પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં આજે ઉજવાયો ‘ગુજરાત ગૌરવ દિન’ : જાણો આ દિવસની મહત્વતા
અમદાવાદને આંગણે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાય રહ્યો છે, તેને અંતર્ગત રોજ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતુ હોય છે. તેથી આજે પણ શતાબ્દી મહોત્સવમાં ગુજરાત ગૌરવ દિનની ઉજવણી થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સંસ્કૃતિને ઘડવામાં, તેને ઉદ્ધારવામાં, સંસ્કારવામાં અને અધ્યાત્મ પ્રત્યે અભિમુખ કરવામાં ભગવાન સ્વામિનારાયણનું અભૂતપૂર્વ પ્રદાન છે. ભગવાન સ્વામિનારાયણે આદરેલાં સર્વતોમુખી સમાજ ઉત્કર્ષનાં કાર્યોની ભાગીરથીને તેઓની ગુણાતીત સંતપરંપરમાં પ્રમુખસ્વામી મહારાજે ગુજરાત, ભારત અને વિશ્વભરમાં પ્રવાહિત કરી છે. ગરવી ગુજરાતને ગુણવંતું બનાવવામાં જેઓનો સિંહફાળો છે તેવા વિરલ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજના ગુજરાતના સમાજજીવનમાં વિરાટ ભૂમિકા અને તેમના પ્રદાનોને આજની સભામાં વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા અંજલિ આપવામાં આવી હતી. .
આ પણ વાંચો : પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ : આજે ઉજવાયો ‘દર્શન-શાસ્ત્ર દિન’ જાણો શું રહ્યું વિશેષ
આજના ક્રાયક્રમમાં આ મહાનુભાવો રહ્યાં હાજર
આ કાર્યક્રમનો આરંભ સાંજે ૪.૪૫ વાગ્યે ધૂન અને પ્રાર્થના સાથે થયો હતો. જેમાં જાણીતા ગાયક હેમંત ચૌહાણ, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી અને ઓસમાન મીર દ્વારા ભજન સંગતનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ , પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ રાજયકક્ષા મંત્રી સૌરભભાઈ પટેલ, પૂર્વ રાજયકક્ષા મંત્રી જવાહરભાઈ ચાવડા , પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહજી જાડેજા અને ગુજરાત સરકારના પૂર્વ ખજાનચી સુરેન્દ્રભાઈ પટેલ ઉપરાંત પરિંદુ ભગત(કાકુભાઈ). રાજકોટના માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજા – ઠાકોર સાહેબ , રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ મહિપાલસિંઘ મકરાણા, વિધાયક આર સી ફળદુ, દાદા ભગવાન ફાઉન્ડેશનના પ્રમુખ દીપકભાઈ દેસાઈ, વિખ્યાત પાર્શ્વ ગાયક નીતિન મુકેશ, ગુજરાત ઇલેકટ્રીસિટી રેગ્યુલેટરી કમિશનના ચેરમેન અનિલભાઈ મુકીમ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રીસર્ચના ડાયરેકટર ઓમજી ઉપાધ્યાય, બજાજ ગ્રુપના પ્રમોટર શિશિર બજાજ, નવનીત એજ્યુકેશન ટ્રસ્ટના સીઈઓ સુનીલભાઈ ગાલા, ઇન્ફોસિસ લિમિટેડના ગ્રુપ હેડ ક્રિશ શંકર, ગૂગલ એ.આઈના વાઇસ પ્રેસિડેન્ટ જય યાજ્ઞિક અને સ્વામી જ્ઞાનાનંદજી મહારાજ ઉપસ્થિત રહ્યાં હતા. સભાના અંતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ પણ પાઠવ્યા હતા.
આજના કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
મુખ્ય કાર્યકર્મ સિવાય આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં National Human Resource Development Network (NHRDN) દ્વારા આયોજિત Leader 2030, Role of HR વિષય પર પ્રોફેશનલ કોન્ફરન્સ પણ યોજાઈ હતી. જેમાં,
HR વિભાગીય વડાઓની જવાબદારી આપણી સંસ્થા અને આ વિશ્વને વધુ દયાવાન બનાવવાની છે : પૂ. બ્રહ્મવિહારી સ્વામી
BAPS ના પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે, “ જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે ૩૦ દિવસ માટે ૬૦૦ એકર ભૂમિમાં આટલો પુરુષાર્થ કરવાનું શું કારણ છે ત્યારે મેં જણાવ્યું કે અમે આ મહોત્સવ દ્વારા વિશ્વ પ્રત્યે પ્રમુખસ્વામી મહારાજના પ્રેમ અને સેવાને અભિવ્યક્ત કરી છે. HR – માનવ સંસાધન વિભાગની જવાબદારી નિયમો લાગુ કરવા પૂરતી નથી, પરંતુ માનવની સુખાકારી વધારવાની છે. ભગવદ્ ગીતા મનની સ્થિરતા પર ભાર મૂકે છે. પ્રમુખસ્વામી મહારાજ કહેતા, ‘જો તમારું મન સ્થિર હશે, હૃદય શુદ્ધ હશે અને આત્મા શ્રદ્ધાવાન હશે તો આ વિશ્વમાં કશું અશક્ય નથી.’ સ્વયંસેવકોનું સમર્પણ પ્રમુખસ્વામી મહારાજે તેમની લીધેલી સંભાળને આભારી છે. BAPS સંસ્થા ૧૯૭૯ માં મોરબી રેલ હોનારત સમયે, ૧૯૯૯ માં ઑડિશા ચક્રવાત વખતે, ૨૦૦૧ માં ગુજરાત ભૂકંપમાં, ૨૦૦૪-૦૫ માં સુનામી રાહત કાર્યમાં તેમજ રશિયા-યુક્રેન યુદ્ધ વખતે ભારતીય વિદ્યાર્થીઓને મુક્ત કરાવવા સમયે પણ સેવામાં લાગી ગઈ છે. HR વિભાગીય વડાઓની જવાબદારી માત્ર સ્થિરતા જાળવવાની નથી પરંતુ આપણી સંસ્થા અને આ વિશ્વને વધુ દયાવાન બનાવવાની છે. “
HR ની કાર્યશૈલીમાં પણ અધ્યાત્મ ઉમેરાવું જોઈએ : ડો. ટી.વી. રાવ
ડો. ટી.વી. રાવે (TVRLS ના ચેરમેન, પૂર્વ પ્રોફેસર – IIM Ahmedabad) જણાવ્યું હતું કે ,“ 600 એકરમાં ફેલાયેલા અને અદભૂત મેનેજમેન્ટનો સંસ્પર્શ પામેલા આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં યોજાયેલ આજની આ કોન્ફરન્સ ઐતિહાસિક બની ગઈ છે. હું ડો. કલામના પ્રમુખસ્વામી મહારાજ પર લખાયેલ પુસ્તક ‘ટ્રાન્સેનડેન્સ’ વાંચીને અભિભૂત થઈ ગયો. પ્રમુખસ્વામી મહારાજે ડો. કલામને ભારતની પ્રગતિ માટે આધ્યાત્મિકતાને છટ્ઠા તત્ત્વ તરીકે ઉમેરવાની વાત કરી હતી. HR ની કાર્યશૈલીમાં પણ અધ્યાત્મ ઉમેરાવું જોઈએ. સંસ્થાની 80% મૂડી અદ્રશ્ય સંપદાઓમાં રહેલી છે. આ કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામે આ પુસ્તક વાંચવું જોઈએ અને પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી પ્રેરણા મેળવવી જોઈએ. “
ધર્મ પ્રત્યે અને સંતો પ્રત્યે વિશ્વાસ અને શ્રધ્ધા વધે તેવું જીવન પ્રમુખસ્વામી મહારાજ જીવ્યા છે : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, “પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ભવ્ય અને દિવ્ય છે કારણકે પ્રમુખસ્વામી મહારાજનું જીવન માત્ર અને માત્ર પોતાના કલ્યાણ માટે નહિ પરંતુ સમષ્ટિના કલ્યાણ માટે હતું અને તેના માટે તેઓ અન્યને પ્રેરણા મળે તેવું જીવન જીવ્યા હતા.પ્રમુખસ્વામી મહારાજ લોકોમય હતા કારણકે તેઓ નાનામાં નાના માણસથી લઈને અનેક લોકોના ઘરે પધરામણી કરી છે , પત્રો દ્વારા માર્ગદર્શન આપ્યું છે. “પ્રાર્થના + પુરુષાર્થ = સફળતા” એ સૂત્ર તેમના આધ્યાત્મિક જીવનનો નિચોડ હતો. ધર્મ પ્રત્યે અને સંતો પ્રત્યે વિશ્વાસ અને શ્રધ્ધા વધે તેવું જીવન પ્રમુખસ્વામી મહારાજ જીવ્યા છે. અક્ષરધામ હુમલા વખતે પ્રમુખસ્વામી મહારાજ સતત નરેન્દ્રભાઇ મોદી અને લાલકૃષ્ણઅડવાણી સાથે સંપર્કમાં હતા અને આવી ગંભીર સ્થિતિમાં પણ સમ્યક ભાવે બધી વ્યવસ્થાનું સંચાલન કરી રહ્યા હતા અને શાંતિનો સંદેશો વિશ્વભરમાં આપ્યો હતો જેના લીધે સમગ્ર ગુજરાત અને વિશ્વમાં શાંતિ સ્થાપી હતી. આજે ગુજરાત સમૃદ્ધ અને સલામત છે તેની પાછળ પ્રમુખસ્વામી મહારાજનો પુરુષાર્થ રહેલો છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવથી આવનારા સમયમાં સદીઓ સુધી અનેક લોકોના જીવન પરિવર્તન થશે તેવો મને પૂર્ણ શ્રદ્ધા છે.”
પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં ગુજરાતને ગૌરવ અપાવ્યું : પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ
ગુજરાત સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, “પ્રમુખસ્વામી મહારાજ એક વિરાટ વ્યક્તિત્વ હતું જેને લાખો માણસો સાથે પરિચય હતો અને દરેક સાથે સ્નેહના તાંતણે બંધાયેલા હતા. પ્રમુખસ્વામી મહારાજે સ્વામિનારાયણ સંસ્થા, હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનું વિશ્વભરમાં ગૌરવ વધાર્યું છે. પ્રમુખસ્વામી મહારાજે કચ્છ ભૂકંપ વખતે તાત્કાલિક બધી જ સહાય મોકલીને સમાજસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને ધરતીકંપના પ્રથમ દિવસે જ તમામ લોકોને નાતજાતના ભેદભાવ વગર ખીચડી અને કઢી જમાડીને અનેક લોકોને શાંતિ અને હૂંફ આપી હતી જે અદ્વિતીય હતી. ગુજરાતને વિશ્વભરમાં મહાત્મા ગાંધી સરદારભાઈ પટેલ, નરેન્દ્રભાઇ મોદીએ ગૌરવ અપાવ્યું છે તે રીતે ધાર્મિક અને સેવા ક્ષેત્રે પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. વિશ્વભરમાં શાંતિનો સંદેશ આપવામાં પ્રમુખસ્વામી મહારાજનો સિંહફાળો છે. આજે દિલ્હીમાં આવેલા બીજા દેશના કોઈ પણ વ્યક્તિ સૌ પ્રથમ દિલ્હી અક્ષરધામ જોવા જવાનો આગ્રહ રાખે છે એવું વિશાળ અને ભવ્ય અક્ષરધામ પ્રમુખસ્વામી મહારાજે નિર્માણ કરાવ્યું છે. પ્રમુખસ્વામી મહારાજ એ માત્ર ભારત કે ગુજરાતના નહિ પરંતુ વિશ્વવંદનીય સંત છે.”
“પ્રમુખસ્વામી મહારાજ યુગપુરુષ અને ધર્મપુરુષ હતા : ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા
ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ જણાવ્યું હતું કે, “પ્રમુખસ્વામી મહારાજના સાક્ષાત્ દર્શન થાય છે તેવા મહંત સ્વામી મહારાજ છે. હું પ્રમુખસ્વામી મહારાજ સાથે 1980 થી સંકળાયેલો છું અને પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં 1100 થી વધારે મંદિરોનું નિર્માણ કરીને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. પ્રમુખસ્વામી મહારાજ આગળ ગુજરાત રાજ્યની કોઈ પણ સમસ્યા રજૂ કરીએ ત્યારે બીજા જ દિવસથી વિશ્વભરના તમામ મંદિરોમાં ધૂન અને પ્રાર્થના શરૂ કરવી દેતા. વિદેશોમાં પણ મંદિરોનું નિર્માણ કરીને ત્યાંના બાળકોમાં પણ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો જળવાઈ રહે તે માટે બાળ સભા અને રવિ સભા દ્વારા સતત પ્રયત્નશીલ રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા સમાજના વિકાસ માટે ચિંતિત રહ્યા છે અને સમાજના ઉદ્ધાર માટે સતત તેઓએ સતત પુરુષાર્થ કર્યો છે.પ્રમુખસ્વામી મહારાજને તેમના કાર્યો અને યોગદાન માટે હું યુગપુરુષ અને ધર્મપુરુષ માનું છું.”
પ્રમુખસ્વામી મહારાજે પ્રથમ વખત વિશ્વ ધર્મ પરિષદમાં ગુજરાતી ભાષામાં પ્રવચન કરીને ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું છે : શૈલેષ સગપરિયા
જાણીતા મોટિવેશનલ સ્પીકર શૈલેષભાઈ સગપરિયાએ જણાવ્યું હતું કે, “પ્રમુખસ્વામી મહારાજે ગુજરાત અને ગુજરાતી ભાષાને વિશ્વ કક્ષાએ ગૌરવ અપાવ્યું છે અને યુએનના ઇતિહાસમાં પ્રમુખસ્વામી મહારાજે પ્રથમ વખત વિશ્વ ધર્મ પરિષદમાં ગુજરાતી ભાષામાં પ્રવચન કરીને ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું છે. પ્રમુખસ્વામી મહારાજે બનાવેલા વિશ્વભરના વિદ્યાલયોમાં પણ ગુજરાતી ભાષાનું અધ્યયન કરાવવામાં આવે છે. સૌથી જૂનો ગઢ ગિરનાર એ ગુજરાતમાં છે અને સૌથી જૂનું નગર લોથલ પણ ગુજરાતમાં આવેલું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ ગુજરાતી, અખંડ ભારતના સર્જક સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતી, અવકાશ વિજ્ઞાનના પિતામહ વિક્રમ સારાભાઈ પણ ગુજરાતી, લશ્કરના પિતામહ સામ માણેકશા પણ ગુજરાતી હતા. આધુનિક ભારતના નિર્માતા શ્રી નરેન્દ્રભાઇ મોદી પણ ગુજરાતી છે.”
. પ્રમુખસ્વામી મહારાજ નગરને વર્ણવા માટે મારી પાસે શબ્દો નથી : ભીખુદાનભાઈ ગઢવી
જાણીતા લોક સાહિત્યકાર અને ગાયક ભીખુદાનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે , “પ્રમુખસ્વામી મહારાજની હાજરીમાં મેં અનેક કાર્યક્રમો કર્યા છે ત્યારે તેઓ નાના બાળકની જેમ હસતા હતા, તેવું પવિત્ર એમનું હાસ્ય હતું. પ્રમુખસ્વામી મહારાજ નગરને વર્ણવા માટે મારી પાસે શબ્દો નથી, તેવું ભવ્ય અને દિવ્ય આ નગર છે. પ્રમુખસ્વામી મહારાજનું હૃદય એકદમ ઋજુ હતું અને એમના ચરણોમાં વંદન કરીએ એટલે બધું જ આવી જાય.”શાંતિ પમાડે તેને સંત કહીએ , એના દાસના દાસ થઈને રહીએ” એવા શાંતિ આપનારા સંત પ્રમુખસ્વામી મહારાજ હતા અને મહંતસ્વામી મહારાજ છે.’ સંતોનો સ્વભાવ છે એવો , જનેતાની ગોદના જેવો’ આ પંક્તિને ચરિતાર્થ કરતા પ્રમુખસ્વામી મહારાજે સૌને જનેતાની જેમ પ્રેમ આપ્યો છે અને લોકોના દિલોમાં સ્થાન પામ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા સંતોના મુખમાંથી નીકળતા વેણ એ મોતી જેવા વેણ છે જેનો ચારો કરી લઈશું તો જીવન બદલાઈ જશે.”
પ્રમુખસ્વામી મહારાજનું હાસ્ય નાના બાળક સમાન હતું : શાહબુદ્દીનભાઈ રાઠોડ
હાસ્ય કલાકાર અને સંગીતકાર પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડે જણાવ્યું હતું કે ,“પ્રમુખસ્વામી મહારાજનું હાસ્ય નાના બાળક સમાન હતું અને તેઓને મારા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો જો ‘I’ એટલે કે અહંકારને આડો પાડી દઈએ તો ભગવાન સુધી પહોંચવાનો પુલ બની જાય. પ્રમુખસ્વામી મહારાજ આવા અહંશૂન્ય પુરુષ હતા. આ મહોત્સવ ન જોયો હોત તો વસવસો રહી જાત. ”
સત્પુરુષના શરણે જઈએ ત્યારે પોતાની સાચી ઓળખ થાય છે : પૂજ્ય દીપકભાઈ દેસાઈ
દાદા ભગવાન ફાઉન્ડેશનના પૂજ્ય દીપકભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ,“પ્રમુખસ્વામી મહારાજ એવા મહાપુરુષ હતા કે દરેકના દિલમાં વસી જાય. અનેક લોકોના કલ્યાણને અર્થે ઘરો ઘર વિચરણ કર્યું છે અને અનેક લોકોની દાવાનળ રૂપી અગ્નિને શાંત કરી છે. પ્રમુખસ્વામી મહારાજમાં ભગવાન સ્વામિનારાયણે સમજાવેલો પ્રખર ઉત્કૃષ્ટ વૈરાગ્ય જોવા મળતો હતો અને તેઓ દેહભાવથી પર હતા. પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર જીવનમાં પોતાના ગુરૂહરિને રાજી કરવા મન વચન અને કાયાથી અથાગ પુરુષાર્થ કર્યાં છે અને એ જ એમનો સર્વોચ્ચ ધ્યેય હતો. સત્પુરુષના શરણે જઈએ ત્યારે પોતાની સાચી ઓળખ થાય છે અને પ્રમુખસ્વામી મહારાજ ભલે સ્થૂળ દેહ અહી હાજર નથી પરંતુ સુક્ષ્મદેહે નિરંતર આપણી સાથે છે. દરેક હરિભક્તોને ખરાબ સમયમાં હંમેશા એવી અનુભૂતિ થતી હતી કે,”પ્રમુખસ્વામી મહારાજ મારી સાથે છે અને તેમની હૂંફ અને પ્રેમ મારી પાસે જ છે , તેઓ હાજરાહજૂર જ છે.”
પ્રમુખસ્વામી મહારાજે નિઃસ્વાર્થ ભાવે પ્રચંડ પુરુષાર્થ કર્યો છે : પૂજ્ય મહંતસ્વામી મહારાજ
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું હતું કે ,“આ દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તે પ્રમુખસ્વામી મહારાજ માટે કરવામાં આવ્યું છે કારણકે તેમના જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા પરોપકારની ભાવના સાથે જીવ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે ગુજરાતના વિકાસમાં અનોખું યોગદાન આપ્યું છે. જ્યારે જ્યારે રાજ્યમાં મુશ્કેલી આવી ત્યારે તત્કાળ મોટા પાયે રાહતકાર્યો કર્યા છે. નર્મદા યોજનાની પરિપૂર્તિ માટે પ્રમુખસ્વામી મહારાજે નિઃસ્વાર્થ ભાવે પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. યોગીજી મહારાજ જ્યારે જ્યારે નર્મદા નદી પરથી પસાર થતા ત્યારે નર્મદા યોજના માટે પ્રાર્થના કરતા હતા. પ્રમુખસ્વામી મહારાજે ગુજરાતમાં અનેક વિદ્યાધામ બનાવીને બાળકોમાં સ્વાસ્થ્ય, શિક્ષણ અને સંસ્કારોનું સિંચન કર્યું છે.”