ગુજરાત: કેનેડામાં વર્ક પરમીટના નામે છેતરપિંડી, ચાર એજન્ટો વિરૂદ્ધ ફરિયાદ
- સીઆઇડી ક્રાઇમે ચાર એજન્ટો વિરૂદ્ધ 59 લાખની છેતરપિંડીના બે ગુના નોંધ્યા
- મુકેશભાઇએ અંકિત પટેલ અને વિશાલ પટેલ વિરૂદ્ધ છેતરપિડીની ફરિયાદ નોંધાવી
- ગાંધીનગરના બે એજન્ટોએ રૂપિયા 25 લાખ રૂપિયા પડાવીને પરત આપ્યા નહોતા
કેનેડામાં વર્ક પરમીટના નામે છેતરપિંડી આચરવામાં આવતા ચાર એજન્ટો વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં સીઆઇડી ક્રાઇમે ચાર એજન્ટો વિરૂદ્ધ 59 લાખની છેતરપિંડીના બે ગુના નોંધ્યા છે. જેમાં પ્રાંતિજમાં રહેતા યુવકને કેનેડામાં સ્થાયી કરવાના નામે મુંબઇના બે એજન્ટોએ રૂપિયા 34 લાખ રૂપિયા લઇ કોઇ પ્રોસેસ કરી નહોતી . જ્યારે બીજા બનાવમાં કલોલમાં રહેતી યુવતીને કેનેડામાં નોકરીના અપાવવાનું રહીને ગાંધીનગરના બે એજન્ટોએ રૂપિયા 25 લાખ રૂપિયા પડાવીને પરત આપ્યા નહોતા.
જાણો બનાવની વિગત
ગાંધીનગર જિલ્લાના કલોલમાં રહેતા મુકેશભાઇ પટેલનો પુત્ર સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં અભ્યાસ કરે છે. જ્યારે તેમની પુત્ર જીલે નર્સિગનો કોર્ષ પુર્ણ કર્યો હતો. તેમની દીકરીને કેનેડામાં પીઆર વિઝા સાથે સેટલ થવાનું હોવાથી તેમણે ગાંધીનગર કુડાસણમાં આવેલા ઉગતી કોર્પોરેટ પાર્ક સ્થિત ઉમિયા ઓવરસીઝ પર સંપર્ક કર્યો હતો. જ્યાં અનેરી પટેલ નામની યુવતીએ તેમને 65 લાખની પીઆર વિઝા અપાવવાની ખાતરી આપી હતી. ત્યારબાદ વિવિધ ડોકયુમેન્ટની સાથે વિશાલ પટેલને 20 લાખ રૂપિયા ચુકવ્યા હતા. તે પહેલા પાંચ લાખ એડવાન્સ આપ્યા હતા.
મુકેશભાઇએ અંકિત પટેલ અને વિશાલ પટેલ વિરૂદ્ધ છેતરપિડીની ફરિયાદ નોંધાવી
ત્યારે ઉમિયા ઓવરસીઝના વિશાલ પટેલ , અંકિત પટેલ અને અનેરી પટેલે વિઝાની ખાતરી આપી હતી. ત્યારબાદ કોઇ કાર્યવાહી થતી નહોતી. ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વિઝા માટે કોઇ પ્રોસેસ કરવામાં આવી નહોતી. જેથી મુકેશભાઇએ અંકિત પટેલ અને વિશાલ પટેલ વિરૂદ્ધ છેતરપિડીની ફરિયાદ નોંધાવી હતી.
એસ જી હાઇવે પરની હોટલ પર બોલાવીને 34 લાખમા ડીલ નક્કી કરી
અન્ય બનાવમાં સાબરકાઠાના પ્રાંતિજમાં રહેતા જયદીપ પટેલને કેનેડા જવાનું હોવાથી હિંમતનગરમાં આવેલી એક ઓફિસમાં ફાઇલ મુકી હતી. પરંતુ, તે રિજેક્ટ થઇ હતી. ત્યારબાદ તેમણે તેમના એક જાણીતા વ્યક્તિના રેફરન્સથી મુંબઇ વિરાર વેસ્ટમાં આવેલા એટલાન્ટીક સ્ટડી ઓવરસીઝના અલ્પાબેન ઠક્કરનો સંપર્ક કર્યો હતો. તેમણે આ માટે તેમને એસ જી હાઇવે પરની હોટલ પર બોલાવીને 34 લાખમા ડીલ નક્કી કરી હતી. જેથી નક્કી થયા મુજબ જયદીપે 34 લાખ ચુકવી આપ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં ટ્યુબરક્યુલોસિસના દર્દીઓમાં વધારો, આંકડો જાણી દંગ રહેશો
ત્યારબાદ અમદાવાદના આરટીઓ સર્કલ પર આવેલી એક હોટલમાં આઇઇએલટીએસની પરીક્ષા પણ અપાવી હતી. જો કે ત્યારબાદ અલ્પા ઠક્કર અને ઓવરસીઝના માલિક રાજુલ અજયે ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. જેથી જયદીપે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે એજન્ટોએ વિઝાની કોઇ પ્રોસેસ કરી નહોતી. આ અંગે સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.