ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વિધાનસભા ગૃહમાં ગુજરાત મત્સ્યોદ્યોગ (સુધારા) વિધેયક સર્વાનુમતે થયું પસાર

ગાંધીનગર, તા. 28 માર્ચ, 2025: મત્સ્યોદ્યોગ  પ્રધાન રાઘવજી પટેલે વિધાનસભા ગૃહ ખાતે “ગુજરાત મત્સ્યોદ્યોગ (સુધારા) વિધેયક” રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતનું મત્સ્યોદ્યોગ ક્ષેત્ર રાજ્યના વિકાસને નવી દિશા આપશે. ગુજરાતના મત્સ્ય ખેડૂતોની આવક બમણી કરવા અને મત્સ્ય હાર્બર ખાતે અદ્યતન સુવિધાઓ પૂરી પાડવી એ રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે. મત્સ્યોદ્યોગ ક્ષેત્રના વ્યાપક વિકાસ તેમજ એક્વાકલ્ચર, ઝીંગા ઉછેર, પ્રોન ઉછેર, સી-વીડ ઉછેર અને સંવર્ધનમાં આ સુધારા વિધેયક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-૨૦૦૩માં સુધારો કરીને ગુજરાતમાં ફીશરીઝ ડેવલોપમેન્ટ અને એક્વાકલ્ચર પ્રમોશન માટે આ વિધેયક મહત્વપૂર્ણ સાબિત થશે. મત્સ્યોદ્યોગ ક્ષેત્રે રહેલી વિકાસની પુષ્કળ સંભાવનાઓને ચરિતાર્થ કરવા તેમજ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ગુજરાતને સતત મોખરે રાખવા માટે સલામત, આધુનિક અને નફાકારક મત્સ્યોદ્યોગને વિકસાવવામાં ગુજરાત મત્સ્યોદ્યોગ (સુધારા) વિધેયક દીવાદાંડી બનશે.

Fisherman
@Social Media

તેમણે ઉમેર્યું હતું કે, આ સુધારા વિધેયકના પરિણામે ગુજરાતના મત્સ્ય હાર્બર અને લેન્ડીંગ સેન્ટરો ખાતે સલામતી અને સ્વચ્છતાની વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. સાથે જ, આ વિધેયકથી રાજ્ય સરકાર અને માછીમાર બંન્ને માટે દીવાદાંડી સમાન એક વિશેષ સત્તામંડળ ઉભું થશે. ગુજરાતને દેશના સૌથી લાંબા દરિયા કિનારાની કુદરતી ભેટ મળી છે. તદુપરાંત મીઠાં અને ભાંભરા પાણીના સ્ત્રોતો પણ વિપુલ પ્રમાણમા ઉપલબ્ધ હોવાથી આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી મત્સ્યપાલન કરવાની વ્યાપક સંભાવનાઓ વિકસી રહી છે, તેમ પણ જણાવ્યું હતું.

પ્રધાન રાઘવજી પટેલે સુધારા અધિનિયમના લાભ અંગે જણાવ્યું હતું કે,
* માછીમારોને માનવ સંસાધન વિકાસ, તાલીમ અને કૌશલ્ય વિકાસ દ્વારા વધુ સજ્જ બનાવી શકાશે.
* વૈજ્ઞાનિક સંશોધન અને ટેક્નોલોજી સ્થાનિક માછીમાર ઉદ્યોગ સુધી પહોંચશે.
* માછીમારોને ગુણવત્તાવાળા બીજ, ફીડ, દવાઓ,અને સાધનોનો પ્રમાણિત પુરવઠો મળશે.
* રોગચાળાની પહેલાંથી ચેતવણી મળશે અને રોગનિયંત્રણની વ્યવસ્થાથી માછીમારોને થતું નાણાકીય નુકસાન ટાળી શકાશે.
* માછીમારો વૈશ્વિક બજારમાં તેમની પ્રોડક્ટનું મૂલ્ય સમજી શકશે.
* હેચરીઝ, ફીડ મિલ્સ અને પ્રોસેસિંગ યુનિટ્સ જેવા મૂલ્યવર્ધક સાધનો માટે સહાય મળી રહેશે.
* એક્વા ઉદ્યોગમાં રોકાણ આકર્ષવા માટેનો માર્ગ મોકળો થશે.
* એકીકૃત હાર્બર વ્યવસ્થાથી બંદરોમાં સલામતી અને સ્વચ્છતા જળવાશે.
* રાજ્યની આવકમાં વધારો થશે અને નિકાસના માધ્યમથી વિદેશી હુંડીયામણ વધશે.
* ખાસ કરીને કોસ્ટલ વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઊભી થશે.
* પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણીય સુરક્ષાના ધોરણોને પાલન કરાવાશે.
* તમામ પ્રવૃત્તિઓને નીતિગત રીતે ચલાવવા માટે પરામર્શ અને માર્ગદર્શન આપતું મજબૂત વ્યવસ્થાતંત્ર ઉપલબ્ધ થશે.
* રાજ્ય સરકાર માટે એક મજબૂત અને ડેટા આધારિત ગવર્નન્સ માળખું તૈયાર થશે.
* ગુજરાત સરકારના બધા વિભાગો અને ભારત સરકારની કેન્દ્રીય સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વચ્ચે સંકલન માટે એકમાત્ર નોડલ એજન્સી બનશે.
* સી-ફૂડ ઉદ્યોગના વૈશ્વિક નકશા પર ગુજરાતનું સ્થાન વધુ મજબૂત થશે.

આ પણ વાંચોઃ મ્યાનમારમાં ભૂકંપથી સોનાનો બનેલો મહામુનિ પગોડા તબાહ, ભારતે કરાવ્યો હતો જીર્ણોદ્ધાર

Back to top button