ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: બોરસદની સબજેલમાંથી છઠ્ઠી વખત આરોપી ભાગી જવાની ઘટના બની

  • સબજેલોની સુરક્ષા અને સલામતી અંગે અનેક સવાલો ઉભા થવા પામ્યા
  • મધ્યરાત્રિના સુમારે પોક્સોનો આરોપી ફરાર થઈ જતાં ચકચાર મચી
  • આરોપી રોહિત ઠાકોરને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ તેજ થયો છે

બોરસદમાં સબજેલમાંથી દુષ્કર્મનો આરોપી ફરાર થઈ જતાં પોલીસબેડામાં ચકચાર મચી છે. જેમાં બોરસદની સબજેલમાંથી છઠ્ઠી વખત આરોપી ભાગી જવાની ઘટના બની છે. સબજેલોની સુરક્ષા અને સલામતી અંગે સવાલો ઉઠ્યા છે. જેમાં આરોપી રોહિત ઠાકોરને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ તેજ થયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં પોસ્ટર અને ચિઠ્ઠીવોર તેજીમાં

મધ્યરાત્રિના સુમારે પોક્સોનો આરોપી ફરાર થઈ જતાં ચકચાર મચી

બોરસદની સબજેલમાંથી મધ્યરાત્રિના સુમારે પોક્સોનો આરોપી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે પોલીસે ગાર્ડ ઈન્ચાર્જ અને સંત્રી પહેરા ડયુટી સહિત ત્રણેય વિરૂદ્ધ ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા રોહિત ઠાકોરને ઝડપી પાડવાનો ધમધમાટ તેજ કર્યો છે. મળતી માહિતી મુજબ સૈજપુર ગામે રહેતા રોહિત રમેશભાઈ ઠાકોર (ઉં.વ. 22)ની વીરસદ પોલીસ મથકે દાખલ થયેલા એક બળાત્કારના કેસમાં ધરપકડ કરીને તપાસ પૂરી કર્યા બાદ તા. 7-12-2023ના રોજ બોરસદની સબજેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. રાત્રિના સુમારે ગાર્ડ ઈન્ચાર્જ ઉદયકુમાર શંકરભાઈ અને સંત્રી પહેરા ડયુટી હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ મલ્હારીએ બેરેક નંબર-2માં રહેતા રોહિત ઉર્ફે રોતો ઠાકોર અને ઉમેશ પટેલને બેરેકમાંથી બહાર કાઢયા હતા. ત્યારબાદ ઉદયકુમાર અને દિનેશભાઈ બંને બોરસદ સબજેલનો મુખ્ય દરવાજો ખોલીને માત્ર સ્ટોપર મારીને બહાર નીકળી ગયા હતા. આ તકનો લાભ લઈને રોહિત ઉર્ફે રોતો ઠાકોર મુખ્ય દરવાજો ખોલીને ફરાર થઈ ગયો હતો. જેથી ઉમેશ પટેલે હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈને જાણ કરતાં તેમણે તુરંત જ એએસઆઈ સુરેશકુમારને જગાડયા હતા અને તપાસ કરતાં રોહિત ઉર્ફ રોતો મળી આવ્યો નહોતો.

આ પણ વાંચો: ગુજરાત: અમદાવાદમાં બ્લડ યુનિટ કલેક્શનમાં 25થી 30 ટકા જેટલો ઘટાડો, દર્દીઓને ભારે મુશ્કેલી

સબજેલોની સુરક્ષા અને સલામતી અંગે અનેક સવાલો ઉભા થવા પામ્યા

ઘટનાની જાણ બોરસદ પોલીસને કરવામાં આવતાં પોલીસની ટીમ આવી પહોંચી હતી અને સીસીટીવી ફુટેજ ચેક કરતાં ઉદયકુમાર અને દિનેશભાઈ જેલની બહાર નીકળતા તેમજ રોહિત ઉર્ફે રોતો રાત્રિના 1:12 મિનિટે સબજેલમાંથી ફરાર થઈ જતો કેદ થઈ જવા પામ્યો હતો. જેથી આ અંગે બોરસદ પોલીસે ત્રણેય વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. વિવાદોના ઘેરામાં રહેલી બોરસદની સબજેલમાંથી આ છઠ્ઠી વખત આરોપી ભાગી જવાની ઘટના ઉજાગર થતાં જ સબજેલોની સુરક્ષા અને સલામતી અંગે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.

Back to top button