
ગાંધીનગર, તા. 27 ફેબ્રુઆરી, 2025: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના છેવાડાના તાલુકાઓમાં નવીન ઔધોગિક વસાહત- GIDCનું નિર્માણ અને વિસ્તાર કરવાનું રાજ્ય સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં ૦૭ પ્લોટ અને ૦૪ શેડ તેમજ પાવી જેતપુરમાં ૧૦ પ્લોટ અને ૦૨ શેડની ફાળવણી કરી દેવામાં આવી છે તેમ,વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે કહ્યું હતું.
ઉદ્યોગ પ્રધાન રાજપૂતે પેટા પ્રશ્નના જવાબમાં ઉમેર્યું હતું કે, નવીન GIDC બનાવવા માટે સરકારી જમીન જે શહેરની નજીક હોય, વાહન વ્યવહારની સુવિધા, હાઇવેની આજુબાજુ, વીજળી,પાણીની વ્યવસ્થા અને રેલવે વગેરે સુવિધા જરૂરી છે. સ્થાનિક યુવાનોએ યોગ્ય રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી ગુજરાતમાં કોઈ તાલુકો GIDC વિના બાકી ન રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
ઉદ્યોગ પ્રધાન રાજપુતે જણાવ્યું કે, ગુજરાતે તમામ બાબતોમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અગ્રેસર રહી વિશ્વ ફલક ઉપર પોતાની અલગ ભાત ઉભી કરી છે. રાજય એક તરફ ઔદ્યોગિક વિકાસમાં હરણફાળ ભરી રહ્યું છે, તો બીજી તરફ રોજગારીની નવી તકો ઉભી થઇ રહી છે. ભારતની માત્ર ૫ ટકા વસ્તી ધરાવતું ગુજરાત હવે દેશના કુલ જી.ડી.પી.માં ૮.૩ ટકાનું યોગદાન આપી રહ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાની હેઠળ વર્ષ ૨૦૦૩ થી ૨૦૧૩ સુધી ગુજરાતમાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ. તેમના બહોળા સામાજિક અનુભવ, વહીવટી કુશળતા, સંશાધનોનો યોગ્ય ઉપયોગ કરવાની આવડત અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને કારણે છેવાડાના માનવી સુધી વિકાસની તકો પહોંચી છે.
વાઇબ્રન્ટ ગુજરાતના આયોજન વિશે જણાવતા તેમણે જણાવ્યું કે, રાજ્યમાં રહેલી વિકાસની વિશાળ તકના પરિણામે વિશ્વના રોકાણકારો, ઉદ્યોગકારો અને મલ્ટીનેશનલ કંપનીઓનું ધ્યાન ગુજરાત તરફ આકર્ષાયુ છે. ગુજરાતના વિકાસ માટે યોજનાઓની સાથે-સાથે નીતિગત સુધારાઓ, માળખાગત સુવિધાઓ અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગના લીધે ઇચ્છીત લક્ષ્યાંક પ્રાપ્ત થયાં છે.
આ ઉપરાંત જણાવ્યું કે, આધુનિક સમયમાં વપરાતી ટેકનોલોજીના અભ્યાસક્રમોથી યુવાનોને સજ્જ કરવામાં આવે છે. જીવનનિર્વાહની સાથે ઉચ્ચ કૌશલ્ય દ્વારા વધુ આવક પ્રાપ્ત કરી શકે તે માટે સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરી ગુજરાતે એક નવી પહેલ કરી છે. આ યુનિવર્સિટીમાં એ.આઇ., ડ્રોન, માનવ સંશાધન, મેનેજમેન્ટ, ફાઇનાન્સ, કમ્પ્યુટીંગ, હેલ્થકેર, એગ્રીસાયન્સ, મેન્યુફેક્ચરીંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અભ્યાસક્રમોમાં સર્ટીફિકેટ, ડિપ્લોમાં અને ડીગ્રી કોર્ષ ચલાવવામાં આવે છે.
આ પણ વાંચોઃ પાલનપુર ખાતે મેગા પ્લેસમેન્ટ ફેર-૨૦૨૫નું થયું આયોજન,૩૧૬ વિદ્યાર્થીઓની નોકરી માટે પસંદગી