખ્ય રૂટ ખાતે દર ૬૦ કિલોમીટરના અંતરે પ્રાથમિક સુવિધાઓ જેવી કે શૌચાલય, પીવાના પાણીની વ્યવસ્થા, ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનની સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
રાજ્યમાં એડવેન્ચર અને સ્પોર્ટ્સ ટુરિઝમ પ્રવૃત્તિઓના આયોજન તથા પ્રમોટ કરવા માટે સાઇકલિંગ, ટ્રેકિંગ, કેમ્પિંગ, રોક ક્લાઈમ્બીંગ, રિવર રાફ્ટિંગ, પેરાગ્લાઇડિંગ, સ્કુબા ડાઇવિંગ, હોટ એર બલૂન રાઇડ્સ, કયાકિંગ, બીચ વોલીબોલ તથા અન્ય એડવેન્ચર અને સ્પોર્ટ્સ ટુરિઝમ પ્રવૃત્તિઓને વેગ આપવા માટે વર્ષ ૨૦૨૫-૨૬માં નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્યનાં યાત્રાધામો અંગે વાત કરતાં પ્રધાન મૂળુભાઈ બેરાએ કહ્યું કે રાજયનાં મુખ્ય આઠ પવિત્ર યાત્રાધામો ઉપરાંત સરકારશ્રી હસ્તકનાં ૩૫૮ દેવસ્થાન, ખાનગી મંદિરો/યાત્રાધામોનાં યાત્રાળુઓની પ્રાથમિક સુવિધા અંગે તેમજ યાત્રાધામોનો સર્વાંગી વિકાસ માટે સર્વગ્રાહી નીતિ નિયત કરવામાં આવી છે. ગત વર્ષે આઠ મુખ્ય પવિત્ર યાત્રાધામોમાં કુલ ૫.૩૭ કરોડ યાત્રિકોએ દર્શનનો લાભ લીધો છે.
વડાપ્રધાનના હસ્તે પાંચસો વર્ષ પછી પાવાગઢ મંદિરની ધ્વજારોહણ વિધી કરવામાં આવી છે. જ્યારે પાવાગઢ યાત્રાધામમાં તળેટીના વિસ્તાર ‘માચી ચોક’ ખાતે મલ્ટિલેવલ પાર્કિંગ સહિતની વિવિધ કામગીરી માટે રૂ. ૧૩ કરોડનાં અંદાજિત કામો પ્રગતિ હેઠળ છે. જ્યારે પાવાગઢના ચાંપાનેર ખાતે જરૂરી સુવિધાઓ અને વડા તળાવના સૌદર્યકરણની કામગીરી રૂ. ૧૩૫ કરોડના ખર્ચે કરવામાં આવનાર છે.
અંબાજી યાત્રાધામના વિકાસ માટે અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન સત્તા મંડળની રચના કરી રીંછડીયા મહાદેવ અને તેલિયા ડેમસાઈટ ખાતે રૂ. ૬૩ કરોડના ખર્ચે વિકાસકામો પ્રગતિમાં છે. ભારત સરકારની ‘પ્રસાદ’ યોજના હેઠળ ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટર, ગબ્બર ડુંગરના પગથિયાનું નવિનીકરણ, સી.સી.ટી.વી સર્વેલન્સની કામગીરી રૂ. ૩૫ કરોડના ખર્ચે પ્રગતિમાં છે. અંબાજી યાત્રાધામ કોરિડોરના વિકાસ માટે રૂ. ૧૪૦૫ કરોડના ખર્ચે આ સુવિધા વિકસાવવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
રાજય સરકાર દ્વારા વિશ્વપ્રસિધ્ધ બહુચરાજી માતાજી મંદિરનું એકયાસી કરોડના ખર્ચે પુન:નિર્માણ કરી ૮૬ ફૂટ ૧ ઇંચ ઉંચા મુખ્ય શિખર સાથે ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી છે. બહુચરાજી મંદિર પરિસર વિકાસ માટે માસ્ટર પ્લાન બનાવી રૂ. ૨૩૬ કરોડનું આયોજન છે તેમ તેમણે ઉમેર્યું હતું.
દ્વારકા ખાતે ‘દેવભૂમિ દ્વારકા કોરિડોર’ વિકસાવવા આશરે રૂ. ૮૦૦ આઠસો કરોડના ખર્ચે પ્રથમ ફેઝની કામગીરી માટે આર્કિટેકટ-કમ- કન્સલટન્ટની નિમણૂક માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
વિવિધ યોજનાઓ માટે કરવામાં આવેલી જોગવાઈઓ અંગે માહિતી આપતાં પ્રધાને જણાવ્યું કે વરિષ્ઠ નાગરિકો માટેની ‘શ્રવણ તીર્થ દર્શન યોજના’ માટે વર્ષ ૨૦૨૫-૨૬ માટે કુલ ૫.૫૦ કરોડની જોગવાઈ, સિંધુ દર્શન યોજના માટે ૪૫ લાખની જોગવાઈ, કૈલાસ માનસરોવરમાં ગુજરાતી યાત્રિકો માટેની પ્રોત્સાહક સહાય રૂ. ૨૩ હજારથી વધારીને ૫૦ હજાર કરી, વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૧.૫૦ કરોડની જોગવાઈ, જ્યારે ‘શ્રી રામ જન્મભૂમિ-મા શબરી સ્મૃતિ યોજના’ હેઠળ રાજ્યના વનવાસી લોકોને આર્થિક સહાય ચૂકવવા પંચોતેર લાખની જોગવાઈ કરવામાં આવી છે.
વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રની નવી બાબતો વિશે માહિતી આપતાં પ્રવાસન પ્રધાને જણાવ્યું કે ગિરનાર યાત્રાધામના સર્વાંગી વિકાસ માટે નવી બાબત તરીકે વધારાના રૂ. ૧૦ કરોડ, ડાકોર ખાતે સુવિધાઓ ઊભી કરવા માટે રૂ. ૧૨૫ કરોડનો ડેવલોપમેન્ટ પ્લાન, સોમનાથ-દ્વારકા કોસ્ટલ હાઇવે પર હરસિધ્ધિ માતાજી મંદિરના વિકાસ માટે તથા અન્ય સુવિધાઓ માટે રૂ. ૨૫ કરોડના ખર્ચનું આયોજન છે. આ માટે વર્ષ-૨૦૨૫-૨૬ના બજેટમાં ટોકન પેટે રૂ. ૫૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે.
આ જ પ્રકારે, વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે પ્રસ્થાપિત અમદાવાદ શહેરના ભવ્ય ઐતિહાસિક વારસાને જાળવી રાખવાના ઉદ્દેશથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાનાર વિકાસ કામો માટે કુલ રૂ. ૧૫૫.૦૨ કરોડના અંદાજિત ખર્ચ સામે વર્ષ-૨૦૨૫-૨૬ના બજેટમાં નવી બાબત તરીકે ટોકન તરીકે રૂ. ૧૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે તેમ તેમણે જણાવ્યું હતું.