ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યના 153 તાલુકામાં વરસાદ અને 14 તાલુકામાં ભારે વરસાદના પગલે મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી સેન્ટરની મુલાકાત લીધી

Text To Speech

સમગ્ર રાજ્યમાં અનરાધાર મેઘમહેર થતાં સર્વત્ર ઠંડક પ્રસરી ગઇ છે. તો રાજ્યના ઘણા બધા તાલુકાઓમાં રોડ રસ્તા ધોવાઇ જતાં સંપર્ક તૂટયા છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અત્યારે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સમીક્ષા બેઠક કરી રાજ્યમાં કયા કેવી સ્થિતિ છે તેનો તાગ મેળવ્યો છે. રાજ્યભરમાં હજુ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી છે. જેને જોતાં તાત્કાલિક ધોરણે રાહત અને બચાવની કામગીરી માટે પણ તમામ અધિકારીઓને સૂચના આપી છે.

CM Gujarat on Rain 01

ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી જિલ્લા કલેકટર્સ સાથે તાકીદની બેઠક યોજી હતી. છોટા ઉદેપુર સહિત દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી જિલ્લા કલેકટર્સ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્ય સચિવ પંકજ કુમાર પણ ઉપસ્થિત રહ્યાં હતા.

છોટા ઉદેપુર જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ વરસતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી, ક્વાંટ, સંખેડા, અને બોડેલી તાલુકાના 16 જેટલાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા બંધ કરાવાની જાહેરાત કરી છે, તો નસવાડી તાલુકાના પલાસણી કલિડોલી બ્રિજ ધોવાઈ જતાં આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. એક અંદાજ મુજબ બોડેલી તાલુકામાં 16 ઇંચથી વધુ વરસાદ વરસ્યાના અહેવાલ છે.

Chhotaudepur-Heavy-Rain 02

વલસાડ જિલ્લામાં વરસી રહેલા અનાધાર વરસાદના લીધે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.. ઉપરવાસમાં વરસાદ અને દરિયામાં હાઇટાઇડ હોવાથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં 300 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. NDRF જવાનોએ પોતાના જીવ જોખમમાં મૂકીને લોકોને સલામત જગ્યાએ સ્થળાંતર કર્યા..

પોરબંદર જીલ્લામાં આજે વધુ ચાર ગામોને સાવચેત કરાયા છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 600 લોકોનું સલામત સ્થળે સ્થળાતંર કરાયું છે. અતિભારે વરસાદની આગાહી વચ્ચે ભાદર ડેમ 90% જેટલો ભરાઇ ગયો છે.

જામનગર જીલ્લાના કલ્યાણપુર તાલુકાના અડવાણા ગામ પાસે આવેલો સોરઠી ડેમ 70% જેટલો ભરાઇ જતા આ ડેમના હેઠવાસમાં આવતા પોરબંદર તાલુકાના અડવાણા, ભેટકડી, સોઢાણા અને મીયાણી ગામને સાવચેત કરાયા હતા. દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાનો ચાસલાણા, ગાંગડી, દેવળીયા, ગાંધવી, સહિતના ગામો માટે સિંચાઈનું પાણી પૂરું પાડતો મેઢા ક્રિક ડેમ ઓવર ફ્લો થયો છે.

ઘણા સમયથી પડી રહેલા અનરાધાર વરસાદના કારણે કચ્છના 20 ડેમમાં 50 ટકા જેટલો પાણીના જથ્થાનો સંગ્રહ થઈ ચૂક્યો છે. કચ્છની ખેતીવાડીને ઉનાળુ-શિયાળાના પાક માટે સિંચાઈ આપતા 20 મધ્યમ કક્ષાના જળાશયમાંથી 6 તો કાલે છલકાઈ ગયા હતા. વધુ એક ગોધાતડ ઓગનતા કુલ 7 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે.

નર્મદા જિલ્લામાં સતત બે દિવસથી ભારે વરસાદ શરૂ થતાં નર્મદાના તમામ તાલુકાઓ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આજે છેલ્લા 24 કલાકમાં નર્મદાના ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકામાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે નાંદોદમાં અઢી ઇંચ અને ડેડીયાપાડીમાં બે ઇંચ વરસાદ સાગબારા તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે, ડેમોની સપાટી પણ વધી રહી છે..

તાપી જીલ્લામાં ધોધમાર વરસાદના કારણે બે ગામોને જોડતાં રસ્તાઓ ધોવાઇ જતાં હાલ પુરતાં તેને બંધ કરવામાં આવ્યા છે. ગ્રામીણ વિસ્તારોના આર એન્ડ બી અને પંચાયત હસ્તકના અલગ અલગ 57 રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં તેને પણ બંધ કરવામાં આવ્યા છે.

સુરત તાપી નદીમાં નવા નીર આવતાં સુરત કોઝ- વે બંધ કરવામાં આવ્યો છે. આ કોઝ- વે તેની ભયજનક સપાટી ઉપર પહોંચી ગયો છે..

આહવા – ડાંગમાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઉભી થઇ છે. નવસારી જિલ્લા તથા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અંબિકા તથા કાવેરી નદી ભયજનક સપાટી વટાવી ગઇ છે. નવસારી જિલ્લામાં ઉપરવાસના વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા 346 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

Back to top button